સ્થાનિકીકરણ, ઉદ્યોગોનું : કોઈ એક પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ કરતા ધંધાકીય એકમોનો સમૂહ ઉદ્યોગથી ઓળખાય છે; દા. ત., પેપર ઉદ્યોગ. આવા અનેક ઉદ્યોગોનાં કારખાનાં જુદાં જુદાં સ્થળે સ્થાપવામાં આવે છે. કોઈ એક કારખાનાનું સ્થળ પસંદ કરવાની પ્રક્રિયા સ્થાનિકીકરણથી ઓળખાય છે. કારખાના માટે સ્થળ પસંદ કરીને ત્યાં તે સ્થાપ્યા બાદ સ્થળ બદલવાનું ખૂબ કઠિન અને ખર્ચાળ હોય છે. સ્થાનિકીકરણનો નિર્ણય લાંબા ગાળાનો અને સામાજિક–આર્થિક સંદર્ભોવાળો નિર્ણય છે. જે સ્થળે ઉત્પાદન અને વિતરણ ખર્ચ ઓછામાં ઓછા આવે, નફો મહત્તમ થાય તે સ્થળ કારખાનું સ્થાપવા માટે યોગ્ય સ્થળ છે. જે સ્થળે (1) એકંદર ખર્ચ ન્યૂનતમ આવે, (2) મહત્તમ નફો મળે, (3) લાંબા સમય સુધી ન્યૂનતમ ખર્ચ અને મહત્તમ નફાની પરિસ્થિતિ જળવાશે તેવો અંદાજ મળે અને (4) ગ્રાહકોને ન્યૂનતમ કિંમતે પેદાશો ત્વરિત મોકલી શકાશે તેવો અંદાજ મળે તે સ્થળ યોગ્ય સ્થળ છે.
સ્થાનિકીકરણના માર્ગદર્શન માટે (1) આલ્ફ્રેડ વેબરનો અને (2) સાર્જેન્ટ ફ્લોરન્સના સિદ્ધાંતો ખૂબ ઉપયોગી થઈ પડ્યા છે.
વેબરનો સિદ્ધાંત વસ્તુઆંકથી પણ ઓળખાય છે. એણે સૂત્ર આપ્યું છે કે વસ્તુઆંક
વસ્તુઆંક જો એકથી ઓછો આવે તો તૈયાર માલના બજારની નજીક કારખાનું સ્થાપવાનું અને જો એકથી વધારે આવે તો કાચા માલના પ્રાપ્તિસ્થળની નજીક સ્થાપવાનું માર્ગદર્શન આ આંકથી મળે છે. વેબર સ્થાનિકીકરણમાં કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના બજારને મહત્વ આપે છે. જ્યારે ફ્લોરેન્સ કારખાના માટે જરૂરી કામદારોની પ્રાપ્તિવાળા સ્થળને મહત્વ આપીને સૂત્ર આપ્યું છે કે :
સ્થાનપસંદગીનો અવયવ ; જેમાં P = જ્યાં સ્થાનિકીકરણ કરવું છે તે પ્રદેશના કુલ કામદારો, P1 = જ્યાં સ્થાનિકીકરણ કરવું છે તે પ્રદેશમાં ઉદ્યોગમાં કામ કરી શકે તે કામદારો, N = સમગ્ર દેશમાં મળતા કુલ કામદારો અને N1 = સમગ્ર દેશમાં ઉદ્યોગમાં કામ કરી શકે તેવા કામદારોની સંખ્યા સૂચવે છે. જો અવયવ 1થી વધારે આવે તો ત્યાં સ્થાનિકીકરણ કરવા અને જો ઓછો આવે તો નહિ કરવાનું માર્ગદર્શન મળે છે.
સ્થાનિકીકરણ કરવા માટે વેબર અને ફ્લોરેન્સના માર્ગદર્શક સિદ્ધાંતો ઉપરાંત કેટલાંક પૂરક પરિબળો પણ છે. જેવાં કે (1) ઉત્પાદકનો સ્થાનિક બજારમાં ઇજારો ઊભો કરવાની શક્તિ, (2) અન્ય પેઢીઓએ સ્થાનિકીકરણ કર્યું હોય તેવા સ્થળની અર્થવ્યવસ્થાનો લાભ મેળવવાની શક્યતા, (3) પેઢીના સંચાલકો જેને આનંદદાયક માનતા હોય તેવું સ્થળ, (4) સરકારની અર્થનીતિ અનુસાર સરકારી અનુદાન અને સહાય મેળવી શકાય તેવું સ્થળ અને (5) સ્થાનિક કરવેરામાં રાહત તથા જાહેર પરિવહનની સવલત મળે તેવું સ્થળ : સ્થાનિકીકરણનો નિર્ણય લેવામાં આ મુદ્દાની વિચારણા ઉપયોગી થતી હોય છે.
સૂર્યકાન્ત શાહ