સ્તંભ : છતને ટેકવવા માટેની સ્થાપત્યકીય રચના. સ્તંભના મુખ્ય ત્રણ ભાગ હોય છે : કુંભી (base), સ્તંભદંડ (shaft) અને શિરાવટી (capital). કુંભી સ્તંભનો પાયો છે, જ્યારે શિરાવટી સ્તંભનો શીર્ષભાગ એટલે કે ઉપરનો ભાગ છે. કુંભી અને શિરાવટી વચ્ચેનો ભાગ સ્તંભદંડ છે. ભારતીય પરંપરામાં સ્તંભનું રૂપવિધાન મંદિરના મંડોવર(ગર્ભગૃહની બહારની દીવાલ)ના રૂપવિધાન સાથે મળતું આવે છે. સ્તંભદંડ ઘાટમાં ચોરસ, ગોળ, અષ્ટકોણીય અને ક્યારેક ષોડશકોણીય હોય છે. કેટલીક વખતે આ દરેક ઘાટનું એક જ સ્તંભદંડમાં મિશ્રણ જોવામાં આવે છે. જેમ કે સ્તંભદંડનો નીચેનો ભાગ ચોરસ એ પછી અષ્ટકોણીય અને અંતે વૃત્તાકાર હોય છે. ચોરસ સ્તંભમાં ક્યારેક વિવિધ નિર્ગમો (projections) રચવામાં આવે છે. અલંકૃત સ્તંભમાં ગ્રાસપટ્ટી, મણિમેખલા, ઘંટા-સાંકળી, ઘટ-પલ્લવ વગેરે સુશોભનો તથા મૂર્તિશિલ્પો યોજવામાં આવે છે. સ્તંભદંડની ઉપર શિરાવટીની રચના હોય છે. જે મોટે ભાગે વૃત્તાકાર હોય છે. શિરાવટીના ચોતરફ ફેલાયેલા છેડાઓની અલંકૃત રચના ‘હીરગ્રહણક’ તરીકે ઓળખાય છે. તે શિરાવટી અને પાટની વચ્ચેનાં તોરણોને અને શિરાવટી-સંલગ્ન શાલભંજિકા અને ગાંધર્વોના શિલ્પોને ટેકવે છે. શિરાવટીના મથાળે ફેલાયેલા છેડાઓમાં કીચક શિલ્પો પ્રયોજાય છે. આ કીચક શિલ્પો જાણે કે પાટોનો ભાર ઝીલતા હોય એમ દુંદાળા પેટવાળા અને ફાટી આંખોવાળા દર્શાવવામાં આવે છે. ક્યારેક શિરાવટીની ઉપર વામન કદના બીજા સ્તંભ ચડાવેલા હોય છે. સ્થાપત્યની ભાષામાં એમને ‘ઉચ્છાલક’ કહેવામાં આવે છે.
સ્તંભોના જુદા જુદા પ્રકાર
પશ્ચિમના શિષ્ટ સ્થાપત્યમાં સ્તંભોની વિવિધ રચના માટે ‘ઑર્ડર’ શબ્દ પ્રયોજાય છે. પશ્ચિમના શિષ્ટ સ્થાપત્યમાં ગ્રીક-ડૉરિક, આયૉનિક, કોરિન્થિયન, ટુસ્ક્ધા, રોમન-ડૉરિક, કૉમ્પોઝિટ ઑર્ડરના સ્તંભો હોય છે. (જુઓ ‘ઑર્ડર’ ખંડ 3, પૃ. 790)
થૉમસ પરમાર