સૈયદ, મુહમ્મદ અશરફ (જ. 1957, સીતાપુર, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ લેખક. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘બાદ-એ-સબા કા ઇંતિજાર’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે બી.એ. (ઑનર્સ) અને એમ.એ.ની ડિગ્રીઓ સુવર્ણચંદ્રક સાથે પ્રાપ્ત કરી છે. તેઓ હિંદી, અંગ્રેજી, અરબી અને ફારસી ભાષાઓની જાણકારી ધરાવે છે. તેઓ હાલ ભારતીય મહેસૂલી સેવામાં આવકવેરા આયુક્ત તરીકે કાર્યરત છે.
તેઓ અલ બરકત એજ્યુકેશન સોસાયટી, અલીગઢ; સર સૈયદ પબ્લિક સ્કૂલ, કાનપુર તથા ઉન્નાવ અને મરેહરા પબ્લિક સ્કૂલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના સ્થાપક છે.
મુહમ્મદ અશરફ સૈયદ
માત્ર 12 વર્ષની વયે તેમણે લેખનકાર્ય શરૂ કર્યું હતું અને છ વર્ષમાં ત્રણ ગ્રંથો આપ્યા : ‘ઇન્સાન કી વાપસી’, ‘ચક્કર’ અને ‘ડાર સે બિછડે’. ત્યાર બાદ 1994થી 2003 સુધીમાં તેમણે મુખ્ય 5 કૃતિઓ પ્રગટ કરી; તેમાં 2 વાર્તાસંગ્રહ છે, જેમાં પુરસ્કૃત કૃતિ ‘બાદ-એ-સબા કા ઇંતિજાર’ તથા અન્ય એકનો સમાવેશ થાય છે. ‘નંબરદાર કા નીલા’ તેમની નવલકથા છે, જ્યારે ‘યાદ-એ-હસન’ તેમના પિતાનું જીવનચરિત્ર છે. તેમની અનેક વાર્તાઓ અને નવલકથા જુદી જુદી ભારતીય ભાષાઓ તથા અંગ્રેજીમાં અનૂદિત કરાઈ છે. તેમની વાર્તાઓ ‘પૅન્ગ્વિન ઇન્ડિયા’, ‘કથા’ અને ‘ધ મૅન્યુઅલ ઑવ્ ઉર્દૂ સ્ટડીઝ’, વિસ્કોન્સિન, અમેરિકાનાં સંકલનોમાં સંગૃહીત છે. ‘સલ્લુ અલૈહી વા આલિહી’ નાતો(સંબંધ)નો સંગ્રહ છે.
પુરસ્કૃત કૃતિ ‘બાદ-એ-સબા કા ઇંતિજાર’માં લેખકે યોગ્ય રૂપકો અને કલ્પનોના માધ્યમ દ્વારા પેઢીઓથી ચાલી આવતી સમસ્યાઓનું વર્ણન કર્યું છે. આ વાર્તાઓમાં લેખકે જે સમસ્યાઓ ઉજાગર કરી છે તે કેટલીક રીતે અપૂર્વ છે. આ સમસ્યાઓની સમકાલીન પરિસ્થિતિઓના સંદર્ભમાં તપાસ કરવામાં આવી છે. આ કારણે ઉર્દૂમાં ભારતીય વાર્તાસાહિત્યમાં તેનું સ્થાન મહત્ત્વનું છે.
બળદેવભાઈ કનીજિયા