સ્ફેર્યુલિટિક સંરચના : સોયાકાર સ્ફટિકોનાં વિકેન્દ્રિત જૂથ એટલે સ્ફેર્યુલાઇટ અને તેનાથી બનતી રચના એટલે સ્ફેર્યુલિટિક સંરચના. આ સંરચનાનું સ્વરૂપ ગોલક જેવું હોય છે અને તેનો આડછેદ મોટે ભાગે 1 સેમી.થી પણ ઓછો હોય છે. તેના સ્ફટિકો સિલિકાસમૃદ્ધ લાવા(રહાયોલાઇટ કાચ)ની વિપુલતાવાળા હોય છે, જે મુખ્યત્વે ક્વાર્ટઝ, ટ્રિડિમાઇટ અને આલ્કલી ફેલ્સ્પારના બંધારણવાળા હોય છે.
બેસાલ્ટ અને તેના જેવા ખડકોમાં પણ આવાં જ જૂથ મળે છે; પરંતુ તેમને વેરિયોલાઇટ કહે છે. તેમાં જોવા મળતી રચનાને વેરિયોલિટિક સંરચના કહે છે. તેમાં કાચ અથવા ઑલિવિન કે પાયરૉક્સિનના આંતરદ્રવ્ય સહિત પ્લેજિયોક્લેઝના સ્ફટિકોનું વિકેન્દ્રીકરણ થયેલું હોય છે.
સ્ફેર્યુલિટિક સંરચના
જે સ્ફેર્યુલાઇટ વલયાકાર આવરણોના બનેલા હોય અને સાથે પોલાણયુક્ત આંતરજગાઓ હોઈ તેમને લિથોફાઇઝ અથવા પાષાણ-પરપોટા તરીકે ઓળખવામાં આવે છે. ઘણા સ્ફેર્યુલાઇટમાં તો કંકણાકાર પોલાણો પણ હોય છે. તેમની અંદરની દીવાલો ક્રિસ્ટોબેલાઇટ, ક્વાટર્ઝ અને ફેલ્સ્પારનાં નાજુક સ્ફટિકોથી આચ્છાદિત થયેલી હોય છે.
ગિરીશભાઈ પંડ્યા