સ્થપતિ : મુખ્ય વાસ્તુશાસ્ત્રજ્ઞ. ભારતીય વાસ્તુશાસ્ત્ર અથવા વાસ્તુકલામાં સ્થપતિનું સ્થાન ઘણું મહત્ત્વનું માનવામાં આવ્યું છે. ‘માનસાર’ જેવા ગ્રંથો તેને વિશ્વકર્માનો પુત્ર માને છે. સ્થાપનાનો તે અધિપતિ હોવાથી તેને સ્થપતિ કહેવામાં આવે છે. ભોજે પોતાના ‘સમરાંગણ સૂત્રધાર’ના ‘સ્થપતિ-લક્ષણમ્’ નામના 44મા અધ્યાયમાં સ્થપતિની યોગ્યતા વર્ણવી છે. જે વ્યક્તિ શાસ્ત્ર, કર્મ-કૌશલ, પ્રજ્ઞા તથા ગુણાન્વિત શીલથી સંપન્ન તેમજ લક્ષ્ય (વાસ્તુવિષય) અને પરિભાષાઓથી સજ્જ હોય તે સ્થપતિ થવાને યોગ્ય છે. સ્થપતિ માત્ર શાસ્ત્ર અર્થાત્ સ્થાપત્યકલામાં જ નિષ્ણાત હોય તે પૂરતું નથી; પરંતુ તે શાસ્ત્રીય સિદ્ધાંતો અનુસાર ક્રિયા-કૌશલમાં પણ નિષ્ણાત હોવો જોઈએ. તેનામાં પોતાના વિષયની આગવી સૂઝ જરૂરી છે. અન્યથા તેનું જ્ઞાન કર્મમાં પરિણમતું નથી. સ્થાપત્યકલામાં સ્થપતિની આગવી સૂઝનું મહત્વ છે. તેને લીધે તેમાં નવી દૃષ્ટિ ખીલે છે. આપણી સંસ્કૃતિના એક અત્યંત ઉજ્જ્વલ અંગ-સ્થાપત્યના વિકાસમાં શીલવાન સ્થપતિઓનો ફાળો રહેલો છે. પ્રાચીન અને મધ્યકાલીન ભારતના અદભુત સ્થાપત્યકીય સ્મારકો શીલવાન સ્થપતિઓની કીર્તિને આજે પણ પ્રકાશિત કરે છે. શીલભ્રષ્ટ સ્થપતિ દ્વારા નિર્મિત ભવન, મંદિર કે પ્રાસાદ જલદીથી નાશ પામતા હોવાનું ભારતીય પરંપરામાં મનાય છે. સ્થપતિની આજ્ઞા પ્રમાણે સૂત્રગ્રાહી વગેરે શિલ્પજ્ઞો શાસ્ત્રીય પદ્ધતિએ સર્વ વાસ્તુનું નિર્માણ કરે છે. મયમત પ્રમાણે સ્થપતિ ધર્મશીલ, દયાળુ, ગણિતજ્ઞ, પુરાજ્ઞ, સત્યવાદી, જિતેન્દ્રિય, દેશકાલજ્ઞ, નીરોગી અને નિર્વ્યસની હોવો જોઈએ. ભોજે પણ પોતાના ગ્રંથોમાં સ્થપતિના વિવિધ ગુણોનો ઉલ્લેખ કર્યો છે.
થૉમસ પરમાર