સૌરાષ્ટ્ર તમિળ સંગમ : ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણા દેશની સાંસ્કૃતિક વિવિધતા વચ્ચે એકતા સ્થાપિત કરીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું સ્વપ્ન સાકાર કરવાના પ્રયાસ સ્વરૂપે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે નવેમ્બર, 2022થી એક મહિના સુધી વારાણસીમાં ‘કાશી તમિળ સંગમ’નું સફળ આયોજન કર્યું હતું. આ સફળતાથી પ્રેરિત થઈને શિક્ષણ મંત્રાલયે 17 એપ્રિલથી 26 એપ્રિલ, 2023 સુધી દસ દિવસીય ‘સૌરાષ્ટ્ર તમિળ સંગમ’નું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત તમિલનાડુમાંથી આશરે 300ની ટુકડીમાં કુલ 3,000 લોકો તબક્કાવાર રીતે સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમ માટે ગુજરાત આવ્યા. તેમનાં માટે ખાસ ટ્રેનો તમિલનાડુથી દોડાવવામાં આવી. આ કાર્યક્રમનું ઉદઘાટન 17 એપ્રિલના રોજ ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સોમનાથમાં કર્યું. તેમણે આ કાર્યક્રમને પશ્ચિમ ભારતના દરિયાકિનારાનાં જળનો દક્ષિણના દરિયાકિનારાનાં જળ સાથેનો સંગમ ગણાવ્યો. ઉદઘાટન કાર્યક્રમમાં તમિલનાડુના સાંસ્કૃતિક નૃત્ય ‘ભરતનાટ્યમ્’ અને ગુજરાતના લોકગરબા પ્રસ્તુત થયાં.
આ સંગમનો ઉદ્દેશ તમિલનાડુ અને ગુજરાત વચ્ચે સાહિત્ય, વેપાર, સંસ્કૃતિ અને વેપારવાણિજ્યના આદાનપ્રદાનને વધારવાનો તેમજ રાષ્ટ્રીય એકતાનો પાયો મજબૂત કરવાનો છે. વળી બંને રાજ્યોની પ્રજા એકબીજાનાં સંસ્કૃતિ, રીતરિવાજો, પરંપરાઓથી વધારે પરિચિત થાય, એકબીજાનાં પ્રવાસન સ્થળોથી વધારે વાકેફ થાય એ આશય પણ એની સાથે જોડાયેલો છે. આ સંગમ બંને સંસ્કૃતિઓ વચ્ચેના પ્રાચીન જોડાણને બહાર લાવવા ઇચ્છે છે.
ઐતિહાસિક માન્યતા પ્રમાણે, જ્યારે એક હજાર વર્ષ અગાઉ મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, ત્યારે આ વિસ્તારમાં રહેતા અનેક લોકો તમિલનાડુ સ્થળાંતરણ કરી ગયા હતા. હાલ તેમના આશરે 12 લાખ વંશજો તમિલનાડુના 12 જિલ્લાઓમાં વસે છે, ખાસ કરીને મદુરાઈ, કુંભકોણમ્ અને સાલેમમાં. તેઓ ત્યાં રહીને તમિળ પ્રજા સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે, પણ પોતાનાં કેટલાંક રિવાજો અને પરંપરાઓ જાળવી રાખ્યાં છે. અન્ય એક ઐતિહાસિક માન્યતા મુજબ, વિદેશી આક્રમણોથી વિસ્થાપિત થઈને સૌરાષ્ટ્રના વણકરો તમિલનાડુમાં સ્થાયી થયા હતાં. તમિલનાડુના શાસક તિરુમલાઈ નાઇક્કર અને રાજકુમારી આ વણકરોએ બનાવેલા રેશમના વસ્ત્રો પહેરતાં હતાં. ‘સૌરાષ્ટ્ર તમિળ સંગમ’માં આ ગુજરાતી વણકરોના પરિવારોના વંશજો તેમની પ્રાચીન ભૂમિ પર આવ્યા.
આ કાર્યક્રમના ભાગ રૂપે અતિથિઓનો પ્રથમ મુકામ હતો – સોમનાથ. તેમણે સોમનાથ મંદિરમાં ભગવાન શિવ અને દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કર્યાં. તેમણે પ્રભાસતીર્થ ભાલકા, ગીતામંદિર અને રામમંદિર જેવાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી. સોમનાથના દરિયાકિનારે કબડ્ડી, ખો-ખો, વોલીબોલ જેવી રમતોનું આયોજન થયું. ત્યારબાદ તેમણે ગીર જંગલ સફારીનો લહાવો લીધો. આ અતિથિએ ગીરના જંગલમાં એશિયાઈ સિંહોનું ઘર ગણાતા સાસણગીરમાં સિંહનાં દર્શન કર્યાં.
આ સંગમનો બીજો મુકામ હતું કેવડિયા કોલોની ખાતે એકતાનગર. અહીં અતિથિઓ ‘ભારતની એકતાના શિલ્પી’ સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયાની સૌથી ઊંચી 182 મીટર પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ જોઈને અભિભૂત થયા. અહીં તેમણે નર્મદા ડેમ, વિશ્વવન, જંગલ સફારી, પેટઝોન, આરોગ્યવન, મિયાંવાકી, વેલી ઑફ ફ્લાવર, ગ્લોગાર્ડન, એકતા નર્સરી, પ્રોજેક્શન મેપિંગ શો જોયાં. તેમણે નર્મદામૈયાની આરતી પણ કરી. અહીં દસ દિવસ દરમિયાન રાત્રે ટેન્ટ સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના નરસિંહ મહેતા, તમિલનાડુના વેંકટરમણ અને ત્યાગરાજ ભગવાપાર જેવા સંતોના વારસાને પ્રસ્તુત કરવામાં આવ્યો.
‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમને ફક્ત બે પ્રદેશોનો સંગમ નહીં, પરંતુ બે પ્રદેશોની કલા અને સંસ્કૃતિનો પણ અનોખો સંગમ ગણાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત સોમનાથ સાગર દર્શનના પ્રાંગણમાં ગુજરાત અને તમિલનાડુના 65 કલાકારો-કારીગરોની કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ શરૂ કર્યું છે.
આ રીતે આ સંગમ સોમનાથના દરિયાકિનારે ભગવાન સોમેશ્વરનો તમિલનાડુમાં દક્ષિણ છેડે ભગવાન રામ દ્વારા સ્થાપિત ભગવાન રામેશ્વરમ્ સાથે સંગમનો કાર્યક્રમ બની રહ્યો. ઉલ્લેખનીય છે કે, ભારતમાં 12 જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ અને તમિળનાડુના દક્ષિણ છેડે ભગવાન શ્રીરામ દ્વારા સ્થાપિત છઠ્ઠું જ્યોતિર્લિંગ રામેશ્વરમ્ છે.
કેયૂર કોટક