સ્ફેનોપ્સીડા : વનસ્પતિઓના ત્રિઅંગી (Pteridophyta) વિભાગનો એક વર્ગ. કેટલાક વર્ગીકરણવિજ્ઞાનીઓ તેને વિભાગ-કૅલેમોફાઇટા કે આર્થ્રોફાઇટા કે સ્ફેનોફાઇટા તરીકે અથવા વર્ગ-આર્ટિક્યુલેટી કે ઇક્વિસીટીની તરીકે પણ ઓળખાવે છે. સ્મિથે સ્ફેનોપ્સીડાનું વિભાગ-કૅલેમોફાઇટા તરીકે વર્ગીકરણ કર્યું છે અને સ્ફેનોફાઇલેલ્સને ગોત્ર તરીકે સ્થાપ્યું છે.
સ્ફેનોપ્સીડામાં બીજાણુજનક (sporophyte) અવસ્થા મુખ્ય અને જન્યુજનક (gametophyte) અવસ્થા ગૌણ હોય છે. તેનું પ્રકાંડ સંધિમય હોય છે અને સ્પષ્ટ ગાંઠ (node) અને આંતરગાંઠ (internode) ધરાવે છે. કેટલીક વાર પ્રકાંડની સપાટી ઊભી ગર્ત-શૃંગવાળી હોય છે. ઇક્વિસીટેલ્સ ગોત્ર અશ્મી પ્રકાંડના બીબા (cast) પર આવેલ ગર્ત-શૃંગ દ્વારા ઓળખી શકાય છે. પ્રકાંડની આંતરિક રચનામાં આદિ મધ્યરંભ (protostele) કે નળાકાર મધ્યરંભ (siphonostele) જોવા મળે છે. પર્ણો ગાંઠો ઉપર ચક્રાકારે ગોઠવાયેલાં હોય છે અને શાખાઓની કલિકાઓ કક્ષીય હોતી નથી; પરંતુ પર્ણ સાથે એકાંતરિક હોય છે. બીજાણુધાનીઓ (sporangia) બીજાણુધાનીધર (sporangiophore) તરીકે ઓળખાતી વિશિષ્ટ રચના પર ચક્રાકારે ઉત્પન્ન થાય છે. આ બીજાણુધાનીધર સમૂહમાં ગોઠવાઈ શંકુ બનાવે છે. બીજાણુધાનીધર વક્રમુખી (campylotropous) કે અધોમુખી (anatropous) હોય છે. વિષમ-બીજાણુતા(heterospory)નો આ વર્ગમાં અત્યંત ઓછો વિકાસ થયો છે.
આ વર્ગની એકમાત્ર અર્વાચીન પ્રજાતિ ઇક્વિસીટમ જીવંત છે, જે શાકીય સ્વરૂપની અને નાની હોય છે; પરંતુ બાકીની વનસ્પતિઓ અશ્મીભૂત અને વૃક્ષસ્વરૂપી હતી તથા ઇક્વિસીટમની પુરોગામી હતી. તેની ઉત્ક્રાંતિ લાયકોપ્સિડ સમૂહને લગભગ સમાંતરે થઈ હતી. તેઓ અધરિક ડેવોનિયન યુગમાં ઉત્પન્ન થઈ હતી; અંગારયુગ(Carboni-ferous)માં આ વર્ગનો વિકાસ ચરમ સીમાએ હતો. અંગારયુગમાં તેની મહાકાય વૃક્ષ-જાતિઓ લગભગ 30 મી. જેટલી ઊંચી હતી અને ઉત્તર ગોળાર્ધમાં અસ્તિત્વ ધરાવતી હતી; જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં તેઓ મુખ્યત્વે વામન-સ્વરૂપની હતી. પર્મિયન યુગમાં તેમના વિલોપન(extinction)ની શરૂઆત થઈ હતી અને મહાસરટ યુગ(Jurassic)થી માત્ર ઇક્વિસીટમ અને તેની કેટલીક નજીકની સંબંધિત વનસ્પતિઓ જાણીતી રહી છે. Climaciophyton અને Sphondylophyton અધરિક ડેવોનિયન યુગના અશ્મીઓ છે. તેમની પ્રાપ્તિ યુરોપીય રાષ્ટ્રોમાંથી થઈ છે; પરંતુ આ બંને અશ્મી-સ્વરૂપો સ્ફેનોપ્સીડાનાં હોવા અંગે મતમતાંતરો પ્રવર્તે છે.
આ વર્ગને ચાર ગોત્રમાં વર્ગીકૃત કરવામાં આવે છે :
(1) હાયેનિયેલ્સ : આ ગોત્રમાં ત્રણ પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે : Protohyenia, Hyenia અને Calamophyton. Protohyenia અધરિક ડેવોનિયન; અને Hyenia અને Calamophyton મધ્ય ડેવોનિયન યુગમાં મળી આવેલા અશ્મીઓ છે. P. janovii પશ્ચિમ સાઇબીરિયામાંથી અને H. elegans યુરોપમાંથી મળી આવેલાં અશ્મીઓ છે.
(2) સ્યુડોબોર્નિયેલ્સ : આ ગોત્ર મધ્ય ડેવોનિયન યુગમાં મળી આવે છે. Pseudobornia ursinaની પ્રાપ્તિ ઉત્તરધ્રુવીય બેઅર દ્વીપમાંથી થઈ છે.
(3) સ્ફેનોફાઇલેલ્સ : આ ગોત્ર ઉપરી ડેવોનિયન યુગથી માંડી નિમ્ન રક્તાશ્મયુગ (lower triassic) સુધી અસ્તિત્વ ધરાવતુ હતું અને અંગારયુગમાં ચરમ સીમાએ હતું. તેનું પ્રકાંડ આદિ મધ્યરંભ ધરાવે છે અને પર્ણો મહાપર્ણી (megaphyllous) હોય છે તથા યુગ્મશાખી (dichotomous) શિરાવિન્યાસ ધરાવે છે. તેને ચાર કુળમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે : સ્ફેનોફાઇલેસી, ચેઇરોસ્ટ્રૉબેસી, ટ્રાઇસ્ટેકિયેસી અને ઇવિયોસ્ટેકિયેસી. સ્ફેનોફાઇલેસી કુળમાં Sphenophyllostachys, Peltastrobus, Sphenostrobus અને Litostrobus; ચેઇરોસ્ટ્રૉબેસીમાં Cheirostrobus; ટ્રાઇસ્ટેકિયેસીમાં Tristachya અને ઇવિયોસ્ટેકિયેસીમાં Eviostachysનો સમાવેશ થાય છે.
(4) ઇક્વિસીટેલ્સ : આ ગોત્ર ઉપરી અંગારયુગથી શરૂ થઈ નિમ્ન રક્તાશ્મયુગ સુધી પ્રસરેલું હતું. તેનું પ્રકાંડ નળાકાર મધ્યરંભ ધરાવે છે અને પર્ણો લઘુપર્ણી (microphyllous) હોય છે. તેને ત્રણ કુળમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે : ઍસ્ટરોકૅલેમાઇટેસી, કૅલેમાઇટેસી અને ઇક્વિસીટેસી. ઍસ્ટરોકૅલેમાઇટેસી કુળની Asterocalamites અને Pothocites; કૅલેમાઇટેસી કુળની Calamites, Annularia, Paleostachya અને Calamostachys અને ઇક્વિસીટેસી કુળમાં Phyllotheca, Schizoneura, Stellotheca અને Equisetites મુખ્ય પ્રજાતિઓ છે.
જૈમિન વિ. જોશી