સ્પિરિલમ (spirillum)
January, 2009
સ્પિરિલમ (spirillum) : દૃઢ સર્પિલ આકારના જીવાણુ. સ્પિરિલમ કુંતલ આકારના, 1.4થી 1.7 માઇક્રોન વ્યાસ ધરાવતા અને 14થી 60 માઇક્રોન લંબાઈ ધરાવતા ગ્રામઋણી જીવાણુઓ છે. તેમાં કોષના એક અથવા બંને છેડે 10થી 30 કશાના ઝૂમખા રૂપે હોય છે, જેના દ્વારા તે પ્રચલન કરે છે. આ જીવાણુને અંધકારક્ષેત્ર માઇક્રોસ્કોપી અથવા ફેઝ કૉન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપી દ્વારા સહેલાઈથી જોઈ શકાય છે. તેઓ આંતરકોષીય પોલી b-હાઇડ્રૉક્સિ બ્યુટરેટ સંચાયીકણિકા ધરાવે છે.
સ્પિરિલમની મોટા ભાગની પ્રજાતિઓ માઇક્રોઍરોફિલિક (microaerophilic) છે. (ઑક્સિજનનું પ્રમાણ અતિ અલ્પ હોય તેવા વાતાવરણમાં સંવર્ધન પામે છે.) તેઓ કેમોહિટરોટ્રૉફિક છે. (કાર્બનિક પદાર્થના દહનથી શક્તિ પ્રાપ્ત કરે છે.) આ જીવાણુમાં શ્વસન-આધારિત ચયાપચય જોવા મળે છે. શ્વસન દરમિયાન કાર્ય કરતી ઇલેક્ટ્રૉન પરિવહન શૃંખલામાં પ્રાણવાયુ અંતિમ ઇલેક્ટ્રૉન ગ્રહણકર્તા તરીકે કામ કરે છે. સંવર્ધન માટેનું ઇષ્ટ તાપમાન 30° સે. છે.
તેઓ ઑક્સિડેઝ અને ફૉસ્ફેટેઝ ઉત્સેચક ધરાવે છે. કેટેલેઝ ઉત્સેચક જોવા મળતો નથી. તેઓ કેસીન, સ્ટાર્ચ, એસ્ક્યુલીન, જિલેટીન, DNA અને RNAનું જલવિભાજન કરી શકતા નથી. હાઇડ્રોજન પેરૉક્સાઇડ અતિ અલ્પ પ્રમાણમાં હોય તોપણ સંવર્ધન અવરોધાય છે. સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ 0.02 % કરતાં વધારે અને ફૉસ્ફેટેઝ 0.01 મોલ કરતાં વધારે હોય તો સંવર્ધન અવરોધાય છે. પોટૅશિયમ સક્સિનેટ જેવા અમુક કાર્બનિક ઍસિડના ક્ષારો કાર્બનના સ્રોત તરીકે કાર્ય કરે છે. સંવર્ધન માધ્યમમાં વિટામિન ઉમેરવાં જરૂરી નથી.
આ જીવાણુઓ મોટે ભાગે મીઠા બંધિયાર પાણીમાં, દરિયાના પાણીમાં તથા વનસ્પતિજન્ય પદાર્થો કોહવાતા હોય ત્યાં જોવા મળે છે.
મીઠા પાણીમાં રહેનાર જીવાણુઓના અલગીકરણ માટે નિર્જંતુકરણ કરેલા ઘાસને તળાવના પાણીમાં નાંખવામાં આવે છે અને ત્યાર બાદ તેને ઘણા દિવસ સુધી 25°થી 30° સે. તાપમાને રાખવામાં આવે છે.
દરિયામાં રહેતા જીવાણુઓનું લીલમાંથી બનાવેલા પ્રવાહી રસમાં સંવર્ધન કરવામાં આવે છે. સ્પિરિલમ વૉલ્યુટન્સ(spirillum volutans)નો ઊંડાણથી અભ્યાસ થયો છે. આ પ્રજાતિનું કદ મોટું હોય છે. લંબાઈ 40 માઇક્રોન અને પહોળાઈ 1.5 માઇક્રોન છે. ઑક્સિજન માટેની સંવેદનશીલતા વધારે હોઈ અતિ અલ્પ ઑક્સિજનની હાજરીમાં વૃદ્ધિ પામે છે.
સ્પિરિલમ માઇનસ (spirillum minus) મનુષ્યમાં સોડોકુ નામના ઉંદરના કરડવાથી થતો રોગ ઉત્પન્ન કરે છે; જેમાં લસિકાગ્રંથિનો સોજો, ચાંદાં પડવાં, તાવ, ફોડલીઓ વગેરે ચિહનો જોવા મળે છે.
નીલા ઉપાધ્યાય