સ્પેસરાઇટ (સ્પેસરટાઇટ) : ગાર્નેટ ખનિજશ્રેણી પૈકીનું ખનિજ. રાસાયણિક બંધારણ : Mn3Al2Si3O12 [Mn3Al2(SiO4)3]. સ્ફટિક વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વ. : રહોમ્બ્ડોડેકાહેડ્રન. રંગ : ઘેરો લાલ અથવા કથ્થાઈ-લાલ. ચમક : કાચમય, સ્ફટિક ધાર પર પારભાસક. પ્રભંગ : અપૂર્ણ વલયાકાર. કઠિનતા : 7–7.5. વિ. ઘ. : 4.15થી 4.27. કસોટી : ફૂંકણી પર ગરમ કરતાં મૅંગેનીઝની પ્રક્રિયા બતાવે. પ્રાપ્તિસ્થિતિ : ગાર્નેટનો આ પ્રકાર વિરલ પ્રમાણમાં મળે છે; તે ગ્રૅનાઇટ અને રહાયોલાઇટ જેવા ઍસિડ અગ્નિકૃત ખડકોમાં તેમજ ઓછા પ્રમાણમાં વિકૃતીકરણ પામેલા જળકૃત ખડકોમાં જોવા મળે છે. આ ઉપરાંત તે ગ્રૅનાઇટ-પેગ્મેટાઇટ, નાઇસ, ક્વાર્ટ્ઝાઇટ અને શિસ્ટ જેવા ખડકોમાં પણ મળે છે; સ્કાર્ન ખડકોમાં તે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. (વધુ માટે જુઓ, ગાર્નેટ).
ગિરીશભાઈ પંડ્યા