સોનેરી જાળ (નાટક) : નાટ્યકાર જામનનું ઈ. સ. 1922માં રચાયેલું ત્રિઅંકી નાટક. આ નાટક શ્રી રૉયલ નાટકમંડળીએ ભજવ્યું હતું. નાટકની ભાષા કટાક્ષપૂર્ણ અને સંવાદ વેધક અને અસરકારક છે. આ નાટક છપાયું નથી. ધર્મઢોંગી ધુરંધર મહારાજની પ્રપંચલીલા પર આ નાટકમાં એમણે પ્રકાશ પાથર્યો છે. એ રીતે આ નાટક સામાજિક ક્રાંતિનું છે.
ધર્મના નામે ધતિંગ કરનાર સાધુ રામગોપાળ રાણી લક્ષ્મીદેવી અને તેની પુત્રી વસંતિકાને પોતાની ‘સોનેરી જાળ’માં ફસાવે છે. રાજ્યભક્ત બળદેવ તેમને સતત સાવધાન કરે છે અને આડંબરી રામગોપાળની કપટલીલાને સફળતાથી ખુલ્લી કરે છે. મદના નશામાં ભગવાન શંકર પાસે નૃત્ય કરતાં રામગોપાળ સર્પદંશથી મૃત્યુ પામે છે. આ મુખ્ય કથા સાથે નાટ્યકારે પ્રૌઢા જટિલા અને તેની ભત્રીજી માલતી અને કનૈયાનું પ્રહસન ગૂંથ્યું છે. ગુલામ અને સિંહની ગ્રીસની કથાને પણ સાથે વણી લીધી છે.
રામગોપાળના ‘સોનેરી જાળ’માં જકડી રાખવાના પ્રયાસો અને તેને પરિણામે ઉપસ્થિત થતા પરિણામલક્ષી પ્રસંગોની નાટ્યક્ષમ ગૂંથણી પ્રેક્ષકને અંત સુધી પકડી રાખે તેવી છે. આ નાટકની ભજવણીના સમયે મુંબઈમાં ભાટિયા જ્ઞાતિની એક સ્ત્રીના વૈષ્ણવ સંપ્રદાયના એક મહારાજ સાથેના અનીતિમય સંબંધોનો કેસ ચાલતો હતો. આ નાટકે એ જમાનામાં વૈષ્ણવ સમાજમાં હાહાકાર મચાવી દીધો હતો. આ નાટકને બંધ કરાવવા વૈષ્ણવ સમાજે પૂરો પ્રયત્ન કર્યો હતો. નીડર નાટ્યસંચાલકો અને ક્રાંતિકારી લેખકના અવાજને કોઈ દાબી શક્યું નહોતું. એ રીતે ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં આ રચના નોંધપાત્ર છે. કેટલાકને મતે નાટ્યકારે રશિયાના ઢોંગી ધર્મગુરુ રાસ્પુટીનની પાપલીલાના પ્રસંગો વાંચીને આ નાટક લખ્યું હતું.
દિનકર ભોજક