સોમર્સ, હૅરી (જ. 1925, કૅનેડા) : આધુનિક કૅનેડિયન સંગીતકાર અને સ્વરનિયોજક. ટૉરન્ટો ખાતે સંગીતનિયોજક વીન્ઝવીગ (Weinzweig) પાસે તેમણે તાલીમ લીધી. ત્યારબાદ સાન ફ્રાન્સિસ્કો જઈ પિયાનિસ્ટ રૉબર્ટ શ્મિટ્ઝ પાસેથી પિયાનોવાદનની તાલીમ લીધી. એ પછી સોમર્સે પૅરિસ જઈ પ્રસિદ્ધ ફ્રેંચ સંગીતકાર અને સંગીતનિયોજક મિલ્હોડ પાસેથી સંગીતનિયોજનની વધુ તાલીમ લીધી. 1945માં ટૉરન્ટો પાછા આવી સંગીતનિયોજન આરંભ્યું. 1959માં તેમણે લખેલી કૃતિ ‘ફૅન્ટસી ફૉર ઑર્કેસ્ટ્રા’માં સપ્તકના તેરે સ્વરોને તેમણે પ્રણાલીગત તીવ્ર-કોમળ તરીકે લીધા વિના સરખા મહત્વના ગણીને ઉપયોગમાં લઈ ‘એટોનલ’ (atonal) પદ્ધતિ અપનાવી.
હૅરી સોમર્સ
ત્યાર બાદ કૅનેડિયન રેડિયો માટે તેમણે હાર્પ, પિયાનો અને વાયોલિન જેવાં પ્રણાલીગત વાજિંત્રો સાથે ઇલેક્ટ્રૉનિક વાજિંત્રોનું સામંજસ્ય ધરાવતી બે કૃતિઓ ‘ઍબ્સ્ટ્રૅક્ટ’ તથા ‘કૉન્સૅપ્ટ્સ ફૉર ઑર્કેસ્ટ્રા’ લખી. ત્યાર બાદ તેમણે ટૉરન્ટો યુનિવર્સિટીના સ્ટુડિયો ફૉર ઇલેક્ટ્રિક મ્યુઝિકમાં સંગીતકાર માયરોન શેફર સાથે કામ કર્યું. તેનો નિષ્કર્ષ તેમની પછીની કૃતિ ‘સ્ટિરિયોફૉની’(1963)માં જોવા મળે છે. તદુપરાંત તેમની આ કૃતિઓ જાણીતી છે : (1) ‘સ્વીટ ફૉર હાર્પ ઍન્ડ ચેમ્બર એન્સેમ્બલ’ (1949), (2) ઑપેરા ‘ધ મૅડમૅન’ (1953), (3) ‘ફ્યૂગ ફૉર ઑર્કેસ્ટ્રા’, (4) પહેલી સિમ્ફની, (5) એક પૅસકાલિય (‘Passacaglia’) (નૃત્ય માટેનું સંગીત).
અમિતાભ મડિયા