સેન્ટ્રલ મિકૅનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દુર્ગાપુર
January, 2008
સેન્ટ્રલ મિકૅનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દુર્ગાપુર : વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ(Council of Scientific & Industrial Research, C.S.I.R.)ના નેજા હેઠળ ફેબ્રુઆરી 1958માં સ્થપાયેલ કેન્દ્રીય યાંત્રિક ઇજનેરી સંશોધન સંસ્થા. ઇજનેરી ક્ષેત્રો પૈકી યાંત્રિક ઇજનેરી એ આયાત કરાતી તકનીકોનો ત્રીજો ભાગ રોકી લે છે. આ ક્ષેત્રમાં સ્વનિર્ભરતા તથા સમજૂતી કેળવવાના હેતુસર આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. સ્વતંત્ર ભારતના ઇજનેરી ક્ષેત્રના વિકાસનું તે આગવું સોપાન છે.
આ સંસ્થા યાંત્રિક ઇજનેરીના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરના એક અલાયદા સંશોધન કેન્દ્ર તરીકે ઔદ્યોગિક વિકાસમાં સંશોધન આધારિત આધુનિક તકનીકો પૂરી પાડવા સાથે દેશનું તકનીકી તથા આર્થિક પરાવલંબન દૂર કરી દેશને સ્વનિર્ભર બનાવવાના ઉદ્દેશથી કાર્યરત છે, તદુપરાંત ભારતીય ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારમાં વૈશ્ર્વિક સ્પર્ધાત્મક ધોરણો સફળતાથી પાર કરી શકે તે માટે સંસ્થા નિરંતર નવાં નવાં સંશોધનોમાં કાર્યરત રહે છે. નવી સહસ્રાબ્દીમાં તેણે પોતાના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરીને તકનીકી વિકાસના ઘણા આયામોને દેશની વૈજ્ઞાનિક ક્રાંતિમાં સમાવિષ્ટ કરેલ છે.
સંસ્થાનું ધ્યેય વિવિધ ઉત્પાદનો, ઉત્પાદન-પ્રક્રિયાઓ તથા નવા સ્વનિર્ભર તકનીકી વિકલ્પો અંગે સંશોધનો, તાલીમ અને અભ્યાસ અર્થે તાંત્રિક ઇજનેરી ઉદ્યોગોને આવશ્યક માહિતી પૂરી પાડવાનું, સર્વોત્તમ સંશોધન તથા વિકાસ માટેની તાંત્રિક ઇજનેરી સંસ્થા તરીકે દેશના ગ્રાહકોની તથા સામાજિક વિકાસની આવશ્યકતાઓ સંતોષવાનું તથા તકનીકી સેવાઓની ગુણવત્તા, નિભાવ, નિકાસ તથા તેમના ખર્ચ પરત્વે ગ્રાહકોને સંતોષ ને ન્યાય આપવાનું છે. સંસ્થાએ પૂર્ણ કરેલા પ્રોજેક્ટોમાં સ્વરાજ ટ્રૅક્ટર, સોનાલિકા ટ્રૅક્ટર, ઓછા હોર્સ-પાવરનું ટ્રૅક્ટર, સુદૂર સંચાલિત વાહનો (remotely operated vehicles), ચાનાં પાંદડાં ચૂંટવાનું યંત્ર, એ.ડી.આઇ. ક્રેન્કશાફ્ટ, કાજુ અને સૂર્યમુખી માટેનું ડિકોર્ટિકેટર.
શેરડીની કાપણી કરવાનું યંત્ર, તેલીબિયાં માટેનું તરલીકૃત સ્તરશુષ્કક (fluidized bed-drier), કેલેન્ડર-સીલિંગ મશીન, ચામડાને ટાંકા લેવા માટેનું યંત્ર, પૅડલ-પંપ તથા 10 ટન પ્રતિ દિવસના ઑઇલ એક્સપેલરનો સમાવેશ થાય છે.
દેશમાં ઠેકઠેકાણે વ્યાપ્ત હજારો લઘુ તથા મધ્યમ કદના ઔદ્યોગિક એકમોને દૈનિક તકનીકી સહાય પૂરી પાડવા માટે સંચાલકીય સરળતા રહે તથા ત્વરિત નિર્ણયો મળે તે હેતુસર સેન્ટર ફૉર મિકૅનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગમાં યંત્રવિદ્યા સંશોધન અને વિકાસ સંસ્થાનની લુધિયાણા ખાતે સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાનું મુખ્ય કાર્યક્ષેત્ર લઘુ તથા મધ્યમ કદના ઔદ્યોગિક એકમો છે. લઘુ તથા મધ્યમ કક્ષાના ઉદ્યોગોની દૈનિક તકનીકી જરૂરિયાત પૂર્ણ કરવાના હેતુસર આ સંસ્થાનાં વિવિધ પ્રાદેશિક કેન્દ્રો સ્થાપવામાં આવેલ છે.
હર્ષદભાઈ દેસાઈ