સેભા (Sebha, Sabha) : નૈર્ઋત્ય લિબ્યા(આફ્રિકા)ના સહરાન રણદ્વીપમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : – 27° 03´ ઉ. અ. અને 14° 26´ પૂ. રે.. આ સ્થળ છેક અગિયારમી સદીથી આજ સુધી વણજારનું સક્રિય મથક રહ્યું છે. 1943થી 1963 સુધી તે ફૈઝાન પ્રાંતનું પાટનગર રહેલું. આ નગર આજે આધુનિક તો બન્યું છે તેમ છતાં અહીંની શ્વેતરંગી ઇમારતો પંકના ચણતરવાળી દીવાલોથી બનેલા જૂના આવાસોથી ઘેરાયેલી છે. નજીકની ટેકરી પર આવેલો પ્રાચીન ઇટાલિયન ‘એલેના’ કિલ્લો આજે વહીવટી કચેરીઓ, દુકાનો તથા દવાખાના માટે ઉપયોગમાં લેવાય છે. ટ્યૂનિશિયા અને ચાડ સાથે આ શહેર વેપાર તેમજ પરિવહનથી સંકળાયેલું છે; આ ઉપરાંત તે સડકમાર્ગે તથા હવાઈમાર્ગે ભૂમધ્ય સમુદ્રના કાંઠાના વિસ્તારો સાથે જોડાયેલું છે.

એલેના કિલ્લો

અહીં સરકારી મુદ્રણાલય, ખજૂર પૅકિંગ કરવાનું કારખાનું, હસ્તકારીગરીના ઉદ્યોગો, શિક્ષણ તાલીમશાળાઓ, રાષ્ટ્રીય સંગ્રહાલય તથા કૃષિશાળા આવેલાં છે. આ નગર માટે જરૂરી ખાદ્યસામગ્રી તેમજ જળપુરવઠો નજીકના રણદ્વીપોમાંથી આયાત કરાય છે. સરકાર દ્વારા કૃષિવિષયક પ્રકલ્પથી ખેતરો ઊભાં કરાયાં છે. ખેતી માટે સિંચાઈની સુવિધા નજીકના રણદ્વીપોમાંથી અપાય છે.

નીતિન કોઠારી