સેસોન, શુકેઈ (Sesson, Shukei) (જ. 1504, હિટાચી, જાપાન; અ. આશરે 1589, ઈવાશિરો, જાપાન) : પ્રસિદ્ધ જાપાની ચિત્રકાર. મૂળ નામ સાટાકે હેઈઝો (Satake Heizo). પંદરમી સદીના પ્રસિદ્ધ જાપાની ચિત્રકાર સેશુની ચિત્રશૈલીનો વધુ વિકાસ કરવામાં સેસોનનું નામ મોખરે છે.
જાપાનના સૌથી મોટા ટાપુ હોન્શુ પર છવાયેલાં જંગલોમાં બૌદ્ધ ધર્મના સોટો સંપ્રદાયના એક મઠમાં ધર્મધ્યાન કરનાર એક બૌદ્ધ ભિખ્ખુ તરીકે સેસોને જીવનની શરૂઆત કરેલી. એ દરમિયાન ચિત્રકાર શુબુનનાં ચિત્રોનું નિરીક્ષણ કરીને સેસોન જાતે જ ચિત્રકલા શીખ્યા. પછીથી તેઓ સેશુનાં ચિત્રોના પ્રભાવ હેઠળ આવ્યા અને જળરંગો વડે મનોહર નિસર્ગદૃશ્યો આલેખતા થયા. એમનાં ચિત્રોમાં જોવા મળતા પીંછીના ગતિશીલ લસરકા બળકટતા (vigour) અને લાવણ્ય બંનેનાં દર્શન કરાવે છે. જાનવરોનાં આલેખનોમાં પણ તેઓ જીવંતતા સિદ્ધ કરે છે. એંશી વરસથી પણ વધુ લાંબી એમની કારકિર્દી દરમિયાન એમનાં ચિત્રોમાંથી શ્રેષ્ઠ ગણાયાં છે : ‘ધ વિન્ડ ઍન્ડ ધ વેવ્ઝ’, ‘લી પો ગેઇઝિન્ગ ઍટ ધ વૉટરફૉલ’, ‘ધ ટાઇગર’ તથા ‘લૅન્ડસ્કેપ વિથ હૉક્સ’.
અમિતાભ મડિયા