સેન્ટ્રલ ડિઝાઇન ઑર્ગેનાઇઝેશન ગાંધીનગર (મધ્યસ્થ આલેખન તંત્ર – C.D.O.)
January, 2008
સેન્ટ્રલ ડિઝાઇન ઑર્ગેનાઇઝેશન, ગાંધીનગર (મધ્યસ્થ આલેખન તંત્ર – C.D.O.) : મોટી અને મધ્યમ કક્ષા(કદ)ની બહુહેતુક જળસંપત્તિ યોજનાઓના બાંધકામમાં યોજના-અહેવાલ, વિગતવાર નકશા અને આલેખન (ડિઝાઇન) તૈયાર કરતી તેમજ તેને આખરી સ્વરૂપ આપવાને લગતી કામગીરી કરતી સંસ્થા. આ સંસ્થા ગાંધીનગર ખાતે આવેલી છે. બહુહેતુક યોજનાઓનું બાંધકામ અને જાળવણીની કામગીરી સંભાળતા ક્ષેત્રીય અધિકારીઓ વિવિધ પાસાં માટેની પરામર્શ-સેવાઓ પણ ઉપલબ્ધ કરે છે.
મધ્યસ્થ આલેખન તંત્રમાં કુલ ત્રણ અધીક્ષક ઇજનેરો કાર્યરત રહી જવાબદારી સંભાળે છે : (1) અધીક્ષક ઇજનેર, મધ્યસ્થ આલેખન તંત્ર; (2) અધીક્ષક ઇજનેર, જળશાસ્ત્ર વિભાગ અને (3) અધીક્ષક ઇજનેર, ભૂસ્તરશાસ્ત્ર વિભાગ. આ તંત્ર હેઠળ વિવિધ તાંત્રિક કાર્યો માટે 15 એકમો કાર્યપાલક ઇજનેરોના માર્ગદર્શન હેઠળ કામ કરે છે. પ્રવર્તમાન સંજોગો હેઠળ આ તંત્ર સરદાર સરોવર પરિયોજના જળસંપત્તિ અને પાણીપુરવઠા વિભાગની કરોડરજ્જુ સમાન બની રહેલું છે.
ગુજરાત રાજ્યની મોટી અને મધ્યમ કક્ષાની બહુહેતુક યોજનાઓ તથા 500 હેક્ટરથી વધુ સિંચાઈક્ષમતા ધરાવતી નાની કક્ષાની જળસંપત્તિ-યોજનાઓ માટે પ્રાથમિક અહેવાલની ચકાસણી, લે-આઉટની ચકાસણી, ચણતરના અને માટીના બંધ, વિયર/બૅરેજ તેમજ તેના આનુષંગિક ભાગોના તથા દરવાજા અને ગેન્ટ્રી-ક્રેનને લગતા નકશા અને આલેખનનું કામ, બંધમાં મૂકવામાં આવતાં ઉપકરણોના અવલોકનનું વિશ્લેષણ અને પૃથક્કરણ, પૂરની ફેરગણતરીને આધારે યોજનાઓના આનુષંગિક ભાગોનું ફેરઆલેખન, બંધોનાં બાંધકામ તેમજ કાર્યરત યોજનામાં ઉદભવેલ પ્રશ્નોનું તેમજ પૂરના નુકસાનને કારણે ઉદભવેલ પ્રશ્નોનું નિરાકરણ તથા ક્ષેત્રીય અધિકારીઓને માર્ગદર્શન આપવાની કામગીરી તેમજ ક્ષારતાપ્રવેશ નિયંત્રણ યોજનાઓ અંગેની કામગીરી આ તંત્ર સંભાળે છે.
મોટી અને મધ્યમ કક્ષાની સિંચાઈ-યોજનાઓની નહેરો પર સી.ડી. વકર્સ; જેવાં કે એક્વિડક્ટ, સાઇફન-પુલો, પૂરનિયંત્રકો, માટિયાર બંધના હેડ રેગ્યુલેટર્સ, મરામતનાં કામો વગેરેની ડિઝાઇનની ચકાસણી કરી મંજૂર કરવા, સી. ડી. વકર્સને લગતા ડ્રાફ્ટ આઇ. એસ. કોડ વગેરેની ચકાસણી કરવી, રાજ્યની સિંચાઈ-યોજનાઓમાંથી તથા કૅનાલ ફૉલ્સમાંથી જળવિદ્યુત ઉત્પન્ન કરવા અંગેની ક્ષેત્રીય અધિકારીઓએ તૈયાર કરેલ દરખાસ્ત તથા તેનાં આલેખન મંજૂર કરવાં તેમજ સિંચાઈ-બંધોને લગતા વિદ્યુતીકરણનાં કામોનું આલેખન અને અંદાજની ચકાસણી કરવી વગેરે જેવી જવાબદારીઓ પણ આ તંત્ર સંભાળે છે.
પૂર્ણ થયેલ અને ચાલુ જળવિદ્યુત યોજનાઓની કામગીરીમાં જી.ઈ.બી., સી.ઈ.એ. અને આઇ.એમ.ઈ.ડી. જેવી સંલગ્ન સંસ્થાઓ સાથે પરામર્શ કરી પૂર્ણ કરવાની કામગીરી પણ હાથ પર લે છે.
રાજ્યની ચાલુ તેમજ નવી વિશ્વબૅંક સહાયવાળી તેમજ સહાય વગરની સિંચાઈ-યોજનાઓનું દેખરેખ અને નિયંત્રણ કરવાનું કામ તથા કાર્યક્રમ પ્રમાણે કામની પ્રગતિ ન થઈ શકી હોય તો તેનાં કારણો, નકશા, અંદાજ, જમીન-સંપાદન, ટેન્ડર તેમજ ખર્ચની માહિતી વગેરેના ‘પર્ટચાર્ટ’ (પર્ટ = Performance evaluation review technics) તૈયાર કરવાનું કામ અને ચોક્કસ યોજનાઓ સાથેનો ત્રિમાસિક અહેવાલ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવાનું કામ આ તંત્ર કરે છે. તંત્ર હેઠળ કામ કરતા ‘પર્ટસેલ’ નવી યોજનાઓના ‘પર્ટચાર્ટ’ ક્ષેત્રીય અધિકારીઓ દ્વારા તૈયાર કરાવી મંજૂર કરે છે. આ ઉપરાંત તંત્રમાં વિશ્વબૅંક પુરસ્કૃત ડૅમ સેફ્ટી રિવ્યૂ પૅનલ, ડૅમ સેફ્ટી ઑર્ગેનાઇઝેશન, ભારતીય માનક સંસ્થા, પી.ડબ્લ્યૂ.ડી. હૅન્ડબુકનું રીવિઝન, ઑપરેશન ઍન્ડ મેન્ટનન્સ મૅન્યુઅલ હાઇડ્રોપ્લસ….. વગેરેને લગતી પ્રકીર્ણ કામગીરી પણ કરવામાં આવે છે.
જયંતિ વિ. ભટ્ટ