સ્થૂલકોણક : સરળ સ્થાયી વનસ્પતિ પેશીનો એક પ્રકાર. તે શાકીય દ્વિદળી વનસ્પતિઓનાં પ્રકાંડ અને પર્ણોમાં જોવા મળે છે. દ્વિદળીઓનાં મૂળ અને કાષ્ઠમય પ્રકાંડમાં તથા એકદળીઓમાં આ પેશીનો અભાવ હોય છે; છતાં એકદળીમાં નાગદમણ (Crinum) અને ગાર્ડન લીલી(Pancratium)નાં પર્ણોમાં આ સ્થૂલકોણક (collenchyma) પેશી આવેલી હોય છે.

સ્થાન : આ પેશી શાકીય પ્રકાંડો, પર્ણોની મધ્યશિરા અને પર્ણદંડના અધ:સ્તર(hypodermis)માં અને પર્ણદલની કિનારી પર જોવા મળે છે.

રચના : આ પેશી જીવંત અને મૃદુતક પેશી જેવી હોય છે. તેના કોષો કોષરસ અને કોષકેન્દ્ર ધરાવે છે. તેઓ રસધાનીયુક્ત, આંતરકોષીય (intercellular) અવકાશવાળા કે અવકાશવિહીન હોય છે. તેઓ ક્યારેક હરિતકણો પણ ધરાવે છે. આડા છેદમાં તેના કોષો ગોળાકાર કે બહુકોણીય અને ઊભા છેદમાં સહેજ લાંબા અને છેડેથી સાંકડા હોય છે. પ્રત્યેક કોષ 2.0 મિમી. જેટલો લાંબો હોય છે.

આ પેશીના કોષોની કોષદીવાલ ઉપર સેલ્યુલોઝ ઉપરાંત પૅક્ટિનનું અસમાન સ્થૂલન થયેલું હોય છે. સામાન્ય રીતે આ સ્થૂલન કોષોના ખૂણાઓ ઉપર વધારે થયેલું હોય છે; તેથી તેને સ્થૂલકોણક પેશી કહે છે.

પૅક્ટિન અસ્ફટિક કલિલ પદાર્થ છે; જે જલરાગી (hydrophilic) નથી. તે મૅગ્નેશિયમ પૅક્ટેટ અને મિથિલેટેડ કૅલ્શિયમનું મિશ્રણ છે. સામાન્યત: તે દીવાલમાં ત્રણ સ્વરૂપે જોવા મળે છે : (1) પ્રોટોપૅક્ટિન અથવા અદ્રાવ્ય પૅક્ટોઝ, (2) અદ્રાવ્ય પૅક્ટિક ઍસિડ અને (3) દ્રાવ્ય પૅક્ટિન. આ ત્રણેય સ્વરૂપો એકબીજાંમાં પરિવર્તન પામી શકે છે. તે a-D-ગૅલેક્ટોનિક ઍસિડના અવશેષ ધરાવે છે. દરેક કોષદીવાલનું મધ્યપટલ (middle lamella) પૅક્ટિનનું બનેલું હોય છે. કેટલીક વનસ્પતિઓમાં સેલ્યુલોઝ અને પૅક્ટિનના સ્તરો એકાંતરે આવેલા હોય છે.

દીવાલની જાડાઈનો આધાર વિકાસ પામતા કોષોના વાતાવરણ પર રહેલો છે. જો વિકાસ દરમિયાન પવન કે પ્રકાશ વધારે હોય તો તેની જાડાઈ વધારે અને પવન કે પ્રકાશ ઓછા હોય ત્યારે જાડાઈ ઓછી હોય છે. સ્થૂલકોણક પેશીમાં લિગ્નિન હોતું નથી; પરંતુ કોઈક વાર દ્વિતીયક દીવાલમાં લિગ્નિન ઉમેરાય ત્યારે સ્થૂલકોણક પેશી દૃઢોતક (sclerenchyma) પેશીમાં રૂપાંતર પામે છે.

સ્થૂલકોણક પેશીના પ્રકારો : (અ) કોણીય સ્થૂલકોણક, (આ) અવકાશી સ્થૂલકોણક, (ઇ) સ્તરિત સ્થૂલકોણક

પ્રકારો : સ્થૂલકોણક પેશીના કોષોની (કોષ)દીવાલ પરના સ્થૂલન અને કોષોની ગોઠવણીને અનુલક્ષીને તેના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે :

(1) કોણીય (angular) સ્થૂલકોણક : આ પ્રકારની સ્થૂલકોણક પેશીમાં ખૂણાઓમાં વધારે પડતું સ્થૂલન થયેલું હોય છે. તેના કોષોની ગોઠવણી અનિયમિત હોય છે; દા. ત., બટાટા, ટામેટાં, તમાકુ વગેરેના પ્રકાંડ અને પેન્ક્રેશિયમના પર્ણના અધ:સ્તરમાં તે સ્પષ્ટપણે જોવા મળે છે.

(2) અવકાશી (lacunar) કે નળાકાર (tubular) સ્થૂલકોણક : આ પ્રકારની પેશીમાં આંતરકોષીય અવકાશ તરફની દીવાલ સ્થૂલિત થાય છે. પર્ણદંડમાં કોણીય સ્થૂલકોણક પેશી પરિપક્વ બને ત્યારે આંતરકોષીય દ્રવ્યમાં અવકાશો ઉત્પન્ન થાય છે; દા.ત., કોળાનું પ્રકાંડ.

(3) પટલિત કે સ્તરિત (lamellar) સ્થૂલકોણક : આ પ્રકારના સ્થૂલકોણકમાં આંતરકોષીય અવકાશોમાં પટ્ટીની જેમ સ્થૂલન થયેલું હોય છે. અહીં કોષોની ગોઠવણી અરીય હારમાં થયેલી હોય છે અને કોષોની અરીય દીવાલ પર સ્થૂલન થાય છે; દા.ત., સૂર્યમુખી પ્રકાંડ.

કાર્ય : પૅક્ટિનના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને લઈને આ પેશીનું મુખ્ય કાર્ય આધાર આપવાનું છે. તે વિકાસ પામતાં અંગોને ટેકો આપે છે. વનસ્પતિનાં હવાઈ અંગોને લાગતાં વળ અને ખેંચાણ જેવાં યાંત્રિક દબાણોનો તે સામનો કરે છે. જરૂરિયાત પ્રમાણે, તે દૃઢોતકમાં ફેરવાય છે. હરિતકણો ધરાવતી સ્થૂલકોણક પેશી પ્રકાશ-સંશ્લેષણનું કાર્ય પણ કરે છે.

યોગેશ ડબગર