સ્ટબ્સ જૉર્જ (Stubbs George)
January, 2009
સ્ટબ્સ, જૉર્જ (Stubbs, George) (જ. 24 ઑગસ્ટ 1724, લિવરપૂલ, બ્રિટન; અ. 10 જુલાઈ 1806, લંડન, બ્રિટન) : પ્રાણીઓનાં આલેખનો માટે જાણીતા બ્રિટિશ ચિત્રકાર. પિતાનો ચામડા કમાવવાનો ધંધો હતો. માત્ર આરંભમાં કોઈ ચિત્રકાર પાસે થોડી તાલીમ લેવાના અપવાદ સિવાય જૉર્જ સ્ટબ્સે સ્વયંશિક્ષણ વડે જાતને તૈયાર કરી. પશુઓની શરીરરચનામાં તેમને પહેલેથી જ વળગણ કહી શકાય તેટલી ઊંડી રુચિ હતી. 1751માં ડૉ. જોન બર્ટનના પુસ્તક ‘એસે ટુવર્ડ્ઝ એ કમ્પ્લીટ ન્યૂ સિસ્ટમ ઑવ્ મિડવાઇફરી’ માટે સ્ટબ્સે તૈયાર કરેલાં અઢાર ચિત્રોથી તેમનું નામ શરીરરચનાશાસ્ત્રના એક સૌથી વધુ કાબેલ આલેખનકાર તરીકે જાણીતું થયું. એ પછી તેમણે લિંકનશાયર ખાતે એક ફાર્મહાઉસ ખરીદી ત્યાં ઘોડાઓનાં શરીરનું વિચ્છેદન કરી તેમની શરીરરચનાનો ઊંડો અભ્યાસ કર્યો. તેના પરિપાક રૂપે તેમનું પુસ્તક ‘ઍનૅટૉમી ઑવ્ ધ હોર્સ’ પ્રકટ થયું, જેમાં ઘોડાની શરીરરચના દર્શાવતાં તેમનાં છાપચિત્રોએ તેમને શરીરરચનાના એક સિદ્ધહસ્ત અને બિનહરીફ આલેખનકાર તરીકે પુરવાર કર્યા.
જૉર્જ સ્ટબ્સ
ઘોડાની શરીરરચનાના વિશદ અભ્યાસની અસર સ્ટબ્સની લલિત ચિત્રકલા માટે ફળદાયી નીવડી. ખુલ્લાં ચરાણોમાં ચરવામાં મશગૂલ ઘોડા, ઘોડી અને વછેરાંઓને આલેખતું તેમનું મહાકાય તૈલચિત્ર ‘મેર્સ (Mares) ઍન્ડ ફૉલ્સ (Foals) ઇન એ લૅન્ડસ્કેપ’ (આશરે 1760થી 1770) ખૂબ વખણાયું અને લોકપ્રિય થયું. આજે આ ચિત્ર લંડનની ટેઇટ ગૅલરીમાં છે.
સ્ટબ્સે ઘોડા ઉપરાંત સિંહ, વાઘ, જિરાફ, વાંદરા, ગેંડા આદિ જાનવરોને પણ આલેખ્યાં છે. 1754માં તેમણે ઇટાલીનો પ્રવાસ કર્યો. સમકાલીન ચિત્રકાર ઓઝિયાસ હમ્ફ્રીના મત અનુસાર સ્ટબ્સ પ્રકૃતિને હંમેશાં કલાથી ચઢિયાતી માનતા રહેલા. અઢારમી સદીના અંતમાં પશ્ચિમ યુરોપના રંગદર્શી કલાના માહોલમાં શરીરરચનાની કે બીજી બારીક વિગતોને ઉથાપી/ઉવેખી મોટા ભાગના ચિત્રકારો પીંછીના લસરકા વડે જોશ અને જુસ્સાની અભિવ્યક્તિ કૅન્વાસ પર કરતા હતા, છતાં સ્ટબ્સ બારીક વિગતોનું ચીપી ચીપીને આલેખન કરવાની રૂઢ શૈલીને વળગી રહ્યા. પરિણામે તેમના જીવનનાં છેલ્લાં વરસોમાં તેમની લોકપ્રિયતા ઘણી ઘટી ગઈ.
જૉર્જ સ્ટબ્સનું જાણીતું ચિત્ર : ‘મેર્સ ઍન્ડ ફોલ્સ ઇન એ લૅન્ડસ્કેપ’ (1763–68)
1768માં સ્ટબ્સે બ્રિટનના ઇતિહાસને આલેખતી ચિત્રશ્રેણીનું સર્જન કરવું શરૂ કર્યું; પરંતુ આ ચિત્રશ્રેણી તદ્દન કંગાળ અને પ્રભાવહીન સાબિત થઈ. એના કરતાં તો 1770માં બ્રિટિશ ગ્રામજીવનને આલેખતી તેમની ચિત્રશ્રેણી વધુ સફળ રહેલી.
દુર્ભાગ્યે, સ્ટબ્સનાં તૈલચિત્રોમાંથી આજે જૂજ ચિત્રો મૂળ હાલતમાં અક્ષુણ્ણ બચ્યાં છે. તૈલરંગોનાં અત્યંત પાતળાં પડ વડે તેઓ એ ચિત્રોનું આલેખન કરતા હતા.
સ્ટબ્સનાં જીવનનાં છેલ્લાં વરસો કૂકડા, વાઘ અને માનવીની શરીરરચનાઓના તુલનાત્મક અભ્યાસમાં વીત્યાં. આ માટે તેમણે અઢાર ઍન્ગ્રેવિન્ગ–છાપચિત્રો તૈયાર કર્યાં. એનું પ્રકાશન ‘એ કમ્પેરેટિવ ઍનૅટૉમિકલ એક્સ્પૉઝિશન ઑવ્ સ્ટ્રક્ચર ઑવ્ ધ હ્યુમન બૉડી, વિથ ધેટ ઑવ્ એ ટાઇગર ઍન્ડ કૉમન ફૉલ’ નામે થયું છે. શરીરરચનાના અભ્યાસ માટે થઈને સ્ટબ્સે આલેખેલ સમગ્ર છાપચિત્રો અને પેન્સિલ આલેખનો ‘ધ ઍનૅટૉમિકલ વર્ક્સ ઑવ્ જૉર્જ સ્ટબ્સ’ શીર્ષક હેઠળ 1975માં પ્રકાશિત થયાં છે.
અમિતાભ મડિયા