સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કટક
January, 2008
સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કટક : ઈ. સ. 1942માં બંગાળ પ્રાંત(હાલનો બાંગલાદેશ અને ભારતનું પશ્ચિમ બંગાળ)માં એપિફોઇટોટિક બ્રાઉન સચોટ નામના ચોખાના કૃષિરોગને કારણે ચોખાની તીવ્ર અછત ઊભી થઈ હતી. આવી દુ:ખદાયક પરિસ્થિતિને પહોંચી વળવામાં તંત્રની નિષ્ફળતા 1943માં બંગાળમાં તીવ્ર દુષ્કાળમાં પરિણમી. આ પશ્ર્ચાદભૂના અનુસંધાનમાં કેન્દ્ર સરકારે ઈ. સ. 1944માં ચોખાના પાકનું સંશોધન વધારવાનું નક્કી કર્યું. પરિણામે કેન્દ્રીય ચોખા સંશોધન સંસ્થાની સ્થાપના 22 એપ્રિલ 1946માં બિદ્યાધરપુર, કટક(ઓરિસા)માં થઈ. ઓરિસા સરકારે પ્રાયોગિક ખેતી માટે 60 હેક્ટર જમીન આપી. પ્રખ્યાત ચોખા સંશોધક ડૉ. કે. રામીઆહ તેના સ્થાપક અધિકારી હતા. કાળક્રમે 1966માં આ સંસ્થાનો વહીવટી અંકુશ ભારતીય ખેતીસંશોધન પરિષદને અપાયો. આ સંસ્થાનાં બે સંશોધન-મથકો ઝારખંડના હજારીબાગ અને આરકામનાં છે. આ સંસ્થાના નેજા હેઠળ બે કૃષિવિજ્ઞાનકેન્દ્રો પણ ડીડીજીના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે. આ કૃષિવિજ્ઞાનકેન્દ્રો સાંથલપુરકટક અને જયનગર (કોડર્મા) ખાતે કાર્યરત છે. સંસ્થાએ તેની સ્થાપનાનાં 25 વર્ષમાં ભારતને ફક્ત અનાજના પુરવઠામાં આત્મનિર્ભર બનાવવામાં જ નહીં, પરંતુ તેને હાલમાં વિશ્વના બીજા નંબરના સૌથી મોટા ચોખા નિકાસકાર દેશ તરીકે નામના અપાવવામાંય મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
આ સંસ્થાનું ધ્યેય ચોખા-ઉત્પાદક ખેડૂતોનું જીવનધોરણ અને તેમની આવક વધારવાનું છે.
સંસ્થાના હેતુઓ આ પ્રમાણે છે : વિવિધ પારિસ્થિતિક તંત્ર(ecosystem)માં ચોખાનું ઉત્પાદન સ્થિર રાખવા તથા વધારવા માટે પાકના સુધારા તથા સંચાલન સંદર્ભે પ્રાથમિક અને સર્વને માટે આવકાર્ય રહે એવું સંશોધન કરવું, માથાદીઠ પ્રાપ્ય જમીનના ઘટાડાને ધ્યાનમાં રાખીને ચોખાનું ઉત્પાદન વધારવું અને જાળવી રાખવું તેમજ દરેક પારિસ્થિતિક તંત્રમાં ચોખા અને તેના પર આધારિત કૃષિપ્રક્રિયા માટે જરૂરી તકનીકો અંગે સંશોધન કરવું. દેશનાં જુદાં જુદાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક સંશોધનકેન્દ્રોમાં ચોખાના બીજનો સંગ્રહ, મૂલ્યાંકન તથા સાચવણી કરવા ઉપરાંત સુધારેલ બીજનું વિતરણ કરવું; ખેતીની વિવિધ પરિસ્થિતિ પ્રમાણે ઊધઈ નિયંત્રણ તથા પોષણને લગતી સંકલિત તકનીકોનો વિકાસ કરવો; દેશમાં ચોખાની ખેતી માટેના પર્યાવરણનું વર્ગીકરણ કરી વિવિધ કૃષિ-પર્યાવરણીય સ્થિતિ અંતર્ગત ચોખાના ઉત્પાદનના ભૌતિક, જૈવિક, સામાજિક, આર્થિક તથા સંસ્થાકીય મર્યાદાઓનો અંદાજ મેળવી તે અંગેના ઘટિત ઉપાયો શોધવા; દેશમાં ચોખાની ઉત્પાદનક્ષમતા તથા ફાયદાને ધ્યાનમાં રાખી ચોખાની તથા કૃષિઉત્પાદનને લગતી બાબતોનો પર્યાવરણીય માહિતી-સંગ્રહ તૈયાર કરવો; ચોખાના સુધારેલ ઉત્પાદન માટે ચોખાને લગતા પાક અને ખેતીની પદ્ધતિ વિશે સંશોધનકર્તા, તાલીમાર્થી તથા વિસ્તરણ કાર્યકરોને તાલીમ આપવી; દેશમાં ચોખાને લગતા પાકની, ખેતીની પદ્ધતિની તથા દરેક બાબતની માહિતીના સંગ્રહની જાળવણી કરવી.
હર્ષદભાઈ દેસાઈ