સોકોટો (નદી) : પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજિરિયા દેશના વાયવ્ય ભાગમાં વહેતી નદી. તે કેમ્બી નદીના નામથી પણ ઓળખાય છે. અહીંના ઉત્તર ભાગમાં આવેલા ઉચ્ચપ્રદેશ પરના ફુંતુઆની દક્ષિણેથી તે નીકળે છે અને પહોળો વળાંક લઈને ઉગ્ર સમુત્પ્રપાતો(escarpments)ની વચ્ચે ખીણો અને ખાઈઓના સપાટ તળભાગમાં થઈને આશરે 320 કિમી.ની લંબાઈમાં સોકોટો રાજ્યના સોકોટો શહેર સુધી વહે છે. ત્યારબાદ સોકોટોની પશ્ચિમે તેના હેઠવાસમાં તેને રીમા નદી મળે છે. આ ઉપરાંત ઇલ્લોની પૂર્વમાં તેનો નાઇજર નદી સાથે સંગમ થાય છે.
સોકોટો નદીએ રચેલાં કાંપનાં મેદાનો અને ખીણ ભાગોમાં મોટા પાયા પર ખેતી થાય છે; ડાંગર, ડુંગળી, શેરડી અને ગળીના કૃષિપાકો લેવાય છે. ખેતીની સારી ઊપજ મેળવવાના હેતુથી આ નદી પર ઘણા સિંચાઈ-પ્રકલ્પો વિકસાવવામાં આવેલા છે. હૌસા, ડકાર્કી અને ઝાબર્મા લોકો આ નદીનો જળમાર્ગ તરીકે પણ ઉપયોગ કરે છે.
જાહનવી ભટ્ટ