સેન્ટ્રલ માઇનિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન ધનબાદ
January, 2008
સેન્ટ્રલ માઇનિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન, ધનબાદ : ભારત સરકારની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદે સ્થાપેલ રાષ્ટ્રીય પ્રયોગશાળાઓમાંની એક. આ સંસ્થાની સ્થાપના 10મી મે, 1956માં કરવામાં આવી. આ સંસ્થામાં ખનનપ્રક્રિયાને સલામત, ઉત્પાદકીય, સસ્તી, બિનપ્રદૂષક તેમજ પર્યાવરણસંગત બનાવવા આવશ્યક સંશોધનનાં તથા વિકાસનાં કાર્યો હાથ ધરવામાં આવે છે. આ સંસ્થાનું મુખ્ય કાર્ય ખનિજ-સંલગ્ન ઔદ્યોગિક એકમોને વૈજ્ઞાનિક અને તકનીકી જાણકારી પૂરી પાડવાનું છે.
ભારત સરકારે વૈશ્ર્વિક આર્થિક ઉદારીકરણ અને ખુલ્લી બજારનીતિ અપનાવ્યા બાદ આ સંસ્થાની પ્રવૃત્તિઓમાં ધરખમ સુધારો થયો છે. આ સંસ્થા દ્વારા સંશોધન અને વિકાસકાર્યમાં નવી ઊભરતી તકનીકો જેવી કે કમ્પ્યૂટરનો ઉપયોગ તેમજ ખનનક્ષેત્રે અકસ્માત-પ્રબંધન અને પર્યાવરણ-પ્રબંધન જેવાં પાસાંઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંસ્થાએ ખનનની સાથે સાથે તેની પ્રવૃત્તિઓને ભૂસ્તરીય અવકાશ તકનીક, જલવિદ્યુત-પરિયોજના, બંધ અને સુરંગના નિર્માણકાર્ય માટેના તકનીકી વિકાસ સુધી વિસ્તારી છે.
હર્ષદભાઈ દેસાઈ