સ્તંભનક : ખેડા જિલ્લામાં, આણંદ તાલુકામાં, ઉમરેઠ ગામની પાસે, શેઢી નદીને કિનારે આવેલું થામણા ગામ. એ સ્તંભનક, સ્તંભનકપુર, થંભણપુર, થંભણ્ય, થંભણા, થાંભણા, થાંભણપુર તરીકે ઓળખાતું.
‘પ્રબંધકોશ’ મુજબ પાદલિપ્તાચાર્યના સમયમાં રસાયણશાસ્ત્રના પ્રણેતા નાગાર્જુને સહસ્રવેધી પારદની સિદ્ધિ માટે સમુદ્રમાંથી શ્રીપાર્શ્વનાથની મૂર્તિ લઈ આકાશ માર્ગે જતાં શેઢી નદીને કિનારે લાવી સ્થાપી. અહીં રસવિધાન કરાવતાં તે સ્થળે પારો સ્તંભ્યો, તેથી ત્યાં સ્તંભનપુર નામનું નગર થયું. આ સ્તંભનકતીર્થની ઉન્નતિ માટે શ્રીસંઘે મલ્લવાદિસૂરિની નિમણૂક કરી. સમય જતાં આ નગર અપ્રસિદ્ધ થયું. પાછળથી અભયદેવસૂરિ રચિત ‘પ્રભાવકચરિત’માં સેટિકા (શેઢી) નદીને તટે ‘સ્તંભનગ્રામ’ તરીકે નિર્દેશ્યું છે. ‘વિવિધ તીર્થકલ્પ’માં જેઓને ચોર્યાસી મહાતીર્થ કહેવામાં આવ્યાં છે તે પૈકી શ્રી પાર્શ્વનાથના મંદિરસ્થાન તરીકે ‘થંભણય’(સ્તંભનક)ને ગણાવ્યું છે. વળી આ સ્થાનને શેઢીના તટ ઉપર હોવાનું બતાવ્યું છે. વિ. સં. 1131માં રચાયેલ ‘જયતિહૂઅણ’ સ્તોત્રમાં આ સ્થાનનો થંભણ્યપુર-સ્તંભનકપુર તરીકે ઉલ્લેખ છે.
‘પ્રબંધચિંતામણિ’માં ‘સ્તંભનકતીર્થાવતારપ્રબંધ’માં નાગાર્જુન પાર્શ્વનાથના બિંબને કાંતિનગરના એક ધનપતિના મહાલયમાંથી પોતાના રસને સિદ્ધ કરવા માટે હરી લઈ ‘સેડી’ – શેઢી નદીના તટે સ્થાપી ત્યાં શાતવાહનની એક પત્ની ચંદ્રલેખા પાસે રસ લસોટવાનું કામ કરાવતો હોવાનું નોંધ્યું છે.
ગિરનાર ઉપરના વસ્તુપાળ–તેજપાળના સમયના ઈ. સ. 1232ના છ અભિલેખોમાં અન્ય નગરોની જેમ સ્તંભનકપુરમાં નવાં દેરાસરો અને જૂનાં દેરાસરોના જીર્ણોદ્ધાર કર્યાનાં નિર્દેશ છે. વળી, ‘પ્રબંધકોશ’માં કુમારપાળ અને પછી વસ્તુપાળ–તેજપાળ સ્તંભનકની યાત્રાએ ગયાનું જણાવ્યું છે; પરંતુ હાલ સ્તંભનકપુર–થામણામાં એક પણ જૈન દેરાસર અસ્તિત્વમાં નથી.
ધૂમકેતુ કૃત ‘કર્ણાવતી’ ગ્રંથમાં 11મી સદીમાં સ્તંભનક(થામણા)માં મહાદેવનું ભવ્ય દેવાલય બંધાયાનો ઉલ્લેખ છે. થામણામાં ગણપતિની એક મૂર્તિની બેઠકમાં વિ. સં. 602(ઈ. સ. 546)નો લેખ છે.
સં. 999માં ખેડાવાળ બ્રાહ્મણો થામણામાં આવી વસેલા. આ સ્થાનનો ઉલ્લેખ ‘મિરાતે અહમદી’માં થયો છે. 18મી સદીના અંત સુધી થામણામાં બાદશાહી થાણું હતું. ઈ. સ. 1673થી 1737 દરમિયાન થઈ ગયેલા દવે ગંગાદત્તજી માહેશ્વરજી નામના ખેડાવાળે થામણામાં ભવ્ય હવેલી બંધાવી હતી, જે ‘દવેજીની હવેલી’ કહેવાય છે. દવે ગંગાદત્તજીના કુટુંબના દવે કામેશ્વરે અહીં શ્રી કામનાથ મહાદેવનું મંદિર, ધર્મશાળા અને કૂવો બંધાવ્યાં હતાં. આ શિવાલય સામે દવેજીના પુત્રોએ બીજું ગંગનાથ મહાદેવનું મંદિર બંધાવ્યાનો સં. 1870નો લેખ છે.
આ ઉપરાંત શ્રી ગોપાળાનંદ મુનિએ અહીં સ્વામીનારાયણ મંદિર બંધાવેલું. ઈ. સ. 1856માં અહીં ગુજરાતી શાળા સ્થપાઈ. ગાંધીજીએ ઉપદેશેલા ગ્રામોદ્ધારના આદર્શને વ્યવહારમાં ઉતારવા થામણા ગામમાં બબલભાઈ મહેતાએ રચનાત્મક કાર્યોના પ્રયોગો કરેલા તેથી આ ગામ ‘બબલભાઈના થામણા’ તરીકે ઓળખાય છે.
રામજીભાઈ ઠા. સાવલિયા