સ્થૈતિક (static) : સામાન્ય રીતે વિદ્યુતભારિત કણોની હવામાં હિલચાલને લીધે વિદ્યુતચુંબકીય તરંગોના પ્રસારણ (broadcasting) ઉપર બિનજરૂરી અવાજ (ઘોંઘાટ) સ્વરૂપે થતી અસર. સ્થૈતિકમાં સુસવાટા કે પાર્શ્વભૂમિ-ઘોંઘાટ હોય છે.
ગ્રાહી પ્રયોજન અથવા મનોરંજનના ઇચ્છિત સંકેતોમાં સુસવાટા, તડતડાટ કે એકાએક તીક્ષ્ણ ઘોંઘાટનો પ્રવેશ વિક્ષેપ પેદા કરે છે. વિદ્યુત-તોફાનો દરમિયાન સામાન્ય પ્રસારણ-અભિગ્રાહીમાં સાવ સાદા સ્વરૂપે સ્થૈતિક સંભળાય છે. આજુબાજુમાં અયોગ્ય રીતે કાર્યવાહી કરતી વિદ્યુતપ્રયુક્તિઓ વડે મળતા અવરોધ(વિક્ષેપ)ને પણ સ્થૈતિક કહે છે. બીજી રીતે, લાંબી પ્લાસ્ટિક ફોનોગ્રામ-રેકોર્ડ ચાલુ હોય ત્યારે મળતા તડતડ અવાજને સ્થૈતિક કહે છે. ઘર્ષણ દ્વારા પેદા થતા વિદ્યુતભારો રેકોર્ડના ખાંચામાં ભરાઈ જતાં ફોનોગ્રામની સોય આવા રજકણો વડે વંકાય છે ત્યારે બિનજરૂરી અવાજ પેદા થાય છે. ટેલિવિઝનમાં સ્થૈતિક, શ્વેત અને ક્ષણિક એવાં ટપકાં સ્વરૂપે જોવા મળે છે. સામાન્ય વાતાવરણીય વિદ્યુતને લીધે રેડિયો કે ટેલિવિઝન અભિગ્રાહીમાં સામેલ થતો વિક્ષોભ સ્થૈતિક પેદા કરે છે. હવામાં ધૂળનાં રજકણો અને જળબિંદુઓ ઘણી વાર વિદ્યુતભાર ધરાવે છે. આવો ગતિ કરતો વિદ્યુતભાર કોઈક આવૃત્તિવાળું વિકિરણન પેદા કરે છે. જો આ વિકિરણનની આવૃત્તિ રેડિયો કે ટેલિવિઝનના પ્રસારણપટ(band)માં હોય તો સ્થૈતિક તરીકે સંભળાય કે દેખાય છે. હવામાં વીજ-પ્રપાત, ભૂકંપ, ટોર્નેડો અને જ્વાળામુખી જેવા અતિ ગંભીર વિક્ષોભને લીધે કણો ખૂબ જ ઝડપથી કંપનો કે ગતિ કરતા હોય છે. આવા વિક્ષોભમાંથી એકાએક મોટો કટકટ અવાજ કટકે કટકે અથવા ધડાક કરતો અવાજ અને સ્થૈતિક પેદા થાય છે. કેટલીક વિદ્યુત મોટરો, યંત્રોમાંથી વિદ્યુત તણખા સ્થૈતિક પેદા કરે છે.
હરગોવિંદ બે. પટેલ