સ્ક્રોફ્યુલેરીએસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી (series) – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર (order) – પર્સોનેલીસ, કુળ – સ્ક્રોફ્યુલેરીએસી. વિલિસ(1969)ના મંતવ્ય પ્રમાણે આ કુળ 210 પ્રજાતિઓ અને 3,000 જાતિઓ ધરાવે છે. બી.એસ.આઈ.(Botanical Survey of India)ની ગણતરી મુજબ આ કુળ 220 પ્રજાતિઓ અને 3,000 જાતિઓનું બનેલું છે. આ જાતિઓ સર્વત્ર થતી હોવા છતાં સમશીતોષ્ણ પ્રદેશોમાં વધારે પ્રમાણમાં વિતરણ પામેલી છે. ભારતમાં 57 પ્રજાતિઓ અને 353 જાતિઓ મળી આવે છે જે પૈકી 11 જાતિઓ ભારતીય દ્વીપકલ્પ(peninsula)ની સ્થાનિકતા (endemism) ધરાવે છે. ગુજરાતમાંથી 23 પ્રજાતિઓ અને 37 જાતિઓ નોંધાઈ છે. સૌથી વધારે જાતિઓ ધરાવતી પ્રજાતિઓમાં Pedicularis (લગભગ 600 જાતિઓ), Calceolaria (500 જાતિઓ), Penstemon (250 જાતિઓ), Verbascum (250 જાતિઓ), Linaria (150 જાતિઓ), Mimulus (150 જાતિઓ), Veronica (150 જાતિઓ), Castilleja(100 જાતિઓ)નો સમાવેશ થાય છે.
સ્ક્રોફ્યુલેરીએસી (Lindenbergia) : (અ) શાખા, (આ) પુષ્પ, (ઇ) દ્વિદીર્ઘક પુંકેસરો અને દલપુંજ, (ઈ) સ્ફોટન પામેલા પરાગાશય સહિત પુંકેસર, (ઉ), (ઊ) પુષ્પારેખ
આ કુળની વનસ્પતિઓ મોટે ભાગે શાકીય (દા. ત., Lindenbergia) કે ઉપક્ષુપ (દા.ત., Scoparia) અથવા ભાગ્યે જ વૃક્ષ (Pellonia) સ્વરૂપ ધરાવે છે. કેટલીક જાતિઓ કઠલતા (liana, દા. ત., Maurandia) સ્વરૂપની હોય છે. Striga જેવી વનસ્પતિઓ મૂળ ઉપર પરોપજીવી (parasite) હોય છે. પર્ણો સામાન્યત: સાદાં એકાંતરિક અનુપપર્ણીય (estipulate) (દા. ત., Verbascum) કે સંમુખ (દા. ત., Torenia) અથવા ભાગ્યે જ ચક્રીલ (whorled, દા. ત., Russelia) હોય છે. પરોપજીવી પ્રજાતિઓમાં પર્ણો સૂક્ષ્મ અને શલ્ક (scale) સ્વરૂપે જોવા મળે છે. Limnophila-માં પર્ણો દ્વિસ્વરૂપી (dimorphic) હોય છે : પાણીની બહારનાં અખંડિત પર્ણો અને પાણીમાં ડૂબેલાં અતિવિભાજિત પર્ણો. પુષ્પવિન્યાસ વિવિધ પ્રકારના – કક્ષીય એકાકી (દા. ત., Bacopa), પરિમિત ગુચ્છમાં
(દા. ત., Scoparia), અપરિમિત કલગી (raceme, દા. ત., Verbascum), 23 પુષ્પીય શાખાયુક્ત કલગી (દા. ત., Russelia) કે અગ્રીય શૂકી (spike, દા.ત., Striga) સ્વરૂપે જોવા મળે છે.
પુષ્પો સંપૂર્ણ, અનિયમિત, ભાગ્યે જ નિયમિત (દા. ત., Verbascum), દ્વિલિંગી, અધોજાયી (hypogynous), પંચાવયવી, નિપત્રી (bracteate) [નિપત્રિકાઓ (bacteoles) સહિત] સદંડી કે અદંડી હોય છે.
વજ્ર – 5 વજ્રપત્રોનું બનેલું હોય છે. વજ્રપત્રો ઊંડે સુધી છેદન પામેલાં હોય છે. Veronicaમાં 4 અને Calceolariaમાં 2 વજ્રપત્રો જોવા મળે છે. કલિકાન્તરવિન્યાસ (aestivation) કોરછાદી (imbricate) કે ધારાસ્પર્શી (valvate) અને દીર્ઘસ્થાયી (persistent) હોય છે. દલપુંજ – 5 દલપત્રોનું બનેલું, યુક્તદલપત્રી (gamopetalous), અસમાન અને દ્વિઓષ્ઠી સંવૃત્ત (personate) હોય છે. દલપુંજનલિકા લાંબી કે ટૂંકી હોય છે. Linariaમાં એક અગ્ર દલપત્ર પશ્ચ છેડે નલિકાકાર દલપુટ (spur) ધરાવે છે. કલિકાન્તરવિન્યાસ કોરછાદી પ્રકારનો જોવા મળે છે.
પુંકેસર ચક્ર – 4 પુંકેસરોનું બનેલું, દ્વિદીર્ઘક (didynamous), દલલગ્ન (epipetalous) હોય છે. Verbascumમાં 5 પુંકેસરો અને Veronicaમાં 2 પુંકેસરો હોય છે. પાંચમું પુંકેસર વંધ્ય તંતુ કે શલ્ક સ્વરૂપ જોવા મળે છે. પરાગાશય દ્વિખંડી હોય છે. બંને ખંડો અસમાન હોય છે. પરાગાશય અને યોજી(connective)નું જોડાણ તલબદ્ધ (basifixed) હોય છે. પરાગાશયનું સ્ફોટન લંબવર્તી (longitudinal) અને અંતર્મુખી (introse) કે ભાગ્યે જ છિદ્રલ (poricidal) પદ્ધતિથી થાય છે. વલયાકાર (annular) કે એકપાર્શ્ર્વીય (unilateral) મધુગ્રંથિમય બિંબ ઘણે ભાગે ખંડોવાળું હોય છે.
સ્ત્રીકેસરચક્ર – 2 સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ અને દ્વિકોટરીય હોય છે અને અક્ષવર્તી જરાયુવિન્યાસ (placentation) ધરાવે છે. પ્રત્યેક કોટરમાં માંસલ જરાયુ ઉપર અસંખ્ય અંડકો આવેલાં હોય છે. અંડકો અધોમુખી (anatropous) કે વક્રમુખી (campylotropous) હોય છે. પરાગવાહિની એક, પાતળી અને લાંબી હોય છે. તે અગ્ર છેડે દ્વિખંડી પરાગાસન ધરાવે છે.
ફળ – શુષ્ક પ્રાવર (capsule), પટવિદારક (septicidal) કે કોષ્ઠવિદારક (loculicidal) કે છિદ્રલ (દા. ત., Antirrhinum) અથવા માંસલ અનષ્ઠિલ (berry) વગેરે પ્રકારનાં જોવા મળે છે. બીજ સૂક્ષ્મ, અસંખ્ય, લીસાં, બહુકોણીય કે સપક્ષ, ભ્રૂણપોષી (endospermic) હોય છે.
આ કુળની કેટલીક જાણીતી વનસ્પતિઓ આ પ્રમાણે છે : (1) Bacopa monniera syn. Moniera cuneifolia (કડવી લુણી), (2) Digitalis purperca (નીલપુષ્પી, ફોક્સગ્લોવ), (3) Lindenbergia muraria (ભીંતચટ્ટી), (4) Picrorrhiza kurrooa (કડુ), (5) Scoparia dulcis (સ્વીટ બ્રૂમવીડ), (6) Stemodia viscosa (નુકાચીની), (7) Russelia juncea (વીપીંગ મૅરી, કોરલ પ્લાન્ટ રસીલી), (8) Antirrhinum majus (શ્વાનમુખ), (9) Linaria ramosissima (કાનોડી, ભીંત ગીલોડી, ટોડ ફ્લેક્ષ), (10) Torenia asiatica (તોરણિયાં), (11) Striga lutea (સફેદ આગિયો), (12) Verbascum thapsiforme (જંગલી તમાકુ).
બેન્થામ અને હૂકરે આ કુળને ત્રણ ઉપકુળ (સ્યુડોસોલેની, ઍન્ટિરહીનૉઇડી અને રહીનૅન્થૉઇડી) તેમજ 10 જનજાતિઓ(tribes)માં વર્ગીકૃત કર્યું છે. ઍંગ્લરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનો ટ્યુબીફ્લોરી ગોત્રમાં અને ક્રોન્ક્વિસ્ટ અને તખ્તાજાનનો તેને સ્ક્રોફ્યુલેરીએલીસ ગોત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કુળ સોલેનેસી સાથે નજીકનો સંબંધ ધરાવે છે. સ્ક્રોફ્યુલેરીએસી કુળની વર્બેસ્કેસી જનજાતિ સોલેનેસીની સાલ્પીગ્લોસિડી જનજાતિ સાથે ખૂબ જ સામ્ય દર્શાવે છે.
યોગેશ ડબગર