સોરોલા, ઈ બાસ્ટિડા જોઆકીન (Sorolla, Y Bastida Joaquin) [જ. 1865, વાલેન્ચિયા (Valencia), સ્પેન; અ. 1923] : સ્પૅનિશ રંગદર્શી ચિત્રકાર. માનવીના મૂળભૂત મનોભાવોને વાચા આપતાં લાગણીસભર ચિત્રો આલેખવા માટે તેઓ જાણીતા છે. પૅરિસ તથા રોમમાં કલા-અભ્યાસ કરીને તેમણે તેમનું પ્રથમ વૈયક્તિક ચિત્ર-પ્રદર્શન પૅરિસમાં 1906માં યોજ્યું હતું.
સોરોલાનું એક ચિત્ર : ‘વૉક ઑન ધ બીચ’
તેમાં તેમનાં 500 ચિત્રો પ્રદર્શિત હતાં. આ પ્રદર્શનને મળેલા આવકારના પરિણામે તેમણે બર્લિન (1907), લંડન (1908), ન્યૂયૉર્ક (1909), શિકાગો (1909) અને સેંટ લૂઇસ(1909)માં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં. તેમની પર નવલકથાકાર વિસેન્તે બ્લાસ્કો ઈબેનેઝના સામાજિક વાસ્તવવાદ (social realism) ઉપરાંત ચિત્રકાર અડોલ્ફ ફૉન મેન્ઝેલ(Adolphe Von Menzel)નો પણ પ્રભાવ છે. જનસામાન્યમાં તેમનાં ચિત્રો પ્રિય હતાં; કારણ કે તેમાંથી સામાન્ય માનવીની લાગણીઓના પડઘા સંભળાતા હતા, જે સમજવા સહેલા હતા; પરંતુ 1915 પછી તેમણે લાગણીશીલ વિષયો ત્યાગીને ભૂમધ્ય સમુદ્રકાંઠાનાં દૃશ્યોનાં ચિત્રો આલેખવાં શરૂ કર્યાં. પ્રભાવવાદી ઢબે આલેખિત આ નિસર્ગ-ચિત્રોમાંથી ‘ધ રિટર્ન ફ્રૉમ ફિશિંગ’ ઘણું જાણીતું છે. 1915માં ન્યૂયૉર્ક ખાતેની હિસ્પેનિક સોસાયટી ઑવ્ અમેરિકાએ સ્પેનના વિવિધ પ્રદેશો, પરંપરાગત વસ્ત્ર-પરિધાન, ઉત્સવો, જીવનપ્રણાલિકાઓ અને નિસર્ગદૃશ્યો આલેખિત કરવાનું દસ્તાવેજીકરણનું કામ સોરોલાને સોંપ્યું હતું, જે એમણે પૂર્ણ કરેલું.
એક વ્યક્તિચિત્રકાર તરીકે પણ સોરોલાએ નામ કાઢ્યું. સ્પેનના રાજા આલ્ફોન્સો તેરમા તથા અમેરિકન પ્રમુખ ટેફ્ટ જેવી અગ્રણી વ્યક્તિઓએ તેમને માટે મૉડેલિંગ કરેલું.
અમિતાભ મડિયા