સેન, મૃણાલ (. 14 મે 1923, ફરીદપુર, બંગાળ) : બંગાળી-ઊડિયા-હિંદી ચલચિત્રોના વિખ્યાત સર્જક-નિર્દેશક તથા વર્ષ 2004ના બહુપ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડના વિજેતા. પિતાનું નામ દિનેશચંદ્ર જેઓ વ્યવસાયે વકીલ પણ મૂળભૂત રીતે દેશભક્ત અને સ્વાતંત્ર્યસેનાની હતા. માતાનું નામ સરજૂ. માતા-પિતા ઉપરાંત પરિવારમાં સાત ભાઈઓ અને પાંચ બહેનો જેટલું વિશાળ કુટુંબ હોવાથી અને પિતા અવારનવાર સ્વાતંત્ર્ય-સંગ્રામમાં ભાગ લેતા હોવાથી વકીલ તરીકેના તેમના વ્યવસાયમાં વારંવાર વિઘ્નો ઊભાં થતાં, જેને લીધે પરિવારને કારમી ગરીબીનો સામનો કરવો પડતો હતો. મૃણાલનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જન્મસ્થાન ફરીદપુરમાં થયું હતું. ભણતર દરમિયાન પિતાની પ્રેરણા અને દોરવણીથી તેઓ સ્વાતંત્ર્ય-સંગ્રામમાં સક્રિય ભાગ લેતા. શાળાકીય કારકિર્દી દરમિયાન વિદ્યાર્થીઓના એક સરઘસમાં ‘વન્દે માતરમ્’નો જયઘોષ કરવા માટે મૃણાલની ધરપકડ કરવામાં આવી હતી.

મૃણાલ સેન

માધ્યમિક શિક્ષણ દરમિયાન તેઓ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑવ્ ઇન્ડિયા(SFI)ની ફરીદપુર શાખાના મંત્રી ચૂંટાયા હતા. 1940માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને ઉચ્ચ શિક્ષણ માટે કોલકાતા ગયા, જે તેમની ત્યારપછીની આજન્મ કર્મભૂમિ બની. ત્યાંની સ્કૉટિશ ચર્ચ કૉલેજમાં ભૌતિકશાસ્ત્રના અધ્યયન માટે દાખલ થયા ખરા, પરંતુ ઇતર પ્રવૃત્તિઓમાં વ્યસ્તતાને કારણે તેઓ યુનિવર્સિટીની કોઈ પદવી મેળવી શક્યા નહિ. 1941માં સામ્યવાદી સાહિત્યનું વેચાણ કરવા માટે તેમની ધરપકડ કરવામાં આવી, જે તેમની બીજી ધરપકડ હતી. અભ્યાસમાં થતા આવા વિક્ષેપોને કારણે છેવટે મિત્રોની સલાહથી તેઓ ધ્વનિમુદ્રણ કરનાર એક સ્ટુડિયોમાં શિખાઉ ઉમેદવાર (apprentice) તરીકે દાખલ થયા. સાથોસાથ અંગત રુચિને કારણે ચલચિત્રનિર્માણકાર્યને લગતી તકનીકોની જાણકારી લેવા માટે તથા સૌંદર્યશાસ્ત્રનું અધ્યયન કરવાના ઇરાદાથી તે અંગેનું સાહિત્ય વાંચવાની શરૂઆત કરી. ભરણપોષણનાં સાધનો ઊભાં કરવા માટે વૃત્તપત્રના પ્રતિનિધિ તરીકે અને મેડિકલ રેપ્રિઝેન્ટેટિવ તરીકે પણ કામ કર્યું. 1943-47ના ગાળા દરમિયાન લોકકલાઓને વરેલી સંસ્થા ઇન્ડિયન પીપલ્સ થિયેટર(IPTA)માં સક્રિય રહ્યા તથા ભારતીય સામ્યવાદી પક્ષ(CPI)નું સભ્યપદ વિધિસર રીતે સ્વીકાર્યું. 1945થી તેમણે તત્કાલીન બંગાળી ફિલ્મો વિશે કોલકાતાના સ્થાનિક દૈનિક વૃત્તપત્રોમાં અને સામયિકોમાં સમીક્ષાલેખો (Reviews) લખવાની શરૂઆત કરી અને ટૂંક સમયમાં જ લોકભોગ્ય લખાણ લખવાની કલામાં માહેર થયા. 1951માં તેમણે વિખ્યાત અંગ્રેજ ચલચિત્ર-અભિનેતા અને નિર્દેશક ચાર્લી ચૅપ્લિન(1889-1977)ની જીવનગાથા તથા તેમની કલાસાધના પર એક પુસ્તક લખ્યું, જેને સારો પ્રતિસાદ મળ્યો. તે પૂર્વે 1946માં તેમણે ચૅકોસ્લોવાકિયાના જાણીતા નાટ્યકાર કાર્લ કેપેડ (1890-1938) દ્વારા લિખિત ‘ધ ચીટ’ પુસ્તકનો બંગાળી ભાષામાં અનુવાદ કર્યો હતો. 1951માં ફરી વાર તેમને સામ્યવાદી પક્ષની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ જેલવાસ ભોગવવો પડ્યો હતો.

ચલચિત્ર-સર્જક તરીકેની તેમની કારકિર્દી ‘રાત ભોર’ નામના બંગાળી ચલચિત્રથી 1956માં શરૂ થઈ. નિર્દેશક તરીકેના તેમના આ પ્રથમ સોપાનને ચલચિત્ર-પ્રેક્ષકો પાસેથી સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. તેમનું બીજું બંગાળી સોપાન તે ‘નીલ આકાશેર નીચે’ (1958) પર સરકારે પ્રતિબંધ મૂક્યો, જેને કારણે તે ચલચિત્ર અંગે સુજાણ (enlightened) પ્રેક્ષકો અને સમીક્ષકોમાં કુતૂહલ જાગ્યું. પરિણામે તેના પર લાદવામાં આવેલ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો અને બૉક્સ ઑફિસ પર તેને ખૂબ સફળતા મળી. તે ચલચિત્રથી મૃણાલ સેનને ‘નવા મોજા’(new wave)ના નિર્દેશક તરીકે ખ્યાતિ મળી. 1965માં તેમણે નિર્દેશિત કરેલી બંગાળી ફિલ્મ ‘આકાશ-કુસુમ’ના સંદર્ભમાં તેમની અને સત્યજિત રે (1921-92) વચ્ચે લાંબા સમય સુધી વૈચારિક સંવાદ જાગ્યો હતો. 1969માં તેમના દ્વારા નિર્દેશિત ‘ભુવન શોમ’ નામનું હિંદી ચલચિત્ર ‘લો બજેટ’ ફિલ્મ અને નવા કલાકારો સાથેનું તેમનું સોપાન હોવા છતાં દેશભરમાં ખૂબ લોકપ્રિય નીવડ્યું. આ ચલચિત્રને વર્ષ 1969ના સર્વોત્કૃષ્ટ હિંદી ચલચિત્રનો રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો હતો.

મૃણાલ સેનના વિચારપ્રવાહ પર ‘નવા મોજા’ના ફ્રેન્ચ નિર્દેશક અને સમીક્ષક ટુફાં તથા રૉબર્ટ બ્રેસનનો ઊંડો પ્રભાવ પડ્યો છે. તેવી જ રીતે ‘એપિક થિયેટર’ના ઉદગાતા જર્મન નાટ્યકાર અને કવિ બર્ટોલ્ટ બ્રેખ્ત(1898-1956)નો પ્રભાવ પણ મૃણાલની ચલચિત્ર-કૃતિઓ પર સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

તેમણે વર્ષ 2002 સુધી 29 જેટલાં કથાચિત્રોનું નિર્દેશન કર્યું છે. ‘અમર ભુવન’ એ તેમનું છેલ્લું ચલચિત્ર છે. ડાબેરી વિચારસરણી તરફના તેમના ઝોકને કારણે તેમણે તેમનાં મોટાભાગનાં ચલચિત્રોમાં સર્વસામાન્ય જનતાની સામાજિક અને આર્થિક સમસ્યાઓને વાચા આપી છે; દા.ત., ‘અવશેષ’માં છૂટાછેડાની સમસ્યા; ‘પ્રતિનિધિ’માં વિધવાવિવાહની સમસ્યા; ‘આકાશ-કુસુમ’માં સમાજમાં વધતી જતી ધનપિપાસાનાં વલણો સામેની જેહાદ; ‘એક અધૂરી કહાની’માં શ્રમજીવીઓ અને ખેડૂતોની હાલાકી; ‘અંતરીન’માં એકાકી જીવન જીવનારાઓની પીડાઓ; ‘અમર ભુવન’માં યુદ્ધ, અત્યાચારો અને હિંસાની સમસ્યા; ‘મૃગયા’માં હાલની વિરોધાભાસી ન્યાયવ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે.

તેમણે વર્ષ 1956-2002 સુધીની તેમની નિર્દેશક તરીકેની કારકિર્દીમાં 29 કથાચિત્રો ઉપરાંત 3 દસ્તાવેજી ચિત્રો અને બે દૂરદર્શન-શ્રેણીઓ પ્રસ્તુત કર્યાં છે. વૃદ્ધાવસ્થાને કારણે હવે તેઓ ચલચિત્રક્ષેત્રે સક્રિય રહ્યા નથી.

ચલચિત્રોને લગતા તેમના ગ્રંથોમાં ‘આમી એવં ચલચિત્ર’ (1972); ‘ચલચિત્ર – ભૂત, વર્તમાન, ભવિષ્ય’ (1977) તથા ‘ન્યૂઝ ઑન સિનેમા’(1977)નો સમાવેશ થાય છે.

‘દાદાસાહેબ ફાળકે પુરસ્કાર’ ઉપરાંત વર્ષ 2002માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેમને રાજ્યસભાનું નામાંકિત (nominated) સભ્યપદ (2002-2008) પણ આપવામાં આવ્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે