સોકોત્રા (Socotra) : હિંદી મહાસાગરમાં યમન દેશની દરિયાઈ સીમામાં આવેલો ટાપુ.

ભૌગોલિક સ્થાન : તે 12 30´ ઉ. અ. અને 54.0 પૂ. રે. ઉપર સ્થિત છે. ગુઆરડાફૂઈ (Guardafui) ખાડી અને અરબી સમુદ્રની વચ્ચે આવેલો છે. સોકોત્રા દ્વીપસમૂહમાં સોકોત્રા ટાપુ સૌથી મોટો છે. જેનું ક્ષેત્રફળ 3,665 ચો.કિમી. છે. આ સિવાય બીજા ચાર ટાપુઓ આવેલા છે. જે અબ્દ-અલ-કૂરી, સામહાહ, ડરસા (Darsa) જ્યારે અન્ય બે ખડકાળ ટાપુઓ કાલ ફીરવાન (Kal  Firawn) અને સબુનીયાન (Sabuniyan) છે. સોકોત્રા ટાપુની લંબાઈ 125 કિમી. અને પહોળાઈ 28 કિમી. છે.

માયોસીન યુગમાં ગોન્ડવાના લૅન્ડથી તે છૂટો પડ્યો અને એડનના અખાતથી દૂર ખસ્યો. આ ટાપુ આફ્રિકા ખંડના ભાગ સ્વરૂપે જ છે

ભૂપૃષ્ઠ – આબોહવા : આ ટાપુ ઉપર કિનારે સાંકડાં મેદાનો આવેલાં છે. જ્યાં રેતીન ઢૂવા જોવા મળે છે. ઉનાળાના ત્રણ  માસ દરમિયાન પવનો સતત ફૂંકાતા જ રહે છે. સમુદ્ર તરફથી ફૂંકાતા પવનોને કારણે શંકુ આકારના સફેદ રેતીના ઢૂવા નિર્માણ પામે છે. આ ઢૂવા વિશિષ્ટતા ધરાવતા હોવાથી તે ‘સ્કોર્ટીયન ઢૂવા’ તરીકે ઓળખાય છે. અહીં ચૂના ખડકોનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. મોઆમી, હોમહીલ અને ડીકસામ ખાતે વિશિષ્ટ ‘ચૂનાની ભૂ-દૃશ્યાવલી’ (Karst topography) જોવા મળે છે. જે ચૂનાના ખડકોને કારણે જ નિર્માણ પામી છે. લાખો વર્ષોની રાસાયણિક પ્રક્રિયાને કારણે અહીં વિશિષ્ટ ભૂરચના જોવા મળે છે. અહીં પશુપાલન પ્રવૃત્તિ વિકસી છે. જેમા ઘેટાં-બકરાં મુખ્ય જોવા મળે છે. આ વિસ્તારમાં વરસાદના પાણીનો સંગ્રહ કરીને ખેતી વિકસાવાઈ છે. મધ્યમાં ઊંચો પર્વત આવેલ છે જે હઝહીર નામથી ઓળખાય છે. જેની ઊંચાઈ 1,503 મીટર છે. ગ્રૅનાઇટ ખડકો ઉપર લાવાયિક ગરમીને કારણે  તેનું સ્વરૂપ બદલાતાં તે ‘રૂપાંતરિત ખડકો’ તરીકે (Metamorphic) તરીકે ઓળખાય છે.

આ ટાપુની આબોહવા ‘ગરમ રણ પ્રકારની અને અંશતઃ રણ પ્રકારની કહી શકાય. સોકોત્રો ટાપુ પર સરેરાશ તાપમાન 25 સે. રહેતું હોય છે. ઈશાનના મોસમી પવનો ઑક્ટોબરથી ડિસેમ્બર માસમાં અનુભવાય છે. ટાપુના અંતરિયાળ ભાગમાં સરેરાશ વરસાદ 800 મિમી. પડે છે. નવેમ્બર અને ડિસેમ્બર  માસમાં 250 મિમી. જેટલો વરસાદ રહે છે. જ્યારે નૈઋત્યના પવનો જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન અનુભવાય છે. આ પવનો વેગવંતા હોવાથી સમુદ્રકિનારે ઊંચી ભરતી જોવા મળે છે. સૈકાઓ પહેલાં ગુજરાતના વહાણવટુઓ આ દરિયાઈ માર્ગને ‘સિકોત્રો સિંહ’ કહેતા, કારણ કે આ ટાપુ પાસે સમુદ્રનાં જળ સતત ઘૂઘવતાં રહેતાં હોય છે. કેટલીક વાર વિપરીત પરિસ્થિતિમાં પશ્ચિમના શુષ્ક ભાગમાં ‘ચક્રવાત ચપાલા’ (Cyclone Chapala) ફૂંકાય છે. 2015ના નવેમ્બર માસમાં શક્તિશાળી ચક્રવાત અહીં અનુભવાયો હતો. તેથી ત્યાં 400 મિમી. જેટલો વરસાદ પડ્યો હતો.

વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : આ ટાપુ પર વનસ્પતિ – પ્રાણીજીવોની વિવિધતા રહેલી હોવાથી તેની સરખામણી ગેલાપાગોસ ટાપુ સાથે કરવામાં આવે છે. અહીં અનોખાં વૃક્ષો અને છોડ કુદરતી રીતે નિર્માણ પામ્યાં હોવાથી તે ‘અલિયન્સની દુનિયા’ જેવું લાગે છે. અહીં જૈવ વિવિધતાને કારણે ‘અરબ સાગરના મોતી’ તરીકે ઉપનામ પણ મળ્યું છે. યુનોની વનસ્પતિશાસ્ત્રીઓની ટીમે આ ટાપુ પર સર્વે કર્યો હતો. તેમાંથી તેમણે કરેલી નોંધ મુજબ અહીં 700 જેટલી જવલ્લે જ વનસ્પતિની પ્રજાતિ જોવા મળી. તેમાંની કેટલીક ન્યૂઝીલૅન્ડ, હવાઈ અને ગોલાપાગોસ ટાપુ પર જોવા મળે છે. ‘રૉયલ બૉટાનિક ગાર્ડન’ એડિનબર્ગમાં 825 વનસ્પતિની પ્રજાતિમાંથી 307 જે આ ટાપુ ઉપર રહેલી છે.  અહીં જોવા મળતું ‘ડ્રૅગોન બ્લડ ટ્રી’ જેનો આકાર છત્રી જેવો છે. જેને કાપો તો તેમાંથી લોહી જેવું પ્રવાહી નીકળે છે. ત્યાંના લોકો આ પ્રવાહીનો ઉપયોગ રંગકામ માટે કરે છે. આ સિવાય આ ટાપુ પર સૂકૂલેન્ટ ઝાડ, સુમ્બર ઝાડ, સ્કોર્ટીયન પોમેગ્રેનેટ ઝાડ વગેરે રહેલાં છે.

ડ્રૅગોન બ્લડ ટ્રી

વનસ્પતિના વૈવિધ્યની સાથે પક્ષીઓની પણ વિવિધતા રહેલી છે. જેમાં સોકોત્રા સ્ટારલીંગ, સોકોત્રા સનબર્ડ, સોકોત્રા બ્યુનટીકા, સોકોત્રા સીસ્ટીકોલા, સોકોત્રા સ્પેરો વગેરે જોવા મળે છે. આ સિવાય અહીં ગરોળી, કાંસડા, સાપ, પગ વગરની ઘો, અનેક પ્રજાતિના કરોળિયા, વાદળી મોંવાળા વાનરો, મીઠા પાણીના કરચલા, સસ્તન ચામાચીડિયાં, વાગોળ, પતંગિયાં વગેરેની અનેક પ્રજાતિ રહેલી છે. સમુદ્રકિનારે પરવાળાની ઘણી વિવિધતા રહેલી છે.

અર્થતંત્ર – પરિહવન – પ્રવાસન : આ ટાપુ પર વસતા લોકો મોટે ભાગે પરંપરાગત મચ્છીમારીનો ધંધો કરતા આવ્યા છે, પરંતુ હવે તેઓ પશુપાલન (ઘેટાં-બકરાં) અને ખજૂરની ખેતી તરફ વળ્યા છે. અહીંથી મુખ્યત્વે ખજૂર, ઘી, તમાકુ અને મત્સ્યની નિકાસ થાય છે. પ્રવાસન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

સરકાર દ્વારા સંચાલિત પરિવહનનાં સાધનો મર્યાદિત છે. થોડી મિનીબસો રહેલી છે. ભાડે મળતી ટૅક્સીનું ચલણ વધુ છે. અહીં પાકા રસ્તાઓનું નિર્માણકાર્ય ચાલે છે, પરંતુ તેને કારણે ત્યાંની પારિસ્થિતિકીને વધુ નુકસાન થઈ રહ્યું છે. યુ.એ.ઈ.ની મદદથી રસ્તા-નિર્માણમાં પ્રગતિ થઈ છે. હદીબુ પાટનગર સાથે ક્યુલુનાશીયા, ડીહમારી અને ડીકસામના ઉચ્ચપ્રદેશને પાકા રસ્તાથી સાંકળવામાં આવી રહ્યા છે. સોકોત્રાનું પાટનગર હદીબુ છે. આ પાટનગરથી 5 કિમી. દૂર સોકોત્રા બંદર આવેલું છે. આ બંદર મોટે ભાગે યમનના બંદર મુકુલ્લા સાથે રહેલું છે. સ્ટીમર માર્ગે જતાં 2થી 3 દિવસ થાય છે. સોકોત્રો બંદરનું આધુનિકીકરણ કરવા માટે યુ.એ.ઈ. સારો સહકાર આપી રહ્યું છે. સોકોત્રા હવાઈ મથકનો વિકાસ યુ.એ.ઈ. કરી રહ્યું છે. યેમેનીઆ અન ફેલિક્સ હવાઈ સેવા કાર્યરત છે. એડન, અબુધાબી, કેરો સાથે સોકોત્રા હવાઈસેવાથી સંકળાયું છે.

પેમન સરકાર સોકોત્રામાં પ્રવાસનનો વિકાસ કરવા પ્રયત્ન કરી રહ્યું છે. આ ટાપુ પર ખૂબ ઓછા પ્રમાણમાં સારી હોટલો, ઉપલબ્ધ છે. વિકાસ ન થવાનું કારણ ત્યાં ચાલતાં ગૃહયુદ્ધો જવાબદાર છે. 2014 સુધી સોકોત્રામાં દર વર્ષે 1000 પ્રવાસી આવતા હતા. જ્યાં સુધી ગૃહયુદ્ધ કાબૂમાં ન આવે ત્યાં સુધી પ્રવાસન સંદર્ભે વિકાસ શક્ય નથી. યુનેસ્કોએ 2008ના જુલાઈ માસમાં સોકોત્રા ટાપુને ‘વર્લ્ડ હેરિટેજ’ તરીકે જાહેર કરેલ છે. આ ટાપુની પારિસ્થિતિકી જળવાઈ રહે તે માટે યુનેસ્કો પ્રયત્ન કરી રહ્યું છે.

વસ્તી : સ્કોટ્રી લોકો અલ-મહરાહ જાતિના હોવાનું મનાય છે. દક્ષિણ અરબસ્તાનમાં રહેલા ક્વારા અને મહરાહ જાતિથી નજીકના હોવાનું મનાય છે. એવું પણ માનવામાં આવે છે કે આફ્રિકાના ગુલામો કદાચ અહીં આવીને વસ્યા હશે. સોકોત્રાના મુખ્ય ટાપુ પર વસ્તી આશરે 50,000 હોવાનું નોંધાયું છે. હદીબુ પાટનગરની વસ્તી આશરે 3,862, ક્વાદુબની વસ્તી 929, અબ્દ-અલ-કુરીની વસ્તી 450, શામાની વસ્તી આશરે 100 છે. અન્ય ટાપુઓ ખડકાળ હોવાથી તે વસ્તીવિહીન છે. અહીંના લોકો સોકોટ્રી ભાષા બોલે છે. જે અરેબિયન ભાષાને મળતી છે. દસમી સદી સુધી લોકોએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો, પરંતુ 16મી સદીમાં મુસ્લિમોનું વર્ચસ્વ વધતાં લોકોએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે.

ઇતિહાસ : સોકોત્રા ટાપુની હોક ગુફામાં પ્રાચીન કોતરણીઓ શોધી કઢાઈ છે. તેનો અર્થ એ કે ખલાસીઓએ પહેલી સદીમાં આ ટાપુની મુલાકાત લીધી હશે. ત્યાંના શિલાલેખોમાં ભારતની બ્રાહ્મણી, ઈથોપિક, ગ્રીક વગેરે ભાષાના શબ્દ કંડારાયેલા જોવા મળ્યા છે. ભારતના વહાણવટુઓ આ ટાપુથી પરિચિત હતા. પર્શિયન ભૂગોળવેત્તા ઈબ્ન-અલ-મુનીવીર જે ઈ. સ. 1222માં ભારતથી અહીં આવ્યો હતો, તેણે તેની નોંધમાં જણાવ્યું છે કે ભારતથી સિંઘ અને બલૂચિસ્તાનના વેપારીઓ આવતા હતા અને વસાહતો ઊભી કરી હતી. ઈ. સ. 1507માં પોર્ટુગીઝો અને સોકોત્રાના મહારા સુલતાન સાથે સંઘર્ષ થયો હતો. 1834માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સોકોત્રા ટાપુ ખરીદવા માટે મહારા સુલતાનને જણાવ્યું, પરંતુ સોકોત્રા ટાપુ વેચવા માટે મહારા સુલતાને ઇચ્છા દાખવી નહીં. 1886માં બ્રિટિશ સરકારે સંધિ કરવાનો પ્રસ્તાવના મૂક્યો હતો, પરંતુ સફળતા મળી નહીં. 1967માં બ્રિટિશરોએ એડન ઉપર પ્રભુત્વ સ્થાપતાં મહારા સુલતાનનું પ્રભુત્વ જતું રહ્યું. પરિણામે સોકોત્રા તે યમનનો ભાગ બન્યું. 1990થી યમન એક પ્રજાસત્તાક રાજ્ય બન્યું. 2004માં ત્સુનામીને કારણે સોકોત્રાને ભારે નુકસાન પહોંચ્યું હતું. 2015માં ચપાલા અને મેઘા ચક્રવાતે ખૂબ નુકસાન પહોંચાડતાં મોટી જાનહાનિ થઈ હતી. પરિણામે યુ.એ.ઈ.એ સોકોત્રાને મદદ કરી અને તે ટાપુ પોતાને હસ્તક કર્યો. 2019માં યમનની સરકાર સાથે સંઘર્ષ પણ થયો હતો. 2020માં યુ.એ.ઈ.ના  Southern Transititation Concil (STC) નું પ્રભુત્વ સ્થપાતાં હવે ત્યાં શાંતિ જળવાઈ છે.

પુરાણોમાં ભારત અને સોકોત્રા વચ્ચેનો વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધ : અરબી સમુદ્રમાં યમનની દરિયાઈ સીમામાં આવેલા સોકોત્રા ટાપુનું નામ શક્યતઃ સંસ્કૃત શબ્દ ‘સુખધરા’ પરથી આવ્યું છે. તેનો અર્થ ‘તે કે જે આનંદ આપે છે’ એવો થાય છે. મૌર્ય (ઈ. સ. પૂ. 322 – ઈ. સ. પૂ. 185) અને ક્ષત્રિય યુગમાં ગુજરાતીઓ યમનના બંદરો સાથે વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો ધરાવતા હતા. વળી અહીં ગ્રીક અને રોમન વેપારીઓ પણ મુલાકાત લેતા હતા. વહાણવટા વિશે એક પ્રાચીન ગ્રીક પુસ્તકમાં આફ્રિકા, આરબ અને ભારતની વચ્ચે મોસમી પવનોની સહાયથી દરિયાઈ વેપાર-વણજનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં ચારુદત્ત નામનો જૈન વેપારી સુખાદ્વીપ (સોકોત્રા) જઈને અઢળક દ્રવ્ય કમાયો હતો તેવી નોંધ પણ મળી છે. આગળ જોઈ ગયા કે અહીં ચૂનાનાં ખડકો અને પહાડો આવેલા છે. અહીં આવેલી ચૂનાની ગુફાઓ ભુલભુલામણીવાળી છે. અહીંની હૉફ ગુફામાં પ્રાચીન સમયનાં સંસ્કૃતિ, બ્રાહ્મિણી  અને મુઘલ સમયના શિલાલેખો આવેલાં છે. આ શિલાલેખોને ખ્યાતનામ ઇતિહાસકાર અને અભિલેખવિદ સદગત ડૉ. ભારતીબહેન શેલતે ઉકેલ્યા છે. ઇન્ગો સ્ટ્રેચ નામના બેલ્જિયમ વિદ્વાને 2012માં પ્રસિદ્ધ કરેલા અમૂલ્ય ગ્રંથ ‘ફૉરેન સેઇલર્સ ઑન સોકોત્રા : ધી ઇન્સ્ક્રિપ્શન ઍન્ડ ડ્રૉઇંગ્સ ફ્રોમ ધ કેવહોક’માં ડૉ. ભારતીબહેનનો લેખ ‘ધ ગુજરાત સ્ટોન ઇન્સ્ક્ર્રિપ્શન ફ્રોમ રાસ હોલેફ’ (સોકોત્રા) જોવા જેવો છે. તેમણે નોંધ્યું છે કે 17મા સૈકામાં ગુજરાતના વેપારીઓ અને ખલાસીઓ હિંદી અરબ સાગરના સોકોત્રા ટાપુની મુલાકાત લેતા હતા. અહીંની ગુફામાં ગુજરાતની પ્રાચીન કોતરણીઓ ત્રિશૂળ, સ્વસ્તિક જેવાં ધાર્મિક ચિહનો મળી આવેલાં છે જે એક સાબિતીરૂપ કહી શકાય. એક ફોટોગ્રાફ સોકોત્રા અને ગુજરાતમાં પ્રચલિત ‘સિકોતરી માતા’ને  આબેહૂબ ચિત્રિત કરેલ છે. સિકોતરી માતા દરિયાકિનારે સિંહાસન ઉપર બિરાજમાન છે. તે સમુદ્રની દેવી છે. શઢ ચઢાવેલા વહાણમાં બેઠેલા વેપારીઓ શ્રી વહાણવટી માતાની પૂજા કરતા જોવા મળે છે. વિશ્વપ્રસિદ્ધ પુરાવસ્તુશાસ્ત્રી એસ. આર. રાવે લખ્યું છે કે, ‘ખંભાતના અખાતમાં આવેલું હાથબ બંદર સોકોત્રા સાથે સંકળાયેલું હતું.’ હાથબમાં સિકોતરી માતાનું મંદિર હતું. આલ્તેકર નામ ઇતિહાસકારે તેમના ‘હિસ્ટ્રી ઑફ ઇમ્પોર્ટન્ટ એન્શિયન્ટ ટાઉન ઍન્ડ સિટીઝ ઇન ગુજરાત ઍન્ડ કાઠિયાવાડ’ (1926)માં લખ્યું છે કે પ્રાચીન સમયમાં હાથબ બંદર ‘હસ્તકવપ્ર’ તરીકે ઓળખાતું હતું. ચૂનાના ખડક ઉપર કોતરેલા બ્રાહ્મી લેખ મુજબ હસ્તકવપ્રના સંઘદાસ નામે બૌદ્ધ કે જૈન સાધુ સોકોત્રા ગયા હતા.

સોકોત્રા અને ભૃગુકચ્છ (ભરૂચ) વચ્ચેનો સંબંધ ઈ. સ. પૂ. 3જી સદી જેટલો જૂનો છે. ટોલેમી, સ્ટ્રેબો અને પેરીપ્લસે પણ સોકોત્રાની નોંધ કરી છે. સલ્તનત સમયમાં ભદ્રેશ્વર બંદરના જૈન વેપારીનાં વહાણો સોકોત્રા જતાં હતાં. એક સમયના ધનાઢ્ય જૈન વેપારી વીરજી વોરાનાં જહાજો પણ સોકોત્રા જતાં હતાં.

ગુજરાતમાં સૌથી રોમાંચક કથા વહાણવટાની દેવી સિકોતરીમાતાની છે. તેમને હરિસિદ્ધિમાતા પણ કહે છે. હૈગરાજમાતા પણ વહાણવટી દેવી જ છે. સિકોતરીમાતાનું મુખ્ય મંદિર ગુજરાતમાં ખંભાતની નજીક રાલેજ મુકામે આવેલું છે. અહીંના લોકો સમૃદ્ધિ, ફળદ્રૂપતા અને વહાણોની સુરક્ષા માટે આ દેવીની પૂજા કરે છે. એક કથા અનુસાર તેમનો જ્યાં સુધી આદરભાવપૂર્વક સ્વીકાર કરીને ખુશ કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ વહાણોનો નાશ કરતાં રહ્યાં. આ પરંપરાને રોકવા માટે શિખરથી દરિયાકાંઠે પધરામણી કરાવવામાં આવી. દરિયાકાંઠે લાવતાં તેમના દરેક પગલે એક ભેંસનો બલિ ચડાવવામાં આવતો. ત્યારબાદ દરિયાકાંઠે મંદિરની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ નાવિકોને પોતાના વ્યવસાયમાં સફળતા મળી અને નાવિકો પોતાના ઘેર હેમખેમ પાછા ફરતા હતા.

આજે પણ દરિયાઈ વેપાર ખેડનારા ખલાસીઓ અને દરિયાઈ વેપાર-વણજ સાથે સંકળાયેલા લોકો સિકોતરમાતાની પૂજા કરીને પોતાની સફરનો પ્રારંભ કરે છે.

નીતિન કોઠારી