સોલોર ટાપુઓ : ઇન્ડોનેશિયાના જાવા ટાપુની નજીકમાં પૂર્વ તરફ આવેલા ટાપુઓ. તે ‘કૅપિલોઅન કૅરિમુંજાવા’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 8°થી 9° દ. અ. અને 119°થી 125° પૂ. રે. વચ્ચેનો 2,082 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ સમૂહ મુખ્યત્વે ત્રણ મોટા (નુસા ટેંગારા તિમુર, કૅપિલોઅન સોલોર અને કૅપિલોઅન ઍલોર) તથા બીજા નાના નાના ઘણા ટાપુઓથી બનેલો છે. તેની ઉત્તરે બંદા અને ફ્લોરિસ તથા દક્ષિણે સેવુ સમુદ્રો આવેલા છે. અનેક સક્રિય જ્વાળામુખીઓ ધરાવતો લોમ્બલેન ટાપુ (વિસ્તાર : 800 ચોકિમી.) અહીંનો સૌથી મોટો ટાપુ છે. તેમાં માઉન્ટ ઍપી (Fire Mountain) અગ્નિજ્વાળાઓ કાઢે છે. ઍડોનારા ટાપુ પર પણ જ્વાળામુખી આવેલો છે. સોલોર ટાપુ ટેકરીઓનો બનેલો છે, તેમાં જૂનો પોર્ટુગીઝ કિલ્લો આવેલો છે.
મહાસાગરીય નિગ્રો જાતિના લોકો અહીં વસે છે. તેઓ ઘણી ભાષાઓ બોલે છે. ઑસ્ટ્રોનેશિયન (મલાયોપૉલિનેશિયન) કુળના આ લોકો જડવાદમાં માને છે. કાંઠાના ભાગોમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વસે છે. ઉત્સવોના ટાણે તેઓ અન્યોન્ય ડુક્કર, ઝાલર (મોગરીથી વગાડાતો ચપટો ઘંટ – Gong) તથા ઢોલની આપ-લે કરે છે.
જાહનવી ભટ્ટ