સોની, રમણલાલ પીતાંબરદાસ, ‘સુદામો’ (જ. 25 જાન્યુઆરી 1908, કોણપુર, તા. મોડાસા, જિ. બનાસકાંઠા; અ. 20 સપ્ટેમ્બર 2006, અમદાવાદ) : બાળસાહિત્યકાર અને અનુવાદક. માતાનું નામ જેઠીબા. શાળાજીવનથી જ વાંચન-લેખનનો શોખ. મોડાસાના શાળાજીવન બાદ, વિદ્યાપીઠના ગ્રામસેવા વિદ્યાલયમાં પ્રથમ દિવસે જ ગાંધીજી પાસેથી ‘જનસેવા’ની મંત્રદીક્ષાની પ્રાપ્તિ. સત્યાગ્રહની લડતમાં સક્રિય. બે વખત જેલનિવાસ. ઈ. સ. 1924માં મૅટ્રિક; 1940માં આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ.; 1942માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી. ટી. મોડાસાની શાળામાં શિક્ષક ને પછી આચાર્ય તરીકેની કામગીરી; પણ ત્યાંના સંચાલકો સાથે મતભેદ થતાં નોકરીને હંમેશ માટે છોડવાની પ્રતિજ્ઞા; પાછળથી માત્ર લેખન દ્વારા જનસેવા–બાલસેવા એ જ જીવનનો મુખ્ય ધર્મ ગણી લેખન-સર્જનમાં જીવનભર સક્રિય. આમ નોકરીને તિલાંજલિ આપી, કલમને ખોળે માથું મૂકી દઈ તેમણે નર્મદ, ગો. મા. ત્રિ.ની પંગતમાં પાટલો માંડી દીધો. ઈ. સ. 1943માં મુંબઈના મગનલાલ ઝવેરીનાં પુત્રી રસિકબાળા સાથે લગ્ન.
રમણલાલ પીતાંબરદાસ સોની
તેમના જાહેર જીવનમાં પહેલો વળાંક આવે છે તેમની તેર વર્ષની વયે. 1921ની સાલમાં સરદાર વલ્લભભાઈ પટેલના મોડાસામાંના પ્રવચનની આ સંવેદનશીલ કિશોર પર જાદુઈ અસર થઈ ને દેશપ્રેમથી તરબતર થયેલ કિશોર રમણલાલ સક્રિય સ્વાતંત્ર્ય-સૈનિક બન્યા. પરદેશી માલનો બહિષ્કાર કર્યો. ખાદીનો આદર્શ સ્વીકાર્યો. જનસેવાના આશયથી 1952–53 દરમિયાન તેમણે મુંબઈ રાજ્યની ધારાસભામાં મોડાસાનું પ્રતિનિધિત્વ કર્યું. ખેડૂતોની માગણી વાજબી છે તેવું સરકાર પાસે સ્વીકારાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવેલી. આવી સેવાભાવના અને સત્યપ્રિયતાને કારણે તેઓ ખેડૂતોમાં ખૂબ લોકપ્રિય થયા. પાછળથી રાજકારણનો ત્યાગ કર્યો અને માત્ર સમાજસેવાનું કાર્ય કરતા રહ્યા.
એમનાં આ સમાજસેવાનાં કાર્યો સાથે તેમનું સર્જનકાર્ય પણ સતત ચાલતું રહેલું. તેમના સર્જકવ્યક્તિત્વના ઘડતરમાં અનેક પરિબળોએ ભાગ ભજવ્યો છે. મોડાસાના એમના ઘરની નજીકનાં મંદિરોના સાધુ-સંતો, માતા તથા ફોઈ પાસેથી સાંભળવા મળેલી ધાર્મિક કથાઓ એક મહત્વનું પરિબળ છે. બીજું મહત્વનું પરિબળ તે ગામડાની આસપાસની પ્રકૃતિ પાસેથી મેળવેલી પ્રેરણા. વળી તે નાના હતા ત્યારે પિતરાઈ ભાઈ જેઠાલાલ સોની સાથે ગામડાંમાં ઘૂમતા ત્યારે શિયાળવાની લાળી સાંભળતા ને તેની વાતોમાં વિહરતા. તેમના જણાવ્યા મુજબ તેમની આ વાતોમાં આવતા શિયાળને જેઠાલાલે ‘ગલબો’ નામ આપેલું. આમ ગામડાંમાં ઘૂમતાં ઘૂમતાં સાંભળેલી શિયાળવાની લાળીમાં ‘ગલબા શિયાળનાં પરાક્રમો’ની વાર્તાસૃષ્ટિનું બીજ રહેલું છે. વાચનનો શોખ પણ મહત્વનું પરિબળ. અગિયાર વર્ષની વયે તેમના હાથમાં ક્યાંકથી આવેલું ‘નળાખ્યાન’ તેમણે તેલના દીવે એક જ રાતમાં વાંચી લીધેલું. વળી સત્વશીલ વાચનની પ્રેરણા તેમને મોડાસા હાઈસ્કૂલના હેડમાસ્તર મોહનલાલ વિ. ગાંધી પાસેથી મળી. મોહનલાલ પોતે સંતપ્રકૃતિના. તેમની પાસેથી ઘણા ગ્રંથો મેળવીને રમણલાલે વાંચ્યા. તેમાંય બાબુ ભગવાનદાસકૃત ‘Essential Unity of All Religions’ – એ પુસ્તકે ગાઢ પ્રભાવ પાડ્યો. આ મોહનભાઈને કારણે તેમને ઘણાં સંતચરિત્રો વાંચવા મળ્યાં. સંતચરિત્રોના કોશ જેવો ‘સંતસાગર’ ગ્રંથ તેમના આ વાચનનું સુફળ ગણી શકાય. તેમના પિતા અને ગુરુ-શિક્ષકો પણ તેમના વ્યક્તિત્વઘડતરનાં મહત્વનાં પરિબળો છે.
તેમના સાહિત્યકાર્યનાં મુખ્ય બે ક્ષેત્રો : બાલસાહિત્ય અને અનુવાદ. બાલસાહિત્ય ભલે લાગતું હોય સહેલું પણ વસ્તુત: તેનું સર્જન ખૂબ અઘરું છે; કેમ કે પુખ્ત કે પ્રૌઢ વયના સર્જકે અનસૂયાવિદ્યાથી પુન: બાલ્યાવસ્થા ધારણ કરવી પડે છે. રમણલાલ સોની કહે છે તેમ, ઉતારી નાંખેલી કાંચળીમાં સાપ પુન: પ્રવેશ કરે તેવી આ પ્રક્રિયા છે. રમણલાલના બાલસાહિત્યસર્જનની વિપુલતા અને ગુણવત્તા જોતાં એમ બેધડક કહી શકાય કે તેઓ બાલસાહિત્યના ક્ષેત્રે બાળકો માટે થઈને કાંચળી-પ્રવેશ સફળતાથી કરી શક્યા છે. ગિજુભાઈ પછી તેમના કાર્યને જાળવવા-વધારવામાં રમણલાલનો ફાળો એક સંસ્થાના ફાળા જેવો માતબર છે. બાળકના મન-હૃદય સાથે તેની આશા-અપેક્ષાઓ, અનુભવો અને કલ્પનાઓની સાથે જરૂરી તાદાત્મ્ય સાધ્યા વિના ઉત્તમ બાલસાહિત્યની રચના સંભવિત નથી. રમણલાલને બાળકો ગમતાં હતાં અને બાળકોને તો વિશેષભાવે પ્રાણીઓ, પંખીઓ, વૃક્ષ-વનસ્પતિ, નદી-પહાડ, વાદળ-વરસાદ વગેરે ગમતાં જ હોય છે. એ બધું મનગમતું તેમની બાલસાહિત્યની સૃષ્ટિમાં જીવતું-જાગતું અનુભવાય એ રીતે આવ્યું છે : ‘ગલબો શિયાળ, પપૂડો વાંદરો, રતન રીંછ, છોટુ સસલો, ઊદિયો ઊંટ, વલવો વાઘ, મગલો મગર’ – આ બધાં તેમને ચારે બાજુ હરતાં–ફરતાં–રમતાં દેખાય છે. એમણે ટાગોર અને શરદબાબુના બાલસાહિત્યનો પણ ગુજરાતને પરિચય કરાવ્યો. તેમણે બાળકોને ગમતી જાદુનગરી અને વાસ્તવસૃષ્ટિનો અનોખો મેળ રચી આપતી અનેક કથાઓ, કાવ્યકૃતિઓ, નાટ્યકૃતિઓ, ચરિત્રકૃતિઓ અને રૂપાંતરિત–અનૂદિત કૃતિઓ આપી છે. ‘શિશુ સંસ્કાર માળા’ (1946), ‘શિશુ કથાવલી’ (1973) અને અન્ય કેટલીક શ્રેણીઓ શિશુઓને ધ્યાનમાં રાખી આપી છે. તેમની ‘શિશુભારતી ગ્રંથમાળા’(1956–57)ને 1958માં મુંબઈ સરકારનું પારિતોષિક; ‘રામરાજ્યનાં મોતી’(1962)ને ગુજરાત રાજ્ય તરફથી 1964માં; ‘ખવડાવીને ખાવું ને જિવાડીને જીવવું’ (1962) એ સુંદર કથાને દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર 1956માં અને ‘રંગ રંગ વાદળિયાં’ માટે એન.સી.ઈ.આર.ટી.નો પુરસ્કાર 1982માં મળેલો. તેમની મોટા ભાગની શ્રેણીઓ બાળકો માટે છે. તેમની ‘મધુર બાલવાર્તાવલિ’ (1967), ‘બોધોદય વાર્તાવલિ’ (1977), ‘ચિત્તરંજન બાલવાર્તાવલિ’ (1977), ‘સાત સમંદર બાલવાર્તાવલિ’, ‘નિત્યનૂતન બાલવાર્તાવલિ’, જેવી અનેક શ્રેણીઓ છે જે સાગર-ગાગર ન્યાયે જોતાં યથાર્થનામા હોવાનું વરતાય છે. આ શ્રેણીઓ નિમિત્તે આપેલાં ફોફળશા શેઠ, વલોણા ભટ્ટ, લાલિયો લઠ્ઠ કે ગવલો ગોવાળ જેવાં માનવપાત્રો અને આગળ ઉલેખ્યાં છે તેવાં પ્રાણીપાત્રો બાળકોનાં ચિત્તમાં સદાય અંકાઈ રહે તેવાં રસપ્રદ બન્યાં છે. પણ આ બધામાં સૌથી વધુ પ્રચલિત થયાં છે ‘ગલબા શિયાળનાં પરાક્રમો’ (1947). તેમણે પુરાણ-ઇતિહાસ, પંચતંત્ર-હિતોપદેશ, કથાસરિતસાગર, જગતનો ઇતિહાસ, અરેબિયન નાઇટ્સ, વિશ્વની અને ગ્રીમબંધુઓની લોકકથાઓ તેમજ હાન્સ એન્ડરસન અને શામળની કથાઓને આધારે તથા નારદ, વીર વિક્રમ, બીરબલ, ઈસપ, મુલ્લાં નસરુદ્દીન, ટારઝન વગેરેની કથાઓ પણ આપી છે. ઈ. સ. 2005માં તેમની પાસેથી ‘અકલું ચકલું બાલવાર્તાવલિ’ મળે છે, જે તેમની પ્રબળ સર્જકશક્તિની દ્યોતક છે. ‘સ્વામિનારાયણ કથામાળા’(1979)માં સ્વામિનારાયણ સંપ્રદાયના સંદર્ભે તથા ‘ભારતીય કથામંગલ’(1964)માં ઉપનિષદ, રામાયણ–મહાભારત, ભાગવતનો આધાર લઈ બાલકિશોરભોગ્ય કથાઓ આપી છે. ટૂંકાં વાક્યોવાળું, સાદું છતાં સફાઈદાર ગદ્ય, ચિત્રાત્મક રજૂઆત, રસપ્રવાહને અખંડિત રાખતી કથનરીતિ જેવાં તત્વોથી તેમનું આ બાલકથાસાહિત્ય ઉત્તમ કક્ષાનું બન્યું છે.
બાળકોની અભિનયપ્રતિભાને વ્યક્ત થવાની તક મળે તેવાં ‘ફતુ ફાંકડો’, ‘બેચરકાકા’, ‘રૂપાની ગાય’, ‘છબીલો લાલ’, ‘બાલમંદિરનાં નાટકો’ જેવાં નાનાં નાટકો ‘રમણલાલ સોનીનાં બાલનાટકો’(1979)માં સંપાદિત રૂપે મળે છે. તેમના ‘વંદે માતરમ્’ને 1961–62ના ગાળાના ઉત્તમ નાટક તરીકે ગુજરાત રાજ્યનું ઇનામ મળેલું. ‘માથાનું દાન’, ‘ચાણક્ય’ જેવાં નાટકો પ્રમાણમાં લાંબાં છે. તેમણે સંસ્કાર-ઘડતરના હેતુથી આપેલી ચરિત્રકૃતિઓમાંની ‘હ્યુ એન સંગ’ને મુંબઈ રાજ્ય તરફથી પ્રથમ પારિતોષિક મળેલું. ‘કુમારકથાઓ’, ‘નરાસુર’, ‘ટાગોરની દૃષ્ટાંતકથાઓ’ કે ‘કિશોર રહસ્યકથામાળા’ – એ તેમનું કિશોરસાહિત્યના ક્ષેત્રે ઉલ્લેખપાત્ર પ્રદાન છે. ‘મૂરખલાલ’ના પાત્ર દ્વારા તેમણે બાળકો–કિશોરોને હસાવ્યાં છે. આમ વિપુલ બાલસાહિત્ય દ્વારા ગુજરાતમાં ચારે બાજુ છવાઈ ગયેલા આ બાલસાહિત્યકારને ગુજરાત રાજ્યે અન્ય અગ્રગણ્ય બાલસાહિત્યકારો સ્વ. શ્રી ર. ના. શાહ અને સ્વ. શ્રી જીવરામ જોશી સાથે ઈ. સ. 1981માં ગૌરવ પુરસ્કારથી સન્માનેલા. તેમના આ સત્વશીલ પ્રદાનના સંદર્ભે જ 1986માં ‘ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ તેમને અપાયેલો. એના એક દાયકા બાદ ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ તરફથી 1996નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક તેમના બાલસાહિત્યસર્જન અને અનુવાદકાર્યના સંદર્ભે અપાયેલો. એ રીતે ગિજુભાઈ પછીના આ બીજા બાલસાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ સન્માન્યા હતા.
અનુવાદક રમણલાલ શરદબાબુ-રચિત ‘સ્વામી’ નવલકથાના અનુવાદથી કાર્યરત બને છે. જેલનિવાસ દરમિયાન અનેક વિટંબણાઓ સહીને તેઓ બંગાળી શીખ્યા. ભોગીલાલ ગાંધીની અલ્પ અને નગીનદાસ પારેખની વિશેષ મદદ લઈ તેઓ ‘શરદ ગ્રંથાવલિ’ દ્વારા શરદબાબુનો ગુજરાતને પૂર્ણ પરિચય કરાવે છે. શરદબાબુ અને રવીન્દ્રનાથ જેવા બંગાળીના મહાન સર્જકોના સાહિત્યનો તેઓ શ્રદ્ધેય અનુવાદ કરે છે. આમ આ ત્રણેય મિત્રોએ કરેલા અનુવાદોથી ગુજરાતી અનુવાદસાહિત્ય સમૃદ્ધ થયું છે. અનુવાદક રમણલાલની ખૂબી એ છે કે તેઓ મૂળ લેખક અને ભાવક એ બેની વચ્ચે ક્યાંય આવતા નથી. ટાગોરની ‘ગોરા’, ‘ચોખેર બાલિ’, ‘રાજર્ષિ’, ‘બહુરાણી’, ‘ગુપ્તધન’; ટાગોરની તમામ ટૂંકીવાર્તાઓ; ટાગોરનું બાલસાહિત્ય રવિપ્રસાદ (ટાગોરની દૃષ્ટાંતકથાઓ) વગેરે; શરદબાબુની બાળવાર્તાઓ, ‘શ્રીકાંત’, ‘શેષ પ્રશ્ર્ને’, ‘પથેરદાબિ’, ‘વિરાજવહુ’, ‘વિપ્રદાસ’, ‘પંડિતજી’, ‘શુભદા’, ‘બડી દીદી’ તથા અન્ય; નરેશચંદ્ર સેનગુપ્તની ‘નંદનવન’, ‘ગુરુદાસ’, ‘પિતૃહૃદય’, ‘શેષશય્યા’, ‘વિલાસિની’, ‘પુત્રવધૂ’ તથા અન્ય અનેક કૃતિઓને ભાવવાહી અનુવાદોથી ગુજરાતીમાં ઉતારેલ છે. આ ઉપરાંત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, તારાશંકર બંદોપાધ્યાય, દિલીપકુમાર રાય તથા અન્ય બંગાળી સર્જકો વિદ્વાનોના ગ્રંથોના અનુવાદ દ્વારા તેમણે ગુજરાતના બૌદ્ધિકોને સંતોષ્યા છે. ઈ. સ. 1977માં શરદબાબુની જન્મશતાબ્દી નિમિત્તે અખિલ હિંદ બંગ સાહિત્ય પરિષદ તરફથી તેમને પ્રતીક અને સન્માનપત્ર એનાયત થયેલ. ઈ. સ. 1991માં ટાગોરની ‘કાબુલીવાલા’ના અનુવાદ માટે તેમને રાષ્ટ્રીય પારિતોષિક આપવામાં આવેલું. બંગાળી ઉપરાંત અંગ્રેજીમાંથી પણ તેમણે અનુવાદ કર્યા છે(જેમ કે એચ. જી. વેલ્સની કૃતિઓના).
પ્રૌઢો માટે તેમણે ‘ચબૂતરો’(1930)માં વાર્તાઓ આપેલી. વળી સંતકોશ જેવો ‘સંત-સાગર’, માતા વિશેના વિશ્વકોશ જેવો ‘માતા-મહાતીર્થ’ (1996) ગ્રંથ, ઉપરાંત ‘કર્માનુબંધ અને ઋણાનુબંધ’ (1998), ‘સુભાષિતસંહિતા’ (1999), ‘પ્રભુ છે એક, ભૂમિ છે એક’ (2000) તથા ‘ગુલાબી દૃષ્ટાંતકથાઓ’, ‘પિતા પહેલા ગુરુ’, ‘પ્રેમ એ જ પરમેશ્વર’, ‘સુવાક્ય-સાગર’ જેવી ઉમદા સંસ્કારનો વારસો આપવા સાથે સન્માર્ગે પ્રેરે તેવી કેટલીક સાહિત્યકૃતિઓ પણ તેમણે ગુજરાતની પ્રજાને આપી છે. તેમની પાસેથી ‘પપા સ્વામી રામદાસ’ (ભાગ 12), ‘રણછોડદાસજી મહારાજ’, ‘ગુરુદેવ રવીન્દ્રનાથ’, ‘માર્કો પોલો’, ‘રવીન્દ્રતત્વાચાર્ય શ્રી નગીનદાસ પારેખ’ તથા અન્ય કેટલાંક ચરિત્રો મળ્યાં છે, જે મોટાઓ માટે છે. ‘રાખનું પંખી’ તેમની આત્મકથા છે. આયુષ્યનાં છેલ્લાં એક-બે વર્ષ તેમણે આંખોનું તેજ ગુમાવેલું; પણ તેમની પાસેથી કંઈક લખાવવાની કિરતારની ઇચ્છા હશે જ તેથી અનેક સંઘર્ષો વચ્ચે પણ તેમણે લખ્યું, જે ‘અંધત્વનું અજવાળું’(2007, મરણોત્તર)માં પ્રકાશિત થયું છે. તેમાં તેમની આધ્યાત્મિકતા વ્યક્ત થઈ છે. તેઓ ‘શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ’ના પહેલા પ્રમુખ હતા તથા મહામંડળના મુખપત્ર ‘જાગૃતિ’ના આદ્ય-તંત્રી તરીકે એમણે પહેલાં બે વર્ષ સુધી બેનમૂન સેવા આપેલી.
શ્રદ્ધા અ. ત્રિવેદી