સોગ્નાફિયૉર્ડ (Sognafjorden) : નૉર્વેના પશ્ચિમ ભાગમાં આવેલું ફિયૉર્ડ. નૉર્વેનું લાંબામાં લાંબું અને ઊંડામાં ઊડું ફિયૉર્ડ. તેનો મુખભાગ બર્ગેનથી ઉત્તરે 72 કિમી.ને અંતરે આવેલો છે. ઉત્તર સમુદ્રમાં આવેલા દૂરતટીય સુલાના ટાપુ પરના સોલુંડથી સ્કિયોલ્ડેન સુધીની તેની લંબાઈ 203 કિમી. તથા વિસ્તાર 18,623 ચોકિમી. જેટલો છે. તેની મહત્તમ ઊંડાઈ 1,308 મીટર છે. આ ફિયૉર્ડની મુખ્ય રેખીય દિશા (અક્ષ) પૂર્વ-પશ્ચિમ છે; તેને મળતાં સાંકડાં, ઊંડાં સહાયક ફિયૉર્ડ પૂર્વ તેમજ ઉત્તરનાં હિમક્ષેત્રો તરફ વિસ્તરેલાં છે. દક્ષિણ તરફ તે હેલિંગસ્કાર્વેટ પર્વત સુધી વિસ્તરેલું છે. નૉર્વેમાં સોગ્નાફિયૉર્ડ તથા તેનાં સહાયક ફિયૉર્ડની રમણીય કુદરતી દૃશ્યોમાં ગણના થાય છે. તેથી ફિયૉર્ડનાં આ સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહેલાં છે.
ફિયૉર્ડના ઉપરવાસના વિસ્તારમાં જ્યાં કાંપની જમીનો રચાઈ છે ત્યાં થોડીઘણી ખેતી થાય છે. આ ફિયૉર્ડના માર્ગમાં ઘણા જળધોધ નિર્માણ પામ્યા છે. જોતનહાઈમન પર્વતમાંનો વેટિસફોસેન જળધોધ નૉર્વેનો ઊંચાઈમાં બીજા ક્રમે આવતો ધોધ છે. તે 275 મીટરની ઊંચાઈએથી નીચે ખાબકે છે. અહીંના ઘણાખરા ધોધને નાથીને ઉદ્યોગો માટે વીજળી મેળવાય છે. અહીંના ઉદ્યોગો પૈકી આર્ડલ ખાતેનો ઍલ્યુમિનિયમ બનાવવાનો એકમ વિશેષ ઉલ્લેખનીય છે. આ ફિયૉર્ડની આજુબાજુના પરગણાનું નામ સોગ્નાફિયૉડેન છે.
સોગ્નાફિયૉર્ડનું કુલ ક્ષેત્રફળ 17,864 ચોકિમી. જેટલું છે. તેની ઉત્તરે આવેલું નૉર્ડ ફિયૉર્ડ ત્યાંના ભૂમિભાગમાં 90 કિમી.ના અંતર સુધી વિસ્તરેલું છે. સોગ્નાફિયૉર્ડના મધ્ય વિભાગમાં તેને ઉત્તર કાંઠે હર્માન્સવર્ક (Hermansverk) ગામ આવેલું છે. તે અહીંના પરગણાનું વહીવટી મથક છે. અહીંના ઘણા દૂરતટીય ટાપુઓ પરના નિવાસીઓનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે. ફિયૉર્ડના કાંઠાઓ નજીક અંતરિયાળ ભાગોમાં અનાજ અને ફળોની ખેતી થાય છે. તેની આજુબાજુ વિસ્તરેલા પરગણાની વસ્તી 1,06,650 (2006 મુજબ) છે.
ગિરીશભાઈ પંડ્યા