સેન્ટ વિન્સેન્ટ અખાત : દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યના અગ્નિકાંઠા પર આવેલો હિન્દી મહાસાગરનો ત્રિકોણીય ફાંટો. ભૌગોલિક સ્થાન : 35° 00´ દ. અ. અને 138° 05´ પૂ. રે.. તે ઑસ્ટ્રેલિયાની મુખ્ય ભૂમિ અને યૉર્કની ભૂશિર વચ્ચે પથરાયેલો છે. તેની લંબાઈ 145 કિમી. અને પહોળાઈ 72 કિમી. છે. હિન્દી મહાસાગર સાથે તેનું નૈર્ઋત્ય તરફનું જોડાણ ઇન્વેસ્ટર સામુદ્રધુની દ્વારા થયેલું છે. તેની દક્ષિણે કાંગારુ ટાપુ આવેલો છે. એડિલેડ નજીક ગાઉલર, ટૉરેન્સ અને ઑન્કાપારિંગા નદીઓ તેમાં ઠલવાય છે. તેનો કંઠાર ભાગ નીચો અને રેતાળ છે. અખાતનાં જળની ક્ષારતા વધુ છે. અહીં ગરમ આબોહવા પ્રવર્તતી હોવાથી તેનાં જળનું બાષ્પીભવન વિશેષ થાય છે; પરિણામે અહીંના પૂર્વ કાંઠા પર મીઠાનો ઉદ્યોગ એડિલેડ બંદર નજીક ડ્રાય ક્રીક ખાતે વિકસ્યો છે.
1802માં અંગ્રેજ સાહસિક મૅથ્યુ ફ્લાઇન્ડર્સે આ અખાતની તપાસ આદરેલી અને સેન્ટ વિન્સેન્ટના અર્લ ઍડમિરલ જ્હૉન જરવિસના માનમાં સેન્ટ વિન્સેન્ટ નામ અપાયું છે. આ અખાતની પૂર્વ બાજુ તરફ દક્ષિણ ઑસ્ટ્રેલિયાનું મુખ્ય બંદર એડિલેડ આવેલું છે.
ગિરીશભાઈ પંડ્યા