સોપસ્ટોન : શંખજીરુંનું ખનિજ બંધારણ ધરાવતો ખડક અથવા અશુદ્ધ શંખજીરુંનું ઘનિષ્ઠ-દળદાર સ્વરૂપ. તેને સ્ટિયેટાઇટ પણ કહે છે. તેનો સ્પર્શ સાબુ કે તેલ જેવો મુલાયમ હોય છે. આ ખડક શ્વેતથી રાખોડી કે રાખોડી-લીલો હોય છે અને કઠિનતા ઓછી હોય છે, નખથી તેને ખોતરી શકાય છે.
પેરિડોટાઇટ જેવા પારબેઝિક અગ્નિકૃત ખડકની મૂળ રચના અને બંધારણમાં ફેરફારો થવાથી તે તૈયાર થતો હોય છે. આવો ફેરફાર ઓછા તાપમાને અને મધ્યમ દબાણ હેઠળ થાય છે. આ રીતે સોપસ્ટોન એક વિકૃત ખડક તરીકે જુદી જુદી જાડાઈના થરો રૂપે નિર્માણ પામે છે. સોપસ્ટોન સામાન્યપણે ડોલોમાઇટ અને સર્પેન્ટાઇનના સંકલનમાં મળે છે.
સોપસ્ટોનના ઘણા ઔદ્યોગિક ઉપયોગો છે. તે વીજળીનું અવરોધક છે. તેને જુદા જુદા આકારોમાં કાપી શકાય છે. ઊંચા તાપમાનની તેમજ તેજાબની તેના પર અસર થતી ન હોવાથી તેને પ્રયોગશાળાનાં ટેબલોનાં મથાળાં તરીકે, હાથ-મોં કે વાસણ ધોવાના ટબ તરીકે તથા અમુક રાસાયણિક સામગ્રી બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. તેનું ચૂર્ણ સૌંદર્ય-પ્રસાધનો, કાગળ અને રંગોની ગુણવત્તા સુધારવામાં પૂરક તરીકે વપરાય છે. સોપસ્ટોન ઉમેરવાથી કાગળ લીસો બને છે. દરજીઓ કાપડ પર રેખાઓ દોરવા જે ફ્રેન્ચ ચૉક વાપરે છે તે વાસ્તવમાં આ સોપસ્ટોન જ હોય છે. તે કૅનેડા, ફ્રાન્સ, ઇટાલી અને યુ.એસ.માંથી મેળવાય છે.
ગિરીશભાઈ પંડ્યા