સૅમ્યુલ્સન પૉલ એન્થની
January, 2008
સૅમ્યુલ્સન, પૉલ એન્થની (જ. 15 મે 1915, ગૅરી, ઇન્ડિયાના, અમેરિકા) : વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવતા અમેરિકન અર્થશાસ્ત્રી અને 1970ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવનાર તેઓ વિશ્વમાં બીજા અને અમેરિકાના પ્રથમ અર્થશાસ્ત્રી હતા. શિકાગો યુનિવર્સિટીમાંથી 1935માં બી.એ. અને 1937માં એમ.એ.ની પદવી અર્થશાસ્ત્ર વિષય
પૉલ એન્થની સૅમ્યુલ્સન
સાથે પ્રાપ્ત કર્યા પછી 1941માં અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી. તે દરમિયાન 1940માં તેમની નિમણૂક મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી (MIT) – ખાતે પ્રોફેસરના પદ પર થઈ હતી, જ્યાં તેમણે દીર્ઘકાળ પર્યંત અર્થશાસ્ત્રનું અધ્યાપનકાર્ય કર્યું. સાથોસાથ બીજા વિશ્વયુદ્ધ(1939-45)ની સમાપ્તિ બાદ તેમણે સાત વર્ષ (1945-52) સુધી અમેરિકાના નાણાવિભાગમાં સલાહકાર તરીકે સેવાઓ આપી હતી.
તેમના અધ્યયન અને અધ્યાપનનો વ્યાપ અત્યંત વિસ્તૃત રહ્યો છે; જેમાં ગાણિતિક અર્થશાસ્ત્ર, અર્થતંત્રની સામાન્ય સમતુલા તથા ઉપભોક્તાના આર્થિક વર્તનનો વિશેષ કરીને સમાવેશ થાય છે. તેમના દ્વારા લિખિત અને 1947માં પ્રકાશિત ‘ફાઉન્ડેશન ઑવ્ ઇકૉનૉમિક એનૅલિસિસ’માં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઉપભોક્તાના વર્તનની સાર્વત્રિકતા અને વ્યાપકતા એ જ આર્થિક સિદ્ધાંતોના વિશ્લેષણનો પાયો છે. તેમણે અર્થશાસ્ત્રનાં વિવિધ ક્ષેત્રોનું ખેડાણ કર્યું છે; જેમાં અર્થતંત્રની ગતિશીલતા અને સ્થિરતા, તેની સામાન્ય સમતુલા અને તેમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ફાળો, જાહેર ચીજવસ્તુઓનું ઉત્પાદન અને ઉપભોગ, મૂડી અંગેના સિદ્ધાંતો, કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર, જાહેર ખર્ચ જેવાં વૈવિધ્યપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેઓ ભારપૂર્વક માનતા હતા કે મુક્ત વ્યાપાર એ ઉત્પાદનનાં સાધનોની મુક્ત હેરફેરની અવેજી છે, જે સમાજના આર્થિક કલ્યાણ માટે પોષક છે. સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર(macro economics)ના ક્ષેત્રમાં સૅમ્યુલ્સન એ પ્રથમ અર્થશાસ્ત્રી છે, જેમણે ગુણક અને ગતિવર્ધન વચ્ચેની પરસ્પરની અસરોનું સૈદ્ધાંતિક અને પ્રયુક્ત વિશ્લેષણ કર્યું છે. ઉપભોક્તાના વર્તન વિશેના વિશ્લેષણમાં આલ્ફ્રેડ માર્શલ જેવા શિષ્ટ અર્થશાસ્ત્રીઓના ષ્ટિકોણમાં રહેલી ઊણપો દૂર કરવા માટે સૅમ્યુલ્સને ‘અભિવ્યક્ત પસંદગી’નો અભિગમ સૂચવ્યો, જે ઉપભોક્તાના બાહ્ય વર્તનના નિરીક્ષણ પર આધારિત છે. આ અભિનવ અભિગમની રજૂઆત દ્વારા તેમણે તુષ્ટિગુણ વિશ્લેષણ અને સમતૃપ્તિ વક્રરેખા વિશ્લેષણ – આ બંનેની સૈદ્ધાંતિક દલીલોની ક્ષતિઓ ઉજાગર કરી છે. અર્થશાસ્ત્રમાં આ તેમનું વિશિષ્ટ યોગદાન ગણવામાં આવે છે.
સ્પષ્ટ રોચક શૈલી એ તેમનાં લખાણોની વિશિષ્ટ લાક્ષણિકતા ગણાય છે. તેમણે લખેલા ગ્રંથોમાં ‘ફાઉન્ડેશન્સ ઑવ્ ઇકૉનૉમિક એનૅલિસિસ’ (1947), ઉપરાંત ‘ઇકૉનૉમિક્સ’ (1948) તથા ‘લિનિયર પ્રોગ્રામિંગ ઍન્ડ ઇકૉનૉમિક એનૅલિસિસ’ (આર. ડૉર્ફમન અને આર. એમ. સોલો સાથે સંયુક્ત રીતે – 1958), વિશેષ નોંધપાત્ર છે. ‘ઇકૉનૉમિક્સ’ શીર્ષક હેઠળનું તેમનું પુસ્તક પાઠ્યપુસ્તક તરીકે ખૂબ જ લોકપ્રિય નીવડ્યું છે. તેની ઘણી આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે અને તે વિશ્વની ઘણી ભાષાઓમાં અનૂદિત થઈ છે. કેટલાક તો તેને ‘અર્થશાસ્ત્રનું બાઇબલ’ ગણે છે. આ ગ્રંથો ઉપરાંત, ‘ધ કલેક્ટેડ સાયન્ટિફિક પેપર્સ ઑવ્ પૉલ એ. સૅમ્યુલ્સન’ 1966-68ના બે દાયકા દરમિયાન પ્રસિદ્ધિ પામ્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે