સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CDRI) લખનૌ
January, 2008
સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CDRI), લખનૌ : ભારતમાં ઔષધક્ષેત્રે પાયારૂપ તેમજ પ્રયુક્ત સંશોધન અને વિકાસ માટેની અગ્રણી સંસ્થા. કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) (ન્યૂ દિલ્હી)ના નેજા હેઠળ સ્થપાયેલી વિવિધ પ્રયોગશાળાઓ પૈકીની આ એક છે. તેના પ્રારંભિક આયોજનનું માન બ્રિટિશ વૈજ્ઞાનિક ઍડવર્ડ મેલાન્બીને ફાળે જાય છે (નવેમ્બર 1950-જુલાઈ 1951). CDRIનું વિધિવત્ ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કર્યું હતું. તેનો રચનાત્મક વિકાસ કર્યો ભારતીય નિયામક (જુલાઈ 1951-માર્ચ 1963) ડૉ. બી. મુખરજીએ. તે સમયે સંસ્થા માટે નવું મકાન બાંધવાનું શક્ય ન હોવાથી મુસ્લિમ, ફ્રેંચ અને ઇટાલિયન સ્થાપત્યકળાના સંગમરૂપ ઐતિહાસિક છત્તર મંજિલ પૅલેસની પસંદગી કરવામાં આવી હતી. સાત માળના આ રાજમહેલનો નાનો ભાગ ફ્રેન્ચ જનરલ ક્લોડી માર્ટિને જ્યારે મોટો ભાગ તે સમયના રાજ્યકર્તા અવધના નવાબે 19મી સદીની શરૂઆતમાં બંધાવ્યો હતો. ભારત સ્વતંત્ર થયા બાદ શ્રી નહેરુના કહેવાથી તે 1949માં CSIRને સોંપવામાં આવ્યો હતો, જેથી ત્યાં CDIRને ગોઠવી શકાય.
સંસ્થાનાં કાર્યક્ષેત્રોમાં નીચેનાંનો સમાવેશ થાય છે : નવાં ઔષધો તથા નિદાનવિષયક સાધનો(diagnostics)નો વિકાસ; રોગની કાર્યપદ્ધતિઓ અને જનનાત્મક (reproductive) શરીરક્રિયાવિજ્ઞાન-(physiology)ને લગતો કોષીય (cellular) તથા આણ્વીય અભ્યાસ; કુટુંબનિયોજનનાં સાધનો તથા ગર્ભનિરોધક ઔષધોનો વિકાસ; કુદરતી પદાર્થોના ઔષધીય ગુણધર્મોનો પદ્ધતિસરનો અભ્યાસ અને મૂલ્યાંકન; ઔષધો, મધ્યવર્તી પદાર્થો અને જૈવિક દ્રવ્યો (biologicals) માટેની પદ્ધતિઓનો વિકાસ; ઔષધ-સંશોધન, વિકાસ અને ઉત્પાદન-ક્ષેત્રે માહિતીનું આદાનપ્રદાન અને સલાહસૂચના તથા તકનીકી માનવશક્તિનો વિકાસ.
સંસ્થાની પ્રયોગશાળામાં 17 સંશોધન અને વિકાસને લગતા વિભાગો છે; જેમાં જૈવરસાયણ, વનસ્પતિશાસ્ત્ર, રાસાયણિક ટૅક્નૉલૉજી, ચિકિત્સકીય (clinical) અને પ્રાયોગિક તબીબીવિજ્ઞાન (medicine), અંત:સ્રાવિકી (endocrinology); આથવણ ટૅક્નૉલૉજી, ઔષધીય (medicinal) રસાયણશાસ્ત્ર; તબીબી (medical) ક્વકવિજ્ઞાન (mycology), આણ્વીય અને સંરચનાકીય (structural) જીવવિજ્ઞાન, સૂક્ષ્મજીવવિજ્ઞાન, પરજીવી વિજ્ઞાન (parasitology), ઔષધ-ગતિશાસ્ત્ર, ફાર્માકોકાઇનેટિક્સ (pharma-cokinetics), ચયાપચય (metabolism), ઔષધગુણવિજ્ઞાન (pharmacology), શરીરક્રિયાવિજ્ઞાન (physiology), આવિષાળુતા-વિજ્ઞાન (toxicology) જેવા વિષયોનો સમાવેશ થાય છે.
તેની રાષ્ટ્રીય સુવિધાઓ(facilities)માં નૅશનલ લૅબોરેટરી ઍનિમલ સેન્ટર, રિજિયૉનલ સૉફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેન્ટર તથા નૅશનલ ઇન્ફર્મેશન સેન્ટર ફૉર ડ્રગ્ઝ ઍન્ડ ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે લખનૌ ખાતે બે માહિતીમથકો તેમજ મુંબઈ ખાતે શેઠ જી. એસ. મેડિકલ કૉલેજમાં CDRI ક્લિનિકલ ફાર્મેકૉલૉજીનો એકમ પણ ધરાવે છે.
અહીં કાર્ય કરી રહેલા સંશોધકોએ કુદરતી પદાર્થો અને સંશ્લેષિત રસાયણવિજ્ઞાન, QSAR, સંયોગમૂલક (combinatorial) રસાયણવિજ્ઞાન, આણ્વીય તથા કોષીય જીવવિજ્ઞાન, સંરચનાકીય જીવવિજ્ઞાન વગેરે ઉપરનાં સંશોધનો દ્વારા નવી આણ્વીય સંરચનાઓ; વિવિક્તિકર નિરીક્ષણ (screening) લક્ષ્યો; પ્રક્રિયાઓની કાર્યવિધિ (mechanism of action); યજમાન-પરોપજીવી સંબંધ; રોગની આણ્વિક પૅથોફિઝિયૉલૉજી; કોષ તથા પેશીની રચના; મૂલ્યાંકન અને કાર્ય; નવા સંશ્લેષિત અણુઓ તથા પદાર્થોની સંરચના તથા ક્રિયાશીલતા વચ્ચેના સંબંધો પર પ્રકાશ પાડ્યો છે.
CDRI દ્વારા અત્યાર સુધીમાં 5600 જેટલાં સંશોધનપત્રો વિવિધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સામયિકોમાં પ્રસિદ્ધ થયાં છે, જ્યારે 425 જેટલી પેટન્ટો (380 ભારતમાં અને 45 વિદેશોમાં) ફાઇલ કરાઈ છે.
ત્રણ ક્ષેત્રોમાં સંસ્થાનું પ્રદાન નોંધપાત્ર છે : ગર્ભનિરોધ, મધ્યસ્થ ચેતાતંત્ર સીવીએસના રોગો તથા મલેરિયા. ગર્ભનિરોધ અંગેના પ્રોજેક્ટમાં નીચેનાંએ નોંધપાત્ર સફળતા મેળવી છે :
સેન્ટક્રોમાન (પ્રથમ બિનસ્ટીરોઇડલ મુખમાર્ગી ગર્ભનિરોધક), આઇસાપ્ટેન્ટ (ગર્ભાશયમાં ગોઠવવાનું ચિકિત્સા-સાધન), કૉન્સેપ (ગર્ભનિરોધક સાધન વાપરતાં પહેલાં લગાવવાનું, વીર્યજંતુઓને મારી નાખતું ક્રીમ) ઉપરાંત વીર્યજંતુઓને મારી નાખવાની શક્તિ ધરાવતા અને એચ.આઇ.વી. પ્રતિરોધક શક્તિ ધરાવતા તદ્દન નવા રાસાયણિક પદાર્થો (લીડ મૉલેક્યુલ્સ) પણ તૈયાર કરવામાં આવ્યા છે.
સંસ્થા દ્વારા પ્રયોગશાળામાં સંશ્લેષિત તથા વાનસ્પતિક સ્રોતજન્ય એવાં સેન્ટલ્યુકીડીન (સ્થાનિક નિશ્ર્ચેતક), સેન્ટલ્યુટીન્ડોલ (ન્યુરોલેપ્ટિક), સેન્ટપ્રોપેઝીન (એન્ટિડિપ્રેસન્ટ), ચેન્ડોનિયમ આયોડાઇડ (ન્યુરોમસ્ક્યુલર એજન્ટ), ગુગુલિપિડ (હાયપોલિપિડેમિક), આદર્શ હર્બલ મેમરી એન્હેન્સિંગ રેમેડી જેવાં ઔષધો બજારમાં મૂકવામાં આવ્યાં છે જ્યારે પ્રીકોલીવ (હિપેરોપ્રોટેક્ટિવ) વિકાસ હેઠળ છે.
મલેરિયાને કાબૂમાં લેવા સંસ્થાએ આર્ટેઇથર તથા બુલાક્વિન જેવાં ઔષધો વિકસાવ્યાં છે.
યોગેન્દ્ર કૃ. જાની