સેર્વાયસ આલ્બર્ટ (Servaes Albert)
January, 2008
સેર્વાયસ, આલ્બર્ટ (Servaes, Albert) [જ. 4 એપ્રિલ 1883, ગૅન્ટ (Ghent), બેલ્જિયમ; અ. 19 એપ્રિલ 1966] : આધુનિક બેલ્જિયન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. ગૅન્ટ અકાદમી ખાતેના સાંજના વર્ગોમાં તેમણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. 1905માં તેમણે લાયથમ સેન્ટ માર્ટિન(Laethem St. Martin)માં નિવાસ કર્યો અને શિલ્પી જોર્જ મિને (Georg Minne) તથા ચિત્રકાર વાલેરિયસ દે સાયડિલર (Valerius de Saedeleer) (18671941) સાથે પરિચય કેળવ્યો. આરંભમાં તો સેર્વાયસે નિસર્ગ-શ્યો અને ગ્રામીણ શ્યોનું આલેખન કર્યું, પણ પછી ખ્રિસ્તી ધાર્મિક વિષયોનું ઘેરા રંગોમાં ચિત્રણ કર્યું. આ ચિત્રોમાં ગમગીની અને ભયનો ઓથાર સ્ફુટ થયો છે. આ ચિત્રો ઉપર ગ્રુનેવૉલ્ડ (Griinewald) જેવા ગોથિક અને રેનેસાં જર્મન ચિત્રકારોનો પણ પ્રભાવ જોવા મળે છે.
આલ્બર્ટ સેર્વાયસ
સેર્વાયસનાં ઉત્તમ ચિત્રોમાં ‘પોટેટો પ્લાન્ટર્સ’, ‘સ્ટેશન્સ ઑવ્ ધ ક્રૉસ’ તથા ‘પિયેતા’(Pieta)નો સમાવેશ થાય છે.
સમકાલીન વિવેચકોએ આ ચિત્રોની પ્રશસ્તિ પણ કરી, પરંતુ બેલ્જિયમના કેથલિક ચર્ચે આ ચિત્રોને વખોડી કાઢીને 1921માં આ ચિત્રોનો ચર્ચમાંથી બહિષ્કાર કર્યો. 1944માં સેર્વાયસ સ્વિટ્ઝર્લૅન્ડ ચાલ્યા ગયા. ત્યાં મૃત્યુ પર્યંત બાવીસ વરસ સુધી તેમણે આલ્પ્સ પર્વતોને આલેખતાં નિસર્ગચિત્રો આલેખ્યાં.
અમિતાભ મડિયા