સ્નાતક વિજયેન્દ્ર (જ. 23 ડિસેમ્બર 1914 વૃંદાવન મથુરા ઉત્તરપ્રદેશ)

January, 2009

સ્નાતક, વિજયેન્દ્ર (જ. 23 ડિસેમ્બર 1914, વૃંદાવન, મથુરા, ઉત્તરપ્રદેશ) : હિંદીના વિવેચક અને વિદ્વાન. તેમણે હિંદી અને સંસ્કૃતમાં એમ.એ.ની પદવી, ‘શાસ્ત્રી’ તથા પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીના હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડા તરીકે સેવાનિવૃત્ત થયા છે. તેઓ હિંદી સાહિત્ય સંમેલનના પ્રમુખ, 1996માં હિંદી સાહિત્ય સંમેલન(અલ્લાહાબાદ)ના પ્રમુખ રહેલા.

તેમણે હિંદીમાં 30 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સમીક્ષાત્મક નિબંધ’ (1955), ‘ચિંતન કે ક્ષણ’ (1969), ‘વિમર્શ કે ક્ષણ’ (1976) તેમના વિવેચનાત્મક નિબંધો છે. ‘આલોચક રામચંદ્ર શુક્લ’ (1953) (વિવેચન, સંપાદિત), ‘રાધાવલ્લભ સંપ્રદાય’, ‘સિદ્ધાંત ઔર સાહિત્ય’ (1956) સંશોધનગ્રંથ છે. ‘ચૈતન્ય મહાપ્રભુ’ (1984), ‘રહીમ’ (1986) અને ‘શ્રી વલ્લભાચાર્ય’ (1992) ચરિત્રગ્રંથો છે.

તેમને સલાકા સન્માન, દિલ્હી રાજ્ય ભારત ભારતી સન્માન, ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન ઍવૉર્ડ અને હજારીમલ દાલમિયા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. 1975–1976માં હિંદી માટેના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના પ્રોફેસર તરીકે તેમને સન્માનવામાં આવ્યા તેમજ તેમને ‘સાહિત્યમાર્તંડ’, ‘વિદ્યાવાચસ્પતિ’, ‘વિદ્યાવારિધિ’ અને ‘સાહિત્યવાચસ્પતિ’ના ખિતાબો આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા