સ્ટ્રોમેટોલાઇટ : એક પ્રકારની સંરચના. ચૂનાયુક્ત–લીલમય ઉત્પત્તિના માનવામાં આવતા કૅલ્શિયમ કાર્બોનેટ અને કૅલ્શિયમ–મૅગ્નેશિયમ કાર્બોનેટના ગોળાકાર, અર્ધગોળાકાર, પડવાળા જથ્થાઓની બનેલી ચૂનાયુક્ત ખડકોમાં જોવા મળતી સંરચના. આ સંરચનાઓ અનિયમિત સ્તંભાકાર અને અર્ધગોલકીય આકારની હોય છે, તેમજ પરિમાણમાં તે 1 મિમી.થી ઘણા મીટરની જાડાઈવાળી હોઈ શકે છે. તે નાનકડા બટનથી માંડીને બિસ્કિટ જેવડી અથવા એક ચોકિમી. કે વધુ વિસ્તારની પણ હોઈ શકે છે. આ સંરચનાઓે પ્રી-કૅમ્બ્રિયનથી અર્વાચીન સુધીના કોઈ પણ કાળગાળાના ખડકોમાં મળી શકે.
છેદ દર્શાવતા સ્ટ્રોમેટોલાઇટ : (અ) પડવાળી સંરચના; (આ) ઊભો છેદ ચાપ આકારવાળો, ઉપરની સપાટી સ્તંભોવાળી.
આ સંરચના જ્યારે થાય (કે થઈ હોય) ત્યારે વિકસતી-વિકસતી વિસ્તરે છે. તેમની ઉપરની સપાટી બાહ્ય ગોળ બને છે. તે સેન્દ્રિય ઉત્પત્તિજન્ય હોવા છતાં જીવાવશેષ નથી કે જીવાવશેષનું અવશિષ્ટ માળખું નથી. છીછરા સમુદ્રોના દરિયાઈ પર્યાવરણ હેઠળની જળકૃત છાજલીઓ પર કે સમુદ્રના અંદરના ઊંચાણવાળા વિસ્તૃત ભાગોની તળસપાટી પર બાયૉસ્ટ્રોમ, બાયૉહર્મ અને સેન્દ્રિય ખરાબાના સંકલનમાં કે સ્વતંત્ર ઘટક તરીકે બનતી હોવાનું જાણવા મળેલું છે. ભારતમાં, ખાસ કરીને રાજસ્થાનમાં ચિતોડ પાસે મળી આવતા ભગવાનપુરા ચર્ટયુક્ત ચૂનાખડકોમાં આ સંરચના વિવિધ આકારોમાં વિશિષ્ટ રીતે વિકસેલી મળી આવે છે.
ગિરીશભાઈ પંડ્યા