સેનિડિન (Sanidine) : ફેલ્સ્પાર સમકક્ષ ખનિજ. ઑર્થોક્લેઝ ફેલ્સ્પારની વિવિધ જાતો – ઍડ્યુલેરિયા, ચંદ્રમણિ, સૂર્યમણિ, સેનિડિન, ઍવેન્યુરાઇન, મરચિસોનાઇટ – પૈકીનું એક. અવ્યવસ્થિત (disordered) મોનોક્લિનિક ઑર્થોક્લેઝ. KAlSi3O8નું રૂપાંતર. સેનિડિનને કાચમય ફેલ્સ્પાર પણ કહેવાય છે. તેના સ્ફટિકો ક્યારેક પારદર્શક પણ હોય છે. સ્ફટિકો ઘણુંખરું મેજ આકારના, (010) ફલકને સમાંતર, તો ક્યારેક સમચોરસ પ્રિઝમ સ્વરૂપે પણ મળે છે. સેનિડિનમાં કાર્લ્સબાડ યુગ્મતા વધુ સામાન્ય હોય છે. મોટાભાગની જાતોમાં સોડિયમપ્રધાન ઘટક બની રહે છે, તેથી તે સોડા-ઑર્થોક્લેઝમાં મુકાય છે.
તેના પ્રકાશીય અને રચનાત્મક ગુણધર્મો તેમાં મળતી Ab (આલ્બાઇટ) માત્રા અને ઉત્પત્તિ વખતના તાપમાનના સંજોગો મુજબ ચલિત રહે છે. ઉત્પત્તિસ્થિતિના ઊંચા કે નીચા તાપમાન મુજબ તેમાં Al/Si વિતરણ પણ જુદું જુદું રહે છે. આ ફેરફારોના સંદર્ભમાં તેને ઊંચા તાપમાને, મધ્યમ તાપમાને અને નીચા તાપમાને બનેલું હોય એવા ત્રણ પ્રકારોમાં વહેંચેલું છે. સોડિયમમુક્ત સેનિડિન(high sanidine)માં પ્રકાશીય તલ, (010)ને સમાંતર રહે છે અને 2V 60° હોય છે. સેનિડિનના high int low પ્રકારમાં જેમ ફેરફાર થતો જાય તેમ 2V નાનો થતો જાય છે અને 0° થઈને ફરીથી વધે છે. (010) પ્રકાશીય તલમાં Al/Si વધવાની સાથે 2V ઘટે છે, એટલું જ નહિ, Ab (આલ્બાઇટ) પ્રમાણ વધે તોપણ તે ઘટે છે. સેનિડિન આશરે 500° સે. તાપમાનથી ઉપર સંતુલન સંજોગો હેઠળ સ્થાયી રહે છે. સેનિડિન વધુ ઍસિડિક જ્વાળામુખી ખડકો – હ્રાયોલાઇટ, ટ્રેકાઇટ, ફોનોલાઇટ વગેરે-માં જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા