સોમપુરા, ચંદ્રકાન્ત બળવંતરાય (જ. 8 નવેમ્બર, 1943, પાલિતાણા) : વિશ્વપ્રસિદ્ધ મંદિર-સ્થપતિ. તેમણે ભારત અને ભારતની બહાર આવેલાં અનેક મંદિરોની ડિઝાઇન કરી છે. મંદિરસ્થાપત્યના જાણીતા આર્કિટૅક્ટ પ્રભાશંકર ઓ. સોમપુરા તેમના દાદા હતા. પિતાના અવસાન પછી દાદાએ તેમના માર્ગદર્શકની ભૂમિકા ભજવી હતી. શરૂઆતમાં આરસપહાણના વ્યવસાયમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ મંદિરસ્થાપત્યનો કૌટુંબિક વ્યવસાય અપનાવ્યો હતો. શામળાજીના મંદિરના નવીનીકરણથી તેમણે વ્યવહારુ જ્ઞાન મેળવ્યું. દાદા સાથે પંદર વર્ષ સુધી મંદિરનિર્માણના કામનો અનુભવ મેળવ્યો. પોતાના વ્યવસાયના સાહિત્યના પ્રકાશનનો પણ અનુભવ મેળવ્યો. તેમણે નીચેનાં મંદિરોની ડિઝાઇન કરી હતી.

ચંદ્રકાન્ત સોમપુરા
શ્રી હસ્તગિરિ બોતેર જિનાલય, પાલિતાણા (ગુજરાત); શ્રી શેષશાયી વિષ્ણુ મંદિર, નાગડા (MP); શ્રી રેણુકટેશ્વર મહાદેવ મંદિર (ઉત્તરપ્રદેશ); અક્ષરધામ, ગાંધીનગર (ગુજરાત); શિવમંદિર (સિંગાપુર); વિષ્ણુમંદિર (બૅંગકોક); સ્વામિનારાયણ મંદિર (લંડન); અંબાજી મંદિર, અંબાજી (ગુજરાત); જૈન દેરાસર, (શિકાગો અને હ્યુસ્ટન) (યુ.એસ.એ.); પાર્શ્વનાથ ભક્તિવિહાર, શંખેશ્વર (ગુજરાત); સાંવરિયાજી મંદિર, ચિતોડ (રાજસ્થાન); સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સોમનાથ, (ગુજરાત); શ્રી રામમંદિર, અયોધ્યા (ઉત્તરપ્રદેશ).
‘પ્રતિમા કલાવિધાન’ અને ‘વાસ્તુકલાનિધિ’ તેમનાં નોંધપાત્ર પ્રકાશનો છે. દાદા દ્વારા અધૂરા રહેલા ‘વાસ્તુનીઘંટુ’ પ્રકાશન પણ પૂરું કર્યું. તેમને અનેક માન-સન્માન અને પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. 1995માં લંડન ખાતે –સ્વામિનારાયણ મંદિર ખાતે તેમના માસ્ટર વર્ક – આર્કિટૅક્ટ ઍન્ડ ડિઝાઇન માટે ધ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિટૅક્ટ્સ તરફથી પુરસ્કારો મળ્યા છે. શ્રી ગુરુજી પુરસ્કાર, સ્ટોન ફેડરેશન નેચરલ ઍવૉર્ડ વગેરે તેમના યોગદાન માટે એનાયત થયેલા છે.
થૉમસ પરમાર
