સૂર્યાચન્દ્રમસૌ : સૂર્ય અને ચંદ્ર દેવતાદ્વન્દ્વ. દેવતાદ્વન્દ્વ સમાસ પ્રમાણે સૂર્ય અને ચંદ્રનો નિર્દેશ અહીં થયેલો છે. સૂર્ય અને ચંદ્ર ખગોળની દુનિયાના બે પ્રધાન ગ્રહો છે. દેવતાઓની દુનિયાના બે મુખ્ય દેવ છે. જ્યોતિર્મય પદાર્થોમાં બે મહત્ત્વના પદાર્થો કે તત્ત્વો છે. સૂર્ય સ્થાવર અને જંગમ સૃષ્ટિનો આત્મા છે તો ચંદ્ર મન છે. આ બંને પદો દ્વારા આત્મા અને મનનો નિર્દેશ થયો છે. સૂર્ય આગ્નેય છે તો ચંદ્ર સોમ કે અપ્ છે. સુશ્રુતે દ્વિવિધ ભૂતગ્રામભૂતસમૂહ કહ્યો છે તે આગ્નેય અને સોમ છે. સૂર્ય અન્નાદ છે તો સોમ અન્ના છે. સમગ્ર જગત અગ્નીષોમાત્મક છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને પિતા અને ચંદ્રને માતા કહી હોવાથી સૂર્ય પૌરુષ અને ચંદ્ર માતૃત્વને દ્યોતિત કરે છે. વેદમાં આ બંનેને માતાના ઉત્સંગમાં ખેલતાં શિશુઓ કહ્યા છે.
સૂર્ય તપાવનાર છે, ચંદ્ર આહલાદ આપનાર છે. ચંદ્ર શબ્દ चन्दि आहलाद ઉપરથી નિષ્પન્ન થયો છે. સૂર્ય આગ્નેય હોવાથી ઉષ્ણ છે. ચંદ્ર સૌમ્ય છે, શીત છે. ઋ.વે. 9542 ઉપરથી ઘણા ચંદ્રને સૂર્ય જેવો માનવા પ્રેરાય છે.
પુરાણોની કથા અનુસાર ચંદ્રમાંથી અમૃત સ્રવે છે. કૃષ્ણપક્ષમાં ચંદ્રમાંથી ઝરતા અમૃતનું દેવો, પિતૃઓ વગેરે પાન કરે છે. અમાવાસ્યાએ ચંદ્ર સૂર્યની નજીક જાય છે. શુક્લ પ્રતિપદાથી ચંદ્ર સૂર્યથી ઉત્તરોત્તર દૂર જાય છે. પૂર્ણિમાએ તે સૂર્યથી 180° દૂર હોય છે. અમાવાસ્યાએ ચંદ્ર સૂર્યની સાથે રહે છે. અમા સાથે; વાસ્યા વાસ કરવો તે. શુક્લ પ્રતિપદાએ ચંદ્ર સૂર્યની નજીક હોવાથી દેખાતો નથી. બીજના ચંદ્રનાં દર્શન થાય છે.
વિષ્ણુપુરાણ (2\12) અનુસાર ચંદ્રના રથને ત્રણ ચક્ર અને દસ અશ્વો છે. તેનો માર્ગ ધ્રુવથી આરંભી નક્ષત્રમંડળમાં ડાબે જમણે પસાર થઈને સૂર્યનાં કિરણોથી પુષ્ટિ અને ક્ષીણતા પામે છે. ચંદ્રની પંદર કળાઓ દેવો, પિતૃઓ દ્વારા આરોગાઈ જવાતાં બાકી રહેલી એક કળાને સૂર્યનું એક કિરણ પુષ્ટ કરે છે. પૂર્ણિમાએ ચંદ્ર પરમ પુષ્ટ બને છે. કૃષ્ણપક્ષમાં બે કળાઓ બાકી રહેતાં ચંદ્ર સૂર્યચક્રમાં પ્રવેશે છે. તે અર્કા નામના કિરણમાં રહે છે. ત્યારે તે તિથિ અમાવાસ્યા થાય છે. રાત-દિવસ તે જળ અને વનસ્પતિમાં રહે છે. આથી જ પુરાણ કહે છે કે આ દિવસે વનસ્પતિને છેદનાર બ્રહ્મહત્યા કરે છે. બાકી રહેલી એક કળા પુષ્ટ થતાં ચંદ્ર પ્રતિપદામાં પ્રવેશે છે. વાયુપુરાણ (52-50) પણ આનું સમર્થન કરે છે. સ્કંદપુરાણનો નાગર ખંડ, હેમાદ્રિનું ‘ચતુર્વર્ગ ચિન્તામણિ’ (પૃ. 312) આવી જ વિગતો આપે છે. સૂર્યના જે કિરણથી ચંદ્રની શેષ માત્ર એક કળા પોષાય છે તેનું નામ પણ ‘અમા’ છે. તે સૂર્યનાં હજાર કિરણોમાં શ્રેષ્ઠ છે. તેનાથી જ સૂર્ય ત્રણેય લોકમાં પ્રકાશે છે (હેમાદ્રિ, પૃ. 31).
‘શતપથ બ્રાહ્મણ’(4-6-7-12) અનુસાર સૂર્યનો ચંદ્ર આહાર છે. શતપથ બ્રાહ્મણ (1-6-4-18) સૂર્યચંદ્રને ઇન્દ્રવૃત્રના યુદ્ધ સાથે સાંકળે છે. સૂર્ય ઇન્દ્ર છે, ચંદ્ર વૃત્ર છે. અમાવાસ્યાએ સૂર્ય ચંદ્ર સાથે હોય ત્યારે ઇન્દ્રે વૃત્રનો વધ કર્યાનું આ બ્રાહ્મણ કહે છે. સૂર્ય તેનું પાન કરી છોડી દે છે તેથી પ્રતિપદાથી તે પૂર્વમાં જઈ બીજે દેખાય છે (10-6-2-3). સૂર્ય-અગ્નિને અન્નાદ અને ચંદ્રને અન્ન પણ કહ્યો છે. [તૈ. સં. 1-4.4. 2-13]. ઋ.વે. – 9-85-12માં ચંદ્રને ગંધર્વ વિશ્વાવસુ પણ કહ્યો છે. અથર્વવેદ (11-2-1) પણ એનું સમર્થન કરે છે.
પૂર્ણિમાએ ચંદ્રને સૂર્યનાં કિરણોથી પરિપુષ્ટ થયેલો ગણ્યો છે. (ઋ.વે. 9-71-9). તેણે સૂર્યનું તેજ ધારણ કર્યું હોય છે.
આથી જ અગ્નિહોત્ર પરંપરામાં અમાવાસ્યા અને પૂર્ણિમા પછી પ્રતિપદાએ ઇષ્ટિ કરવામાં આવે છે. આ યુગ્મ ગ્રહો જ રાત-દિવસ, તિથિઓપૂર્ણિમા અને અમાસનું કારણ છે.
દશરથલાલ ગૌ. વેદિયા