સ્તૂપ : બૌદ્ધ સ્થાપત્યનો એક પ્રકાર. ભગવાન બુદ્ધ કે તેમના શિષ્યો કે બૌદ્ધ ધર્મના આગળપડતા ધર્મોપદેશકોના કોઈ એક અવશેષ(જેવા કે વાળ, દાંત, અસ્થિ, રાખ, કોલસા વગેરે)ના સંરક્ષણ માટે બૌદ્ધો સ્મૃતિગૃહો બાંધતા. અવશેષોને ધાતુપાત્રમાં સંગ્રહી, પાત્રને પથ્થરના દાબડા(મંજૂષા કે સમુદગક)માં મૂકી, લેખ સાથે દાટવામાં આવતા અને તેની ઉપર અંડાકાર ઘાટનું ઈંટોનું કે પથ્થરનું ચણતર કરવામાં આવતું. આ ઇમારતને સ્તૂપ કહેવામાં આવે છે. પાલિ ભાષામાં એને ‘થૂપ’, મ્યાનમારમાં ‘પૅગોડા’ અને શ્રીલંકામાં ‘દાભગા’ કહે છે. જૈનોમાં પણ સ્તૂપ-નિર્માણની પ્રથા હોવાનું પ્રાપ્ત અવશેષો પરથી જાણવા મળે છે. મથુરાના એક શિલાપટ્ટ પર જૈન સ્તૂપનું આલેખન જોવા મળે છે. ભગવાન બુદ્ધના પરિનિર્વાણ પછી તેમના અવશેષો પર આઠ કે દસ સ્તૂપો બંધાયા હોવાનું ઐતિહાસિક પ્રમાણોથી સિદ્ધ થયું છે.

સ્તૂપના મુખ્ય ભાગને અંડ કહે છે. તે ચોરસ કે નળાકાર પીઠિકા (મેધિ) પર રચવામાં આવતો. અંડનું મથાળું કાપીને સપાટ બનાવવામાં આવતું અને ત્યાં પથ્થરનો સમચોરસ કઠેડો બનાવવામાં આવતો, જેને ‘હર્મિકા’ કહે છે. હર્મિકાની મધ્યમાં છત્રદંડ રોપવામાં આવતો. દંડને મથાળે નીચેથી મોટાં થતાં જતાં ત્રણ છત્રો રાખવામાં આવતાં. સ્તૂપનાં જુદાં જુદાં પડ કે થર પ્રદક્ષિણાપથ તરીકે ઉપયોગમાં લેવાય છે અને તેને ફરતો કઠેડો રાખવામાં આવે છે. આ કઠેડાને વેદિકા તરીકે ઓળખવામાં આવે છે. પ્રદક્ષિણાપથે પહોંચવા માટે બે બાજુથી ચઢી-ઊતરી શકાય તેવી સામસામે સોપાનશ્રેણી (સીડી) કરવામાં આવતી.

અંડ ચણતી વખતે પહેલાં એના પેટાળમાં ધાતુપાત્ર રાખવામાં આવતું. આ ધાતુપાત્રમાં પધરાવેલા પવિત્ર અવશેષો ઘણા નાના અને થોડા હોઈ એની સાથે વિવિધ રત્નો તથા સોનું, ચાંદી કે હાથીદાંતના નાનાં ‘રત્નપદ્મ’ રાખવામાં આવતાં. ક્યારેક એ પવિત્ર અવશેષોને સોનાના નાના પાત્રમાં, એને મોટા ચાંદીના પાત્રમાં, એ પાત્રને એનાથી મોટા તાંબાના પાત્રમાં અને અંતે તેને પથ્થરના પાત્રમાં મૂકવામાં આવતું. ક્યારેક પથ્થરના દાબડાની બહારની બાજુએ અવશેષોને લગતો કે સ્તૂપના નિર્માણને લગતો લેખ કોતરવામાં આવતો.

સ્તૂપને ફરતી ભૂમિને આવૃત એક અન્ય મોટી વેદિકા રચવામાં આવતી. આ વેદિકા સ્તંભો, સૂચી, પિંડિકા અને ઉષ્ણીષની બનેલી હોય છે. બે ઊભા સ્તંભોની વચ્ચે ત્રણ ત્રણ આડા સમાંતર ચપટા પાટડા સ્તંભોને કાણાંમાં સાલવીને જોડવામાં આવતા. આ આડા પાટડાને સૂચી કહે છે. સ્તંભોની નીચે જમીનની અંદરનો પથ્થરવાળો ભાગ ‘પિંડિકા’ તરીકે ઓળખાય છે. સ્તંભોની નીચેનો ભાગ પિંડિકા સાથે સાલવીને જોડવામાં આવતો. સ્તંભોની ટોચ ઉપર કઠેડાની ટોચમાં હોય છે તેવી અર્ધવૃત્તાકાર કે ચાપાકાર પથ્થરની લાંબી છાટને ‘ઉષ્ણીષ’ કહે છે. સ્તંભોના મથાળાને ઉષ્ણીષ સાથે સાલવીને જોડવામાં આવતા. ભૂમિ પરની આ વેદિકાને મહાવેદિકા કહે છે. આ વેદિકાની મુખ્ય ચાર દિશાએ પ્રવેશ માટે તોરણદ્વાર મૂકવામાં આવતાં. બે ચોરસ સ્તંભો અને તેની ઉપર સમાંતરે ત્રણ આડી પીઢો વડે તોરણની રચના કરવામાં આવતી. સ્તંભોની ચારેય બાજુએ અને પીઢોની બંને બાજુએ શિલ્પકામ કરવામાં આવતું. સાંચી અને ભરહૂતના સ્તૂપોની મહાવેદિકામાં આ પ્રકારનાં તોરણદ્વારો આવેલાં છે.

ધામેખ સ્તૂપ, સારનાથ

સ્તૂપ ગમે તેટલો જીર્ણ થાય તોપણ તેને કાઢી ન નાંખતાં એનો વારંવાર જીર્ણોદ્ધાર કરાતો કે એની ઉપર મજબૂત આચ્છાદન કરાતું. સાંચી, તક્ષશિલા અને સારનાથના સ્તૂપોમાં આવું જોવા મળે છે. સારનાથના ધર્મરાજિકાના સ્તૂપમાં તો છ વાર વિસ્તરણ થયાં છે. સ્તૂપોની ઉપર વિતાન (છત) જેવું રાખવામાં આવતું નહિ, આથી એને ‘આકાશ-આચ્છાદિત’ સ્તૂપ કહે છે.

થૉમસ પરમાર