સ્તંભન પાર્શ્વનાથ : મૂળ સમુદ્રમાંથી મળેલી અને કાંતિપુરનગરમાં સ્થાપિત કરેલી પ્રતિમા. નાગાર્જુને રસસિદ્ધિ મેળવવાના આશયથી આ પ્રતિમા કાંતિપુરમાંથી લાવીને સ્તંભનકપુર(થામણા, તા. આણંદ)માં સ્થાપિત કરેલી. ત્યાર બાદ ઈ. સ. 1312માં આ પ્રતિમા સ્તંભતીર્થ–ખંભાતમાં લાવવામાં આવી. આ અંગેનો ઉલ્લેખ મેરુતુંગસૂરિરચિત ‘સ્તંભનાથચરિત’ ગ્રંથમાં છે.
હાલ આ પ્રતિમા સ્તંભતીર્થખંભાતના ખારવાડામાં આવેલા ‘સ્થંભન પાર્શ્વનાથ’ તરીકે પ્રસિદ્ધ જિનાલયમાં પ્રતિષ્ઠિત છે. આ મૂર્તિ અમૂલ્ય નીલમના પથ્થરમાં કંડારી છે. 20 સેમી.થી ઊંચી અને 10 સેમી. પહોળી પંચતીર્થી પ્રકારની આ મૂર્તિની મધ્યમાં મૂળ નાયક પાર્શ્વનાથજી પદ્માસનસ્થ યોગમુદ્રામાં બિરાજમાન છે. તેમના મસ્તક પર સપ્તફણા નાગનો છત્રવટો છે. અહીં ફણાઓને પુરુષ મુખાકૃતિમાં દર્શાવી છે, જે નોંધપાત્ર છે. આસન-ગાદીની નીચે પીઠમાં ૐ ह्रीं श्रीस्थंभणपार्श्वनाथाय नमः મંત્ર તથા તીર્થંકરનું લાંછન સર્પ કોતરેલ છે. તીર્થંકરના મસ્તક ફરતું પ્રભામંડલ છે.
પરિકરમાં ફરતે પ્રત્યેક બાજુ એક એક કાયોત્સર્ગમુદ્રામાં જિન પ્રતિમા અને તે પ્રત્યેકની ઉપરના ભાગમાં એક એક જિન પદ્માસનસ્થ યોગમુદ્રામાં બેઠેલા છે. આ પ્રતિમાના પરિકરમાં આઠ પ્રતિહારો અશોકવૃક્ષ, દેવદુંદુભિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, પ્રભામંડલ, પુષ્પવૃષ્ટિ અને છત્ર કંડાર્યાં છે. પાર્શ્વનાથજીનું બિંબ સિંહાસન પર પ્રતિષ્ઠિત છે. નીચેની પીઠમાં મધ્યમાં ધર્મચક્ર અને તેની એક બાજુ સત્વ નામનો મૃગ અને કરુણા નામની મૃગી છે. પરિકરના નીચેના ડાબા ખૂણામાં પ્રહલાદ અને જમણા ખૂણામાં ઉપેન્દ્ર નામના ઇન્દ્રો ચામર ઢોળે છે. તેમની ઉપરના બહારના ભાગમાં સિંહ અને મકરનાં વ્યાલ-સ્વરૂપો નજરે પડે છે.
સ્તંભન પાર્શ્વનાથ, ખંભાત
હાલ આ સ્તંભન પાર્શ્વનાથનું જિનાલય તદ્દન નવું જ બનાવવામાં આવ્યું છે. પ્રવેશદ્વાર ગજરાજ-સુશોભિત ત્રણ કલાત્મક તોરણોથી શોભાયમાન છે. અંદર ઇલ્લિકા તોરણયુક્ત પાંચ ચૉકીઓ છે. મંડપ 16 સ્તંભો પર ટેકવેલ છે. મંડપની આગળ ખુલ્લો અંતરાલ છે. તેની સામે ગર્ભગૃહની મધ્યમાં ઊંચી પીઠિકા પર સ્થંભન પાર્શ્વનાથજીની પ્રતિમા છે. મુખ્ય ગર્ભગૃહની બંને બાજુ બીજાં બે ગર્ભગૃહ છે. ઈ. સ. 1928માં એક બાજુના ગર્ભમાં પાર્શ્વનાથજી અને બીજી બાજુ આદીશ્વરનાં બિંબોની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરને ફરતો પ્રદક્ષિણાપથ ખુલ્લો છે. મંડપ ઉપર ઘુંમટ છે. ગર્ભગૃહ ઉપર રેખાન્વિત શૈલીનાં ત્રણ ભવ્ય શિખરો છે. મંદિર ઊંચી પીઠિકા ઉપર બાંધેલું છે.
આ જિનાલયમાં બે (સં. 1356 તથા 1393ના) પ્રતિમાલેખો છે. પાંચેક લેખો 15મા સૈકાના અને બે લેખો 16મા સૈકાના છે. અહીં પ્રદક્ષિણાપથની દીવાલમાં (ઈ. સ. 1309–10નો) કાળા પથ્થરમાં કોતરેલો શિલાલેખ છે.
રામજીભાઈ ઠા. સાવલિયા