સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનૅડાઇન્સ (Saint Vincent and The Grenadines)
January, 2008
સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનૅડાઇન્સ (Saint Vincent and The Grenadines) : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો નાનો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 12° 30´થી 13° 15´ ઉ. અ. અને 61° 15´થી 61° 30´ પ. રે. વચ્ચેનો 388 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે વેનેઝુએલાની ઉત્તરે આશરે 320 કિમી. અંતરે કૅરિબિયન સમુદ્રમાં આવેલો છે. આ ટાપુદેશનો સમાવેશ ચાપ-આકારે વિસ્તરેલા લઘુ ઍન્ટિલ્સ જૂથના વિન્ડવર્ડ ટાપુઓમાં કરવામાં આવેલો છે. આ ટાપુઓનું જૂથ બાર્બાડોસ ટાપુથી પશ્ચિમમાં અને સેન્ટ લ્યુસિયા ટાપુથી દક્ષિણમાં આવેલું છે. આ ટાપુદેશમાં સેન્ટ વિન્સેન્ટ તથા ગ્રેનૅડાઇન્સ શૃંખલામાં આવતા બેક્વિયા, કૅનૉન, મસ્તિક અને યુનિયન તથા બીજા આશરે 100 જેટલા નાના ટાપુઓ આવેલા છે.
સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનૅડાઇન્સ ટાપુ
સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનૅડાઇન્સ ટાપુઓ 1783થી જે ગ્રેટબ્રિટનના શાસન હેઠળ હતા તે 1979માં સ્વતંત્ર બન્યા છે. સેન્ટ વિન્સેન્ટ ટાપુ ઉત્તર-દક્ષિણ મહત્તમ આશરે 29 કિમી. લાંબો અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ આશરે 18 કિમી. પહોળો છે. તેનું ક્ષેત્રફળ 345 ચોકિમી. જેટલું છે. ગ્રેનૅડાઇન્સ ટાપુઓ નાના છે, તેમનું કુલ ક્ષેત્રફળ આશરે 43 ચોકિમી. જેટલું છે. સેન્ટ વિન્સેન્ટ ટાપુના દક્ષિણ કિનારા પર આવેલું કિંગ્સટાઉન તેનું પાટનગર છે અને અહીંના બધા જ ટાપુઓ માટેનું મોટું શહેર છે.
ભૂપૃષ્ઠ-આબોહવા : આ ટાપુઓ જ્વાળામુખી-પ્રસ્ફુટનોથી બનેલું પહાડી ભૂપૃષ્ઠ ધરાવે છે. તેની મધ્યમાં સંખ્યાબંધ ઊંચાં શિખરો આવેલાં છે. સેન્ટ વિન્સેન્ટ ટાપુના ઉત્તર છેડા પરનો સક્રિય જ્વાળામુખી માઉન્ટ લા સુફ્રેએર (La Soufrire) અહીંનું સર્વોચ્ચ સ્થળ છે, તેની ઊંચાઈ 1234 મીટર છે. આ જ્વાળામુખી 1902 અને 1979માં પ્રસ્ફુટન પામ્યો હતો. તેની બાજુમાં એક પ્રાચીન જ્વાળામુખ સરોવર પણ છે. ટાપુના મધ્યસ્થ ઊંચા ભાગોમાંથી અનેક નાની નાની નદીઓ નીકળીને તેના ઢોળાવને – અનુસરીને વહે છે અને સમુદ્રને મળે છે.
અહીં ઈશાનકોણીય વ્યાપારી પવનો વાય છે અને ભારે વરસાદ આપે છે. અહીંનો સરેરાશ વાર્ષિક વરસાદ સેન્ટ વિન્સેન્ટના અગ્નિ ભાગમાં 1500 મિમી. જેટલો, જ્યારે પહાડી ભાગોમાં 3810 મિમી. જેટલો પડે છે. આ ટાપુઓનું તાપમાન 32° સે.થી ભાગ્યે જ ઊંચે જાય છે અને 18° સે.થી ભાગ્યે જ નીચે જાય છે. તેમ છતાં અહીં શુષ્ક અને ભેજવાળી ઋતુઓ સ્પષ્ટપણે જુદી પડે છે. દરિયાઈ લહેરોના પ્રભાવથી અહીંની આબોહવા નરમ બની રહે છે.
અહીંની ભૂમિનો મોટો ભાગ અયનવૃત્તીય વનસ્પતિથી છવાયેલો છે. જ્વાળામુખી-ખડકોના ધોવાણથી ટાપુની જમીનો કાળા રંગની બની રહેલી છે. અહીંના દરિયાઈ રેતપટ પણ કાળા રંગના દેખાય છે.
અર્થતંત્ર : આ ટાપુઓનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર આધારિત છે. અહીંના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે. જ્વાળામુખીજન્ય કાળી છિદ્રાળુ જમીનોમાં મુખ્યત્વે કેળાં, લંબતારી કપાસ અને આરારુટની ખેતી થાય છે. આ ઉપરાંત શેરડી, કોકો, કસાવા, શક્કરિયાં, ગરમ મસાલા, નાળિયેરી જેવા ગૌણ પાકો પણ લેવાય છે. કેળાં, નાળિયેર અને મસાલા અહીંના નિકાસી પાકો છે. આ ટાપુદેશ દુનિયાને આરારુટ (જેના મૂળમાંથી સ્ટાર્ચ તૈયાર થાય છે.) પૂરો પાડતા દેશો પૈકીનો એક દેશ છે. કૃષિપાકોનું ઉત્પાદન, માછીમારી અને પ્રવાસન અહીંની મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ છે.
આ ટાપુઓ પરની જ્વાળામુખી-ટેકરીઓ, સરોવરો, નદીનાળાં, ખીણપ્રદેશો વગેરે જેવાં કુદરતી શ્યો તેની રમણીયતામાં વધારો કરે છે. પહાડી ક્ષેત્રોમાં હરિયાળી છવાયેલી જોવા મળે છે. ટૂંકમાં, અહીં કુદરતે છૂટે હાથે વેરેલી નૈસર્ગિક સંપત્તિને જોવા, જાણવા અને માણવા માટે પ્રવાસીઓ આકર્ષાય છે. આમ પ્રવાસન એ અહીંનો અગત્યનો ઉદ્યોગ બની રહેલો છે. પર્યટકો માટે અહીં ઘણી સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે. 1990માં અહીં લગભગ 1.58 લાખ પ્રવાસીઓ આવ્યા હતા.
અહીં લગભગ બધે જ સડકમાર્ગો બાંધવામાં આવેલા છે અને હવાઈમથક પણ છે. પ્રવાસન ઉપરાંત ખાદ્યપ્રક્રમણ, વીજાણુ-ઉપકરણો, પોશાકો જેવા ઉદ્યોગોનો પણ અહીં વિકાસ થયેલો છે.
લોકો : આ ટાપુદેશના નિવાસીઓ મૂળ આફ્રિકામાંથી લવાયેલા અશ્વેત ગુલામોના વંશજો છે. બ્રિટિશ અને ફ્રેન્ચ વસાહતીઓ તેમને અહીં લઈ આવેલા. આજે અહીં વસવાટ કરતા લોકો મિશ્રજાતિના છે. ખાસ કરીને અહીં યુરોપિયન-નિગ્રો અને કૅરિબ-ઇન્ડિયન લોકોની લગભગ 1.12 લાખ જેટલી વસ્તી છે. 20 % લોકો શહેરી વિસ્તારોમાં અને બાકીના લોકો ગામડાંઓમાં વસે છે.
અંગ્રેજી અહીંની સત્તાવાર ભાષા છે. લોકો અંગ્રેજીનો વધુ ઉપયોગ કરે છે. બીજા ઘણા ફ્રેન્ચ પૅટોઇસ ભાષા પણ બોલે છે. અહીં શિક્ષણનું પ્રમાણ 85 % જેટલું છે. કિંગ્સટાઉન પાટનગર છે તેમજ દેશનું મુખ્ય શહેર તથા બંદર પણ છે. તેની વસ્તી 22,000 જેટલી છે.
સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનૅડાઇન્સ પૉર્ટ એલિઝાબેથ
અહીંના મોટાભાગના લોકો કૉંક્રીટના, નળિયાનાં છાપરાંવાળાં ઘરોમાં કે લાકડાનાં ઘરોમાં વસે છે. તેમનો મુખ્ય ખોરાક ચોખા, કેળાં અને માછલી છે, વિશેષ જમણમાં તેઓ શેકેલી ફ્રૂટબ્રેડ અને તળેલી માછલી વધુ પસંદ કરે છે.
વહીવટ : સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનૅડાઇન્સ એ બંધારણીય રાજાશાહીનો દેશ છે. તે બ્રિટિશ કૉમનવેલ્થનું સભ્ય છે. પ્રધાનમંડળની સહાયથી વડાપ્રધાન દેશનો વહીવટ સંભાળે છે. અહીં 15 પ્રતિનિધિઓ અને 6 સેનેટરોથી બનેલી એકગૃહીય સંસદ દેશના કાયદા ઘડે છે. દેશના લોકો સંસદને ચૂંટી કાઢે છે. સંસદમાં બહુમતીવાળા પક્ષનો નેતા વડોપ્રધાન બને છે. બ્રિટિશ હકૂમત તરફથી નિયુક્ત ગવર્નર અહીં મુકાય છે. સેનેટરોની નિયુક્તિ ગવર્નર દ્વારા કરવામાં આવે છે.
ઇતિહાસ : અગાઉના સમયમાં અહીં આરાવાક ઇન્ડિયનો રહેતા હતા. 1300ના અરસામાં દક્ષિણ અમેરિકાના કૅરિબ-ઇન્ડિયનોએ અહીં વસતા સ્થાનિકોને હરાવીને આ ટાપુ જીતી લીધેલો. અહીંના ટાપુઓ માટે કૅરિબ લોકો, અંગ્રેજો અને ફ્રેન્ચ લોકો 1783 સુધી એકમેક સાથે લડતા રહેલા. 1783માં છેવટે બ્રિટને તે જીતી લીધું. કબજો મેળવતી વખતે થયેલા સંઘર્ષો દરમિયાન અંગ્રેજો અને ફ્રેન્ચો આ ટાપુ પરની ખેતી માટે આફ્રિકામાંથી ગુલામો લઈ આવેલા. 19મી સદીમાં ગુલામીની પ્રથા રદ થવાથી આ ગુલામોને મુક્ત કરી દેવાયેલા.
20મી સદી દરમિયાન, આ ટાપુદેશના સ્થાનિક લોકો બ્રિટન પાસેથી ક્રમશ: વધુ ને વધુ સત્તા મેળવતા ગયેલા. 1979ના ઑક્ટોબરની 22મી તારીખે આ ટાપુદેશને સ્વતંત્રતા મળી. 1979ના ડિસેમ્બરમાં વધુ સત્તા હાંસલ કરવા પોલીસો તરફથી બળવો થયેલો. 1983માં આ ટાપુઓ તેમજ કૅરિબિયન રાષ્ટ્રો પૈકીનાં ઘણાં રાષ્ટ્રો યુ.એસ.ના ગ્રેનેડા પરની માર્ક્સિસ્ટ સરકારને ઉથલાવવા માટેના આક્રમણમાં જોડાયેલાં અને મદદ કરેલી.
બિજલ શં. પરમાર