સેન્ટ્રલ જ્યૂટ ઍન્ડ એલાઇડ ફાઇબર ટૅક્નૉલૉજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતા
January, 2008
સેન્ટ્રલ જ્યૂટ ઍન્ડ એલાઇડ ફાઇબર ટૅક્નૉલૉજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કોલકાતા : શણ અને સંબંધિત રેસાઓની ટૅક્નૉલૉજીના સંશોધન સાથે સંકળાયેલી અખિલ ભારતીય સંસ્થા. આ સંસ્થાની 1-10-1967ના રોજ ICAR (Indian Council of Agricultural Research) દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ મેસ્ટા, રેમી, કેતકી, શણ અને અળસી(flax)ની સ્થાનિક જાતોનું સંવર્ધન કરી વધુ ઉત્પાદન આપતી, ઝડપી વૃદ્ધિ પામતી, વહેલી પાકતી અને ઊંચી ગુણવત્તા ધરાવતી જાતો તૈયાર કરવાનો અને તેનું મહત્તમ ઉત્પાદન લેવા વૈજ્ઞાનિક કૃષિપદ્ધતિનો વિકાસ કરવાનો છે. છેલ્લાં 10-15 વર્ષમાં ઉપર્યુક્ત વિવિધ પાકોની 12 જેટલી સુધારેલી જાતો આ સંસ્થાએ તૈયાર કરી છે. શણનું ઉત્પાદન 1947માં 11 ક્વિ./હે. હતું; જે વધીને 2005માં 20 ક્વિ./હે. થયેલ છે અને ઉત્પાદનખર્ચમાં 9 % ઘટાડો નોંધાયેલ છે. આ સંસ્થાના વિવિધ વિષયોને અનુલક્ષી તેના હેતુઓ આ પ્રમાણે છે :
1. પાક-સંવર્ધન અને જનીનવિજ્ઞાન :
(1) જનીનિક જથ્થાની જાળવણી અને વિકાસ કરવો તથા પસંદગી પામેલી જાતોનું પરીક્ષણ કરવું.
(2) સંવર્ધન-તકનીક વિકસાવવી, વિવિધતા દાખલ કરવી અને સંવર્ધનસામગ્રીનું મૂલ્યાંકન કરવું.
(3) શુષ્કતારોધી, જલાક્રાન્તિ (waterlogging) સામે પ્રતિકારક અને પ્રકાશ-અસંવેદી જાતોનું સંવર્ધન કરવું.
(4) વિવિધ કૃષિ-આબોહવાકીય વિસ્તારમાં વિવિધ જાતોનું અનુકૂલન ચકાસવું.
(5) શણના પાકમાં થતો કાલવ્રણ (anthracnose), થડનો કોહવારો અને મેસ્ટામાં થતા પ્રકાંડના કોહવારા સામે પ્રતિકારક જાતો વિકસાવવી.
(6) વધુ ફળદ્રૂપતા સામે વિવિધ જાતોની પ્રતિક્રિયાનું પરીક્ષણ કરવું.
(7) શણના સંકર બિયારણનું મોટા પાયે ઉત્પાદન કરવું અને વિભાગીય સંશોધન કેન્દ્રને બિયારણનું વિતરણ કરવું.
સસ્ય-વિજ્ઞાન : (1) વિવિધ રેસાવાળા પાકોની જાત પ્રમાણે યોગ્ય કૃષિપદ્ધતિ, ખાતર, પિયત વગેરે નક્કી કરવું.
(2) શણ અને અન્ય રેસાવાળા પાક સાથે ફેરબદલી માટે યોગ્ય પાક શોધવો.
પાકસંરક્ષણ : રોગો અને જીવાત : (1) રેસાવાળા પાકોને થતા રોગો અને જીવાતોનું સર્વેક્ષણ કરી તેનાથી થતા નુકસાનનું મૂલ્યાંકન કરવું.
(2) મુખ્ય રોગો અને જીવાતોના નિયંત્રણના ઉપાયો શોધવા.
રેસાની તકનીકી : (1) પાકની પરિપક્વતા, રેસા અલગ કરવાની પદ્ધતિઓ, રેસાની ગુણવત્તા અને રેસાના અલગીકરણ ઉપર અસર કરતાં પરિબળોનો અભ્યાસ કરવો.
2. રેસાના અલગીકરણ માટે સુધારેલી પદ્ધતિઓ વિકસાવવી.
અન્ય હેતુઓ : (1) કૃષિ યુનિવર્સિટીઓ અને રાષ્ટ્રીય સંસ્થાના કૃષિવિજ્ઞાનીઓ, મૃદાવિજ્ઞાનીઓ, વનસ્પતિરોગવિજ્ઞાનીઓ અને કીટકવિજ્ઞાનીઓનો સહયોગ લઈ શણ અને અન્ય રેસાવાળા પાકની વહેલી પાકતી, ઝડપી વિકાસ પામતી, સારી ગુણવત્તાવાળા રેસા ધરાવતી, રોગ અને જીવાતનો પ્રતિકાર કરતી અને વધુ ઉત્પાદન આપતી જાતો અંગે સંશોધન હાથ ધરવાં.
(2) વિભાગીય અને રાષ્ટ્રીય કક્ષાએ થયેલા સંશોધનની માહિતી આપવી તેમજ વિવિધ કેન્દ્રોમાં બિયારણ અને જનનરસ(germ-plasm)ના મુક્ત વિનિમયની સુવિધા ઉપલબ્ધ કરવી.
(3) દેશી અને વિદેશી જાતો એકત્રિત કરવી અને તેમનો સંગ્રહ અને તેની જાળવણી કરવી.
(4) નીંદણનાશક દવાઓ આપી યોગ્ય અને અર્થક્ષમ નીંદણ-નિયંત્રણ કરવું.
(5) આર્થિક રીતે પોષણક્ષમ અને અસરકારક પાકની ફેરબદલી વિકસાવવી.
(6) રેસાનું મુલાયમપણું અને મજબૂતાઈના ગુણધર્મોનું પરીક્ષણ કરવું.
(7) જંતુનાશક, ફૂગનાશક અને કૃમિનાશક દવાઓને કારણે ઉત્પાદન અને ભૂમિ ઉપર થતી પ્રદૂષણની ઝેરી અસરોને નિવારવા અસરકારક કૃષિપદ્ધતિઓ વિકસાવવી.
(8) શણ અને અન્ય રેસાઓમાં રોગ અને જીવાતનું જૈવિક નિયંત્રણ કરવા પર્યાવરણ માટે સલામત એવી યોગ્ય વ્યવસ્થા-પદ્ધતિઓ વિકસાવવી.
મહેશ પટેલ