સૉબર્સ, ગારફિલ્ડ (સર) (જ. 28 જુલાઈ 1936, બેલૅન્ડ, બ્રિજટાઉન, બાર્બાડોઝ, વેસ્ટ ઇન્ડીઝ) : વેસ્ટ ઇન્ડીઝના મહાન પૂર્વ ક્રિકેટર. જેમની ગણના વિશ્વના શ્રેષ્ઠ ડાબોડી બૅટ્સમૅન અને શ્રેષ્ઠ ઑલરાઉન્ડર તરીકે થાય છે. પિતાનું નામ સેન્ટ ઓબ્રન સૉબર્સ, જેઓ દરિયાઈ વ્યાપારી હતા ને યુદ્ધ દરમિયાન અવસાન પામ્યા પછી તેમની માતાએ પાંચ વર્ષની વયથી ગારફિલ્ડનો ઉછેર કર્યો હતો.
ક્રિકેટજગતમાં તેઓ ‘ગૅરી’ સૉબર્સના ટૂંકા, હુલામણા નામે ઓળખાયા.
ગારફિલ્ડ સૉબર્સ તેમના જમાનામાં – બૅટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગ – આ ત્રણેય ક્ષેત્રોમાં સિદ્ધિ ધરાવતા એકમાત્ર ઑલરાઉન્ડર હતા. બૅટિંગમાં 8000 ઉપરાંત રન, બૉલિંગમાં 200 ઉપરાંત વિકેટો અને ફિલ્ડિંગમાં 100 ઉપરાંત કૅચ તેમણે નોંધાવ્યા છે.
સર ગારફિલ્ડ સૉબર્સ
જન્મસમયે તેમના બંને હાથમાં અંગૂઠા અને પાંચ-પાંચ આંગળીઓ સાથે કુલ બાર આંગળીઓ હતી; પરંતુ પછી શસ્ત્રક્રિયા દ્વારા બંને હથેળીઓ પરની વધારાની આંગળીઓ કાઢી નાખવામાં આવી હતી.
ગારફિલ્ડ સૉબર્સનો બાંધો મજબૂત છે. યુવાવસ્થામાં તેમને ટેનિસ-બૉલથી ક્રિકેટ રમવાનો ભારે શોખ હતો. બાર્બાડોઝ તરફથી તેઓ ગોલ્ફ, ફૂટબૉલ અને બાસ્કેટબૉલ જેવી રમતોમાં પણ ભાગ લેતા હતા.
1953માં, 16 વર્ષની વયે, પ્રવાસી ભારતીય ક્રિકેટ ટીમ સામે બાર્બાડોઝ તરફથી તેમને ક્રિકેટમાં રમવાની તક મળી હતી. 17 વર્ષની વયે કિંગસ્ટન ખાતે 30મી માર્ચ, 1954ના રોજ પ્રવાસી ઇંગ્લૅન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં તેમણે વેસ્ટ ઇન્ડીઝ તરફથી ‘(ટેસ્ટ)પ્રવેશ’ કર્યો હતો. આ ટેસ્ટના પ્રથમ દાવમાં તેમણે 75 રનમાં 4 વિકેટો ઝડપી હતી.
ચાર વર્ષ પછી એ જ કિંગસ્ટનમાં પ્રવાસી પાકિસ્તાન સામે ત્રીજી ટેસ્ટમાં અણનમ 365 રનનો તે જમાનાનો સર્વોચ્ચ વિશ્વવિક્રમી જુમલો નોંધાવીને ગારફિલ્ડ સૉબર્સ ‘ધૂંઆધાર બૅટ્સમૅન’ તરીકે જગવિખ્યાત બની ગયા હતા.
કિંગસ્ટન ખાતે પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટમાં બીમાર હોવા છતાં ત્રીજા ક્રમે બૅટિંગમાં ઊતર્યા. ત્રેવડી સદી પૂરી કરી.
ઇંગ્લૅન્ડના લેનહટનના 364 રનના સૌથી વધુ વ્યક્તિગત જુમલાના વિશ્વવિક્રમની બરાબરી કર્યા પછી સૉબર્સે તુરત જ 365 રને પહોંચી ટેસ્ટક્રિકેટનો સર્વોચ્ચ વ્યક્તિગત જુમલાનો નવો વિશ્વવિક્રમ સર્જ્યો અને 3 વિકેટે 790ના જુમલા પર દાવ પૂરો થયેલો જાહેર થતાં અણનમ રહ્યા. સૉબર્સે આ મૅચમાં 10 કલાક, 14 મિનિટ બૅટિંગ કરીને 38 ચોગ્ગા ફટકાર્યા હતા. કોનરેડ હન્ટ (260) સાથે બીજી વિકેટની ભાગીદારીમાં સૉબર્સે 446 રન ઉમેર્યા હતા.
જ્યૉર્જટાઉન ખાતે પાકિસ્તાન સામેની ચોથી ટેસ્ટમાં ગારફિલ્ડ સૉબર્સે પુન: કૌવત ઝળકાવતાં બંને દાવમાં સદી (125 અને અણનમ 109) ફટકારી હતી.
ભારત સામે 1958–59ની ટેસ્ટશ્રેણીમાં 92.83ની સરેરાશથી કુલ 557 રન નોંધાવનારા સૉબર્સે 1959–60માં ઇંગ્લૅન્ડ સામે 101.28ની સરેરાશથી કુલ 709 રન, 1966માં ઇંગ્લૅન્ડ સામે 103.14ની સરેરાશથી કુલ 722 રન, 1967–68માં ઇંગ્લૅન્ડ સામે 90.83ની સરેરાશથી કુલ 545 રન અને 1971માં પ્રવાસી ભારત સામે 74.62ની સરેરાશથી કુલ 597 રન નોંધાવ્યા હતા.
ગારફિલ્ડ સૉબર્સ વેસ્ટ ઇન્ડીઝ તરફથી 22માંથી 13 ટેસ્ટશ્રેણીઓ રમ્યા હતા. તે દરેકમાં તેમણે 10 કે વધુ વિકેટો ઝડપી હતી. 1966માં ઇંગ્લૅન્ડ સામે પાંચ ટેસ્ટ મૅચોની શ્રેણીમાં 27.25ની સરેરાશથી તેમણે 20 વિકેટો ઝડપી હતી.
1964–65માં પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામે કિંગસ્ટન ખાતે પ્રથમ ટેસ્ટમાં ગારફિલ્ડ સૉબર્સે વેસ્ટ ઇન્ડીઝનું કપ્તાનપદ સંભાળ્યું હતું. 1971માં પ્રવાસી ભારત સામે બીજી ટેસ્ટમાં, પૉર્ટ ઑવ્ સ્પેન ખાતે કપ્તાન તરીકે સૉબર્સે ઘોર પરાજય વહોર્યો હતો. કપ્તાન તરીકે સૉબર્સ ખેલદિલ અને સાહસિક ખેલાડી રહ્યા છે. 39 ટેસ્ટ્સમાં વેસ્ટ ઇન્ડીઝનું કપ્તાનપદ સંભાળતાં તેમણે 9 વિજય મેળવ્યા હતા, 10 પરાજય વહોર્યા હતા, 20 ટેસ્ટ ડ્રૉ થઈ હતી. કપ્તાન તરીકે 27 વાર તેઓ ટૉસ જીત્યા હતા.
1968માં ગારફિલ્ડ સૉબર્સે એક અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાવી હતી. ઇંગ્લૅન્ડમાં સ્વાન્સા ખાતે ગ્લેમૉર્ગન સામેની મૅચમાં નૉટિંગહેમશાયર તરફથી રમતા, ગારફિલ્ડ સૉબર્સે ગ્લેમૉર્ગનના સ્પીનર માલ્કમ નેશની છ બૉલની ઓવરમાં સળંગ છ છગ્ગા ફટકારવાનો વિશ્વવિક્રમ સર્જ્યો હતો. ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ચૅમ્પિયનશિપમાં તેઓ નૉટિંગહેમશાયર તરફથી રમ્યા હતા અને 1968થી 1974 દરમિયાન તેઓ આ કાઉન્ટી ટીમના કપ્તાન રહ્યા હતા.
1964–65માં ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન એક મોહક ઑસ્ટ્રેલિયન યુવતીના પ્રેમમાં પડતાં પાછળથી બંને લગ્નગ્રંથિથી જોડાયાં હતાં.
પ્રથમ કક્ષાના ક્રિકેટમાં ગારફિલ્ડ સૉબર્સે 1952થી 1974 દરમિયાન 86 સદીઓ સાથે 54.87ની સરેરાશથી કુલ 28,315 રન નોંધાવ્યા હતા. 27.74ની સરેરાશથી કુલ 1043 વિકેટો ઝડપી હતી અને 407 કૅચ કર્યા હતા.
ટેસ્ટ ક્રિકેટમાં ગારફિલ્ડ સૉબર્સે 93 ટેસ્ટના 160 દાવમાં 21 વાર નૉટઆઉટ રહી, અણનમ 365 રનના સર્વોચ્ચ જુમલા સાથે 26 સદીઓ, 30 અર્ધસદીઓ નોંધાવી, 57.78ની બૅટિંગ સરેરાશથી કુલ 8032 રન નોંધાવ્યા હતા. બૉલિંગમાં 21,599 બૉલ નાખી, 7999 રન આપી, 34.04ની સરેરાશથી કુલ 235 વિકેટો ઝડપી હતી. તેમણે 6 વાર દાવમાં પાંચ કે વધુ વિકેટો ઝડપી હતી. 1968–69માં બ્રિસ્બેન ખાતે ઑસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટના બીજા દાવમાં 73 રનમાં 6 વિકેટો ઝડપી લેવાનો તેમનો શ્રેષ્ઠ બૉલિંગ દેખાવ હતો. તેમણે સમગ્ર ટેસ્ટ કારકિર્દી દરમિયાન 109 કૅચ ઝડપ્યા હતા. ઑસ્ટ્રેલિયાના મેલબૉર્ન ખાતેના ‘હૉલ ઑવ્ ફેમ’માં બ્રૅડમન સાથે તેમનું પૂરા કદનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું છે. ગારફિલ્ડ સૉબર્સ 93 ટેસ્ટમાં 8032 રન નોંધાવીને સ્વેચ્છાથી નિવૃત્ત થયા. 1975માં, ઇંગ્લૅન્ડની રાણીએ સૉબર્સની ક્રિકેટક્ષેત્રની વિશેષ સેવાઓને ધ્યાનમાં લઈ, તેમને ‘સર’ના ઇલકાબથી નવાજ્યા હતા.
જગદીશ બિનીવાલે