સેન્ટ્રલ ટૉબેકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાજમુન્દ્રી
January, 2008
સેન્ટ્રલ ટૉબેકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રાજમુન્દ્રી : તમાકુના સંશોધનક્ષેત્રે કામ કરતી એશિયામાંની સૌથી મોટી સંસ્થા. તમાકુ પકવતા ટોચના 10 દેશોમાં ભારત દાયકાઓથી દ્વિતીય ક્રમે છે અને દશ વર્ષે એક હજાર કરોડનું હૂંડિયામણ આપે છે. આશરે વીસ લાખ લોકો તમાકુ અને સિગારેટના ઉત્પાદન-ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. બીડી-ઉદ્યોગ ગામડાના સાઠ લાખ લોકોને, મોટે ભાગે સ્ત્રીઓ અને આદિવાસીઓને, રોજગારી પૂરી પાડે છે. એ ઉપરાંત તમાકુનાં ઉત્પાદનો સાથે સંકળાયેલા અન્ય લોકોની સંખ્યા હજારોમાં છે.
તમાકુના ઉત્પાદનક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવને ધ્યાનમાં રાખીને ભારતીય કેન્દ્રીય તમાકુ સમિતિએ 1947માં કેન્દ્રીય તમાકુ સંશોધન કેન્દ્રની રાજમુન્દ્રી(આંધ્રપ્રદેશ)માં સ્થાપના કરી. આ સંસ્થા 1947થી 1965 સુધી ભારતીય કેન્દ્રીય તમાકુ સમિતિ, ચેન્નાઈના વહીવટી અંકુશ હેઠળ હતી. પછી કાળક્રમે એને ભારતીય કૃષિ-સંશોધન પરિષદ, નવી દિલ્હીના નેજા હેઠળ તબદીલ કરવામાં આવી.
આ સંસ્થાનાં પ્રાદેશિક પેટાકેન્દ્રો ગુંટુર, કાન્ડુકુર, જીલુગુમીલી, જેઠાન્ગી (આંધ્રપ્રદેશ), વેડાસુંદર (તામિલનાડુ), હુન્સુર (કર્ણાટક), પુસા (બિહાર) અને દિનહટા (પ. બંગાળ) ખાતે કાર્યરત છે. આ સંસ્થાનું મુખ્ય ધ્યેય એફસી, નાટુ, ચાવવાની લંકા, બર્લી, એચડીબીઆરજી, હુંકા વગેરે જુદી જુદી જાતની તમાકુની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરવાનું છે; જ્યારે પ્રાદેશિક સંશોધનકેન્દ્રોનું કામ જુદી જુદી જાતની તમાકુની ખેતીને લગતા વિવિધ પ્રશ્નોના ઉકેલ લાવવાનું છે.
આ સંસ્થા હાલમાં રાજમુન્દ્રી (આંધ્રપ્રદેશ) ખાતે અત્યંત આધુનિક સાધનો સાથે આ ક્ષેત્રે ધૂમ્રાદિ અનેક બાબતોનાં સંશોધનોમાં પ્રવૃત્ત છે. દેશમાં તમાકુક્ષેત્રે વિકાસ માટે હાલમાં આ સંસ્થામાં 54 વૈજ્ઞાનિકો, 179 તકનીકી કર્મચારીઓ અને 300 જેટલા વહીવટી અને બીજા કર્મચારીઓ કાર્યરત છે.
છેલ્લાં 50 વર્ષોમાં આ સંસ્થાએ કરેલ સંશોધનોએ દેશના લાખો તમાકુ પકવતા ખેડૂતોને લાભાન્વિત કર્યા છે.
હર્ષદભાઈ દેસાઈ