સ્મિથ, વિલિયમ (જ. 23 માર્ચ 1769, ચર્ચિલ, ઑક્સફર્ડશાયર; અ. 28 ઑગસ્ટ 1839) : ઘણા આગળ પડતા વ્યવહારુ, બ્રિટિશ સર્વેયર, ઇજનેર અને ભૂસ્તરશાસ્ત્રી. નહેરો અને પુલોનાં બાંધકામ માટેના સર્વેક્ષણકાર્ય અંગે દેશભરમાં પ્રવાસ ખેડવાની સાથે સાથે જુદા જુદા ખડક-સ્તરોનો તેઓ અભ્યાસ કરતા ગયેલા. દક્ષિણ ઇંગ્લૅન્ડના વિપુલ જીવાવશેષયુક્ત જુરાસિક ખડકોમાં કરેલા ક્ષેત્રકાર્યના અભ્યાસ પરથી તેમને સમજાયું કે જીવાવશેષોની મદદથી જુદા જુદા સ્તરોનું વયનિર્ધારણ થઈ શકે છે. જુદા જુદા વિસ્તારોના ખડક-સ્તરોના જીવાવશેષોના સામ્ય પરથી તે તે સ્તરો સમકાલીન હોવાનો ખ્યાલ આપવા માટે 1799માં ‘જીવાવશેષોથી પરખાતા સ્તરોનો નિયમ ‘Law of Strata identified by Fossils’ તારવ્યો અને રજૂ કર્યો. આ કાર્ય માટે તેઓ ખૂબ જાણીતા બન્યા છે. આ સંશોધનકાર્ય માટે તેમને 1831માં જિયૉલૉજિકલ સોસાયટી ઑવ્ લંડનનો સર્વપ્રથમ વૉલેસ્ટન મેડલ મળેલો; પછીથી બ્રિટિશ સરકાર તરફથી તેમને નિવૃત્તિવેતન બાંધી આપવામાં આવેલું.
વિલિયમ સ્મિથ
પ્રવાસો દરમિયાન એકઠી કરેલી માહિતી પરથી 1815માં બ્રિટિશ ટાપુઓનો ભૂસ્તરીય સ્તરવિદ્યાત્મક નકશો બહાર પાડ્યો. દુનિયાભરમાં હજી સુધી આ પ્રકારના નકશા બહાર પડેલા ન હતા, તેથી તેમનું આ પ્રદાન વિશિષ્ટ ગણાયું. ત્યાર પછી તેમણે કેટલાંક પુસ્તકો પણ પ્રકાશિત કર્યાં, જેમાં સ્તરોમાં મળી આવતા જીવાવશેષોનાં ચિત્રો પણ આપેલાં છે. જે જે સંશોધનકાર્યો માટે તેઓ જાણીતા બનેલા છે, તે તે સ્વપ્રયાસોથી, સ્વસમજણથી કરેલાં; એ માટે અન્ય કોઈની, કોઈ પણ પ્રકારની દોરવણી કે સહાય મળી ન હતી. બ્રિટનમાં ‘English Geology’નો પાયો નાખનાર તરીકે તેમને યાદ કરવામાં આવે છે.
ગિરીશભાઈ પંડ્યા