સ્ટર્ક્યુલીએસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલ માલ્વેલીસ ગોત્રનું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : ઉપવર્ગ (subclass) – મુક્તદલા (Polypetalae); શ્રેણી (series) – પુષ્પાસન પુષ્પી (Thalamiflorae); ગોત્ર – માલ્વેલીસ; કુળ – સ્ટર્ક્યુલીએસી.
સ્ટર્ક્યુલીએસી : Sterculia foetida (પૂન, જંગલી બદામ) : (અ) શાખા, (આ) છાલનો એક ભાગ, (ઇ) નર પુષ્પ, (ઈ) માદા પુષ્પ, (ઉ) પુંકેસરચક્ર, (ઊ) સ્ત્રીકેસરચક્ર, (ઋ) ફળો
આ કુળમાં 60 પ્રજાતિઓ અને 750 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું મુખ્યત્વે દુનિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વિતરણ થયેલું હોય છે. તે પૈકી સાત પ્રજાતિઓ ફ્લૉરિડાથી કૅલિફૉર્નિયાના દક્ષિણી પટ્ટામાં સ્થાનિક (indigenous) છે. ભારતમાં હિમાલય અને શુષ્ક પાનખરનાં જંગલોમાં તેનો સૌથી વધારે ફેલાવો થયો છે. સૌથી મોટી પ્રજાતિઓમાં Melochia (50 જાતિઓ), Waltheria (35 જાતિઓ), Hermannia (150 જાતિઓ) અને Sterculia(70 જાતિઓ)નો સમાવેશ થાય છે. ભારતમાં 18 પ્રજાતિઓ અને 90 જેટલી જાતિઓ થાય છે.
આ કુળની વનસ્પતિઓ મોટે ભાગે મૃદુ કાષ્ઠ ધરાવતાં વૃક્ષ કે ક્ષુપ સ્વરૂપની હોય છે. કેટલીક જાતિઓ શાકીય (દા. ત., Pentapetes) કે કઠલતા (liana, દા. ત., Ayenia) સ્વરૂપ ધરાવે છે. પ્રકાંડ ઉપર કેટલીક વાર તારાકાર રોમ જોવા મળે છે. તેની છાલ શ્લેષ્મી હોય છે. પર્ણો સાદાં એકાંતરિક, ભાગ્યે જ ઉપસંમુખ (sub-opposite), અખંડિત અને ઉપપર્ણી (stipulate) હોય છે. ઉપપર્ણો શીઘ્રપાતી (caducous) હોય છે. પર્ણતલ ગ્રંથિમય અને ફૂલેલું હોય છે. કેટલીક જાતિઓમાં પર્ણો પંજાકાર (palmate) છેદનવાળાં અથવા બહુપંજાકાર સંયુક્ત (દા. ત., Sterculia) હોય છે. કેટલીક વાર પર્ણસપાટી તારાકાર રોમ વડે આવરિત હોય છે.
પુષ્પવિન્યાસ કક્ષીય એકાકી કે સંયુક્ત પરિમિત પ્રકારનો હોય છે. કેટલીક વાર તે સ્તંભપુષ્પી (cauliflorus) હોય છે. પુષ્પો સંપૂર્ણ, નિયમિત, ભાગ્યે જ અનિયમિત, દ્વિલિંગી કે એકલિંગી બહુસંગમની (polygamous), અધોજાયી (hypogynous), પંચાવયવી, આકર્ષક, વિવિધરંગી અને કદમાં મોટાં હોય છે.
વજ્ર 3–5 વજ્રપત્રોનું બનેલું, વધતે ઓછે અંશે યુક્ત, ધારાસ્પર્શી (valvate) અને શીઘ્રપાતી હોય છે. Sterculiaમાં વજ્રપત્રો રંગીન હોય છે. દલપુંજ – 5 દલપત્રોનો બનેલો અથવા તેનો અભાવ હોય છે (દા. ત., Sterculia). દલપત્રો મુક્ત હોય છે અને પુંકેસરીય નલિકાના તલસ્થ ભાગેથી તેઓ જોડાયેલાં હોય છે. Dombeyaમાં દીર્ઘસ્થાયી (persistent) હોય છે. કલિકાન્તરવિન્યાસ (aestivation) વ્યાવૃત (contorted) કે કોરછાદી (imbricate) પ્રકારનો જોવા મળે છે.
પુંકેસરચક્ર થોડાક કે અસંખ્ય પુંકેસરોનું બનેલું હોય છે. તંતુઓ મુક્ત અથવા તેઓ પરસ્પર જોડાઈ એકગુચ્છી (monoadelphous) પુંકેસરીય નલિકા બનાવે છે. Melochia અને Waltheriaમાં દલપત્ર સંમુખ પાંચ પુંકેસરો તલસ્થ ભાગેથી જોડાયેલા હોય છે. Melhania-માં 10 પુંકેસરો તલસ્થ ભાગેથી જોડાઈ અત્યંત ટૂંકી પુંકેસરીય નલિકા બનાવે છે. તેમાં પાંચ પુંકેસરો ફળાઉ હોય છે. દલપત્રો સાથે એકાંતરિક રીતે ગોઠવાયેલાં પાંચ પુંકેસરો જિહ્વાકાર (ligulate) અને વંધ્ય હોય છે. Pentapetes અને Pterospermumમાં 20 પુંકેસરો હોય છે. તે પૈકી ફળાઉ પુંકેસરો પાંચ જૂથમાં વહેંચાયેલાં હોય છે. પ્રત્યેક જૂથમાં વજ્રસંમુખ ગોઠવાયેલાં ત્રણ પુંકેસરો હોય છે અને તેઓ પાંચ વંધ્ય પુંકેસરો સાથે એકાંતરિક હોય છે. દલપુંજ અને પુંકેસરચક્ર વચ્ચે જોવા મળતી આંતરગાંઠને પુંધર (androphore) અને પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર વચ્ચે જોવા મળતી આંતરગાંઠને જાયાંગધર (gynophore) કહે છે. આ સંયુક્ત રચનાને પુંજાયાંગધર (gynandrophore) કહે છે. Sterculiaમાં અસંખ્ય પુંકેસરો હોય છે. પરાગાશય દ્વિખંડી હોય છે અને તેનું સ્ફોટન લંબવર્તી રીતે થાય છે.
ફળ શુષ્ક સ્ફોટનશીલ પ્રાવર પ્રકારનું હોય છે. કનકચંપો(Pterospermum)માં કાષ્ઠમય પ્રાવર અને મરડાશિંગ(Helicteris)માં એકસ્ફોટી ફલિકાઓ સર્પાકારે મરડાયેલી હોય છે. કનકચંપામાં અને વેડિંગ ફ્લાવરમાં બીજ સપક્ષ (winged) હોય છે; તેમનું પવન દ્વારા વિકિરણ થાય છે. બીજ અસંખ્ય, ચપટાં, ભ્રૂણપોષી (endospermic) કે અભ્રૂણપોષી (non-endospermic) હોય છે અને બીજોપાંગ (aril) ધરાવે છે.
જાણીતી વનસ્પતિઓ : (1) Theobroma cacao (કોકો), (2) Sterculia foetida (પૂન, જંગલી બદામ), (3) S. urens (કડાયો), (4) S. villosa (સરડોલ), (5) Heritiera litoralis (સુંદરી), (6) Helicteris isora (મરડાશિંગ), (7) Pterospermum acerifolium (કનકચંપો), (8) Guazuma ulmifolia (ખોટી રુદ્રાક્ષ), (9) Dombeya acutangula (વેડિંગ ફ્લાવર), (10) Pentapetes phoenicea (દૂપારી), (11) Cola acuminata, (12) Mehlania futteyporensis (વગડાઉ ખાપર), (13) Buttneria herbacea (હંજ).
જાતિવિકાસી (phylogenetic) સંબંધ : બેન્થામ અને હૂકરે આ કુળને 7 જનજાતિઓ(tribes)માં વર્ગીકૃત કર્યું છે. તે ટિલિયેસી અને માલ્વેસી કુળ સાથે ગાઢ રીતે સંબંધ ધરાવે છે; અને ટિલિયેસી સમૂહમાંથી ઉદભવ પામેલું છે. હચિન્સને તેને ટિલિયેલીસ ગોત્રમાં ટિલિયેસી કુળ સાથે મૂક્યું છે. જોકે મોટા ભાગના વર્ગીકરણ-વિજ્ઞાનીઓ તેને માલ્વેલીસ ગોત્રનું સભ્ય માને છે. ઉપવજ્ર(epicalyx)નો અભાવ, મર્યાદિત સંખ્યામાં પુંકેસરો અને પુંજાયાંગધરની હાજરીને કારણે સ્ટર્ક્યુલીએસી કુળ માલ્વેસી અને ટિલિયેસીથી અલગ પડે છે.
યોગેશ ડબગર