સ્ટેન-ગન : મધ્યમ કદનાં શસ્ત્રોમાં ગણાતી સ્વયંચલિત બંદૂક. તે સ્ટેન મશીન ગન (LMG) અથવા સ્ટેન મશીન કાર્બાઇન (SMC) નામથી પણ ઓળખાય છે. સામાન્ય રીતે તેની લંબાઈ 30 ઇંચની અથવા 76.2 સેન્ટિમીટર જેટલી હોય છે. આ બંદૂકની નળી (બૅરલ) 7.5 ઇંચની લંબાઈ ધરાવે છે. તેના મૅગઝીનમાં 32 જેટલી ગોળીઓ (rounds) એકસાથે સંઘરી શકાય છે. તેનાથી વધુ ગોળીઓ ભરવામાં આવે તો તેની ગોળીઓ છોડવાની ક્ષમતામાં કે ગતિમાં અવરોધો ઊભા થાય છે. તેમાંથી મિનિટદીઠ 550 ગોળીઓ છોડી શકાય છે. તેનો કુંદો પોલાદનું આવરણ ધરાવતો હોય છે. તેના બે મુખ્ય ભાગ સહેલાઈથી જુદા પાડી શકાય છે; જેથી તે સંતાડી શકાય છે. મૅગઝીન વગર તેનું વજન 6 પાઉન્ડ અથવા 2.7 કિગ્રા. જેટલું હોવાથી સૈનિક તેને સહેલાઈથી ઊંચકી એક સ્થળેથી બીજા સ્થળે કૂચ કરી શકે છે. એટલા માટે જ તે હલકા વજન(light weight)નું શસ્ત્ર ગણાય છે.

સ્ટેનગન

બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બ્રિટિશ રાષ્ટ્રકુટુંબની સૈનિક ટુકડીઓમાં નવ મિલિમીટર લંબાઈ ધરાવતા સબમશીન-ગનનો વ્યાપક ઉપયોગ થયો હતો. તે અરસામાં યુરોપમાં આ પ્રકારની બંદૂકો હજારોની સંખ્યામાં ભૂમિગત સૈનિકોમાં વહેંચવામાં આવી હતી. તેની સર્વવ્યાપકતાને લીધે બંદૂક નામ ધરાવતાં શસ્ત્રોમાં સબમશીન-ગન – આ નામ ખૂબ પ્રચલિત બન્યું હતું. વીસમી સદીના સાતમા દાયકા સુધી યુદ્ધના મેદાન પર તેનો ઉપયોગ થતો રહ્યો છે.

શેફર્ડ અને ટર્પિન નામના તેના શોધકર્તાઓનાં નામના પ્રથમ વર્ણાક્ષરો S અને T પરથી તે સ્ટેન-ગન નામથી ઓળખાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે