સ્ફૅલેરાઇટ : જસતનું ધાતુખનિજ. તે ઝિંકબ્લેન્ડ તરીકે પણ ઓળખાય છે. વુર્ટઝાઇટ અને માટ્રાઇટ સાથે ત્રિરૂપતા ધરાવતું ખનિજ. રાસા. બં. : ZnS; શુદ્ધ સ્ફૅલેરાઇટમાં 67 % જસત અને 33 % ગંધક હોય છે. સ્ફ. વર્ગ : ક્યુબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટે ભાગે ટેટ્રાહેડ્રલ, ડોડેકાહેડ્રલ; ફલકો સામાન્યત: ગોળાઈવાળા; દળદાર, વિભાજતાધારક; દાણાદાર; અધોગામી સ્તંભો રૂપે; દ્રાક્ષનાં ઝૂમખાં જેવા; કાંકરીમય. યુગ્મતા સામાન્યપણે (111) ફલક પર. દેખાવ : પારદર્શકથી પારભાસક. ચમક : હીરક, રાળમય. સંભેદ : (011) પૂર્ણ. ભંગસપાટી : વલયાકાર, બરડ. રંગ : સફેદ, પીળા, રાતા, કથ્થાઈ, રાખોડી કે કાળા રંગમાં મળે; ક્લિયોફેન પ્રકાર સફેદ કે રંગવિહીન; માર્મેટાઇટ પ્રકાર લોહસમૃદ્ધ હોઈ કાળો હોય. ચૂર્ણરંગ : આછા કથ્થાઈથી રંગવિહીન. કઠિનતા : 3.5થી 4. વિ. ઘ. : 3.9થી 4.1. સ્ફૅલેરાઇટની અમુક જાતો જ્યારે તેમની પર અણીવાળી ધાતુની ચીજ ફેરવવામાં આવે, ત્યારે કેસરી પ્રકાશનો ઝબકારો બતાવે છે. આ ખનિજને જ્યારે ખોતરવામાં આવે ત્યારે તેમાંથી સડેલા ઈંડાની ગંધ આવે છે.
સ્ફૅલેરાઇટ : (અ) કુદરતી ખનિજ, (આ) સ્ફટિક
પ્રાપ્તિસ્થિતિ : જસતના મુખ્ય ખનિજ તરીકે બહોળા પ્રમાણમાં મળે છે. તે ચૂનાખડકો, ડોલોમાઇટ તેમજ અન્ય જળકૃત ખડકોમાં ગૅલેના તથા અન્ય સલ્ફાઇડ સાથે સંકળાયેલી સ્થિતિમાં મળે; ઉષ્ણજળજન્ય ધાતુખનિજ શિરાઓમાં કે સંસર્ગવિકૃતિજન્ય નિક્ષેપો તરીકે મળે. પેગ્મેટાઇટમાં ભાગ્યે જ મળે છે.
પ્રાપ્તિસ્થાનો : સ્ફૅલેરાઇટના વિશાળ જથ્થા યુ.એસ., કૅનેડા, મેક્સિકો, ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, ફ્રાન્સ, સ્વીડન, સ્પેન, જર્મની, ચેક પ્રજાસત્તાક, રુમાનિયા, જાપાન, ઑસ્ટ્રેલિયા અને ભારતમાંથી મળે છે. ભારતમાં તે મુખ્યત્વે રાજસ્થાનમાંથી તથા ગૌણ પ્રમાણમાં જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાંથી મળે છે.
ગિરીશભાઈ પંડ્યા