સૂરસાગર : હિન્દી ભક્તકવિ સૂરદાસની પ્રમાણિત કૃતિ. એક મત પ્રમાણે કવિએ પોતે આ ગ્રંથ લખ્યો હોય અથવા તેમની દેખરેખ હેઠળ હસ્તપ્રત તૈયાર થઈ હોવાનો કોઈ પુરાવો નથી; તેથી તેનો પ્રમાણિત મૂળ પાઠ ઉપલબ્ધ નથી. જોકે જયપુરના ગ્રંથાલયમાંથી મળેલી 1573ની પ્રત પ્રાચીનતમ ગણાય છે. મથુરા, નાથદ્વારા, કોટા, બૂંદી, બીકાનેર, ઉદેપુર વગેરે સ્થળોએથી ઉપલબ્ધ પ્રતો 17મીથી 18મી સદીની છે તેમાં કાશીની 1696ની પ્રાચીનતમ હોવાનું કહેવાય છે. પૅરિસ અને લંડનમાંથી પ્રાપ્ત પ્રતો 18મી સદીની અને લખનૌ, મથુરા, અલીગઢ અને કોલકાતાની પ્રતો 19મી સદીની છે. 19મી સદીમાં ડૉ. માતાપ્રસાદ ગુપ્ત દ્વારા સંપાદિત ‘સૂરસાગર’ આગ્રાથી પ્રકાશિત થયેલું. 1841માં કોલકાતાથી, 1863માં લખનૌથી નવલકિશોર પ્રેસ દ્વારા પછી 1896માં વેંકટેશ્વર પ્રેસ મુંબઈથી ‘સૂરસાગર’ની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરાયેલી. તેનું શીર્ષક આમ રાખેલું : ‘સૂરદાસરચિત શ્રીમદભાગવત બારહ સ્કન્ધોં કા લલિત રાગ-રાગનિયોં મેં અનુવાદ’. તેના પ્રથમ પ્રકારમાં પ્રથમ મંગલાચરણ પછી શ્રીકૃષ્ણલીલાનું વર્ણન છે અને અંતમાં શ્રીરામકથા તથા વિનયનાં પદો છે. નવલકિશોર પ્રેસની પ્રત લીલાક્રમવાળા રૂપની છે. બીજું રૂપ 12 સ્કંધના ક્રમવાળું છે. તેમાં પ્રારંભે વિનયનાં પદો આપી શ્રીમદભાગવતના 12 સ્કન્ધોંના આધાર પર પદોનું વિભાજન કરેલું છે. આ બંને રૂપો સૂરસાગરની હસ્તપ્રતોમાં ઉપલબ્ધ છે. તેમાં લીલાક્રમવાળી પ્રત અધિક પ્રાચીન છે.
દરેક સ્ક્ન્ધમાં સૂરદાસે ભાગવતનો ભાષા(વ્રજ)માં અનુવાદ કર્યાનો ઉલ્લેખ કર્યો હોવા છતાં તે શ્રીમદભાગવતનો ભાવાનુવાદ નથી. વળી સાંપ્રદાયિક મત પ્રમાણે ‘સૂરસાગર’ શ્રીનાથજી(ભાગવત કૃષ્ણ)ના મંદિરે ગાવાનાં કીર્તન માટે સૂરદાસે રચેલાં પદોનો સંગ્રહ છે. તેમણે હજારોની સંખ્યામાં આવાં પદો રચ્યાનું ‘ચૌરાસી વૈષ્ણવન કી વાર્તા’ના પ્રસંગ 3 પરથી ફલિત થાય છે અને તેને ‘સૂરસાગર’માં સંકલિત કરાયાં છે.
તેમાં કુલ 4937 પદો પૈકી દશમ સ્કન્ધનાં 4300 પદો શ્રીકૃષ્ણલીલાનાં છે અને તે ગ્રંથનો ભાગ રોકે છે. બાકીના ભાગમાં કવિ પોતે વેદનાપૂર્વક જણાવે છે કે માનવી તેનું મૂલ્યવાન જીવન, તેને તેના જીવનચક્રમાંથી મુક્તિ આપનાર એકમાત્ર ભગવાનની કૃપા મેળવવામાં ન વિતાવતાં ફાલતુ બાબતોમાં વેડફે છે. 225 પદોમાં કવિ સામાન્ય માનવજાતનાં પાપ પોતાને શિરે લઈ લે છે અને ભગવાનની કૃપાની ઝંખના કરે છે. 150 પદો નમ્રભાવે ભગવાન શ્રીરામને સમર્પિત કર્યાં છે. બાકીનાં 200 પદો ભાગવતમાંની કેટલીક પૌરાણિક કથાઓને લગતાં છે. સુદામા અને રુક્મિણીને લગતાં બે પદો શ્રીકૃષ્ણની દંતકથાઓ સંબંધી છે. આ ભાગમાં કવિ ભગવાનનું શરણ માગતા સંતની ભૂમિકામાં જોવા મળે છે.
‘સૂરસાગર’નો મુખ્ય વર્ણન-વિષય વ્રજવલ્લભ શ્રીકૃષ્ણની લીલાનું – તેમના જન્મથી શરૂ કરીને તેમના વ્રજવાસની વિવિધ ક્રીડાઓનું વર્ણન, મથુરાગમન તથા દ્વારકાગમન અને પછી કુરુક્ષેત્રમાં વ્રજવાસીઓ સાથેના મિલન સહિત સમસ્ત ઘટનાઓનું વિગતે વર્ણન છે. આ પ્રસંગોના વિવરણમાં કવિની મૌલિક કલ્પના સ્પષ્ટપણે પ્રગટ થાય છે. કેટલાક નવીન પ્રસંગો – જેનો ભાગવતમાં ઉલ્લેખ સુધ્ધાં નથી તેવા પ્રસંગો તેમણે રજૂ કર્યા છે. તેમાં કવિની વ્યક્ત વિચારોની પ્રૌઢિ, અનુભવની ગંભીરતા, સ્થિર મનસ્વિતા અને સંપૂર્ણ જીવન પરની દાર્શનિક જેવી દૃષ્ટિ જોવા મળે છે કે તેમની રચના પર્યાપ્ત વય અને અનુભવપ્રાપ્ત વ્યક્તિ દ્વારા જ બનવી સંભવ છે. શ્રીકૃષ્ણલીલાના વર્ણનમાં સ્ફુટ રૂપે વખતોવખત વાત્સલ્ય, સખ્ય અને માધુર્ય ભાવોમાં પોતાની તલ્લીનતા પ્રગટ કરી છે. સંસારની અસારતાનો ઉલ્લેખ કરતાં વૈરાગ્યની ભાવના દૃઢ કરી છે તથા ભક્તિની અનિવાર્ય આવશ્યકતા પ્રમાણિત કરવા ભગવાનની અસીમ કૃપા અને ભક્તવત્સલતાનું ઉદાહરણો સાથે વિવરણ કર્યું છે. મનને ભક્તિમાં દૃઢ કરવાના ઉદ્દેશથી સત્સંગનો મહિમા ગાયો છે તથા હરિવિમુખોની નિંદા કરી છે, ભક્તિનાં લક્ષણોનો અહીં-તહીં ઉલ્લેખ છે, જેમાં નામસ્મરણ સૌથી મુખ્ય છે. વસ્તુત: ભક્તિનું મૂળ લક્ષણ પ્રેમભાવ છે. વિનયનાં પદોમાં સામાન્ય લોકજીવનનું વિવરણ અધિકતર છે.
શૈલીની દૃષ્ટિએ આ પદો આત્માભિવ્યક્તિપૂર્ણ ગીતિરચનાનાં શ્રેષ્ઠ ઉદાહરણ પૂરાં પાડે છે. કેટલાંક પદો ઉપદેશાત્મક છે, પરંતુ મોટાભાગનાં પદોમાં ગીતિકાવ્યમાં ઉપયોગી તીવ્ર ભાવનાત્મકતા વ્યક્ત થાય છે. તેમની પદશૈલીમાં સંગીતતત્ત્વ તો છે જ, સાથોસાથ ભાવસંકલન પણ છે. શૈલી પ્રૌઢ છે, ભાષામાં તત્સમ અને તદભવ શબ્દોનું મિશ્રણ છે તથા ધાર્મિક શબ્દાવલી વિશેષ છે, જ્યાં ભાવની તીવ્ર અનુભૂતિ અને ઘનિષ્ઠ આત્મીયતા પ્રગટ કરી છે ત્યાં ભાષા વધુ સરળ છે. અલંકારોનો પ્રયોગ સહજપણે ભાવોનું સ્પષ્ટીકરણ કરવા માટે થયો છે.
કૃતિનાં સ્ફુટ પદોમાં રામકથાનાં પદો મહત્ત્વપૂર્ણ છે. તેમાં રામજન્મ, ધનુર્ભંગ, કેવટપ્રસંગ, ભરતભક્તિ, સીતાહરણ, રામવિલાપ, હનુમાનનાં પરાક્રમ, રાવણ-મંદોદરીસંવાદ વગેરે ઘટનાઓથી શરૂ કરીને સીતાની અગ્નિપરીક્ષા અને રામનો અયોધ્યા-પ્રવેશ સુધીના પ્રસંગોનું વર્ણન છે. લંકાકાંડ સંબંધી પ્રસંગોનાં પદો વધુ છે; જેમાં રામનું શૌર્ય, પૌરુષ, ધૈર્ય અને પરાક્રમ, સીતા અને લક્ષ્મણ સંબંધી તેમની વેદના, વ્યાકુળતા અને વ્યગ્રતાનું સુંદર ચિત્રાંકન જોવા મળે છે.
શ્રીકૃષ્ણલીલાના વિવિધ પ્રસંગો સંબંધી સ્ફુટ પદોનો સમૂહ તથા વિશિષ્ટ લીલાઓ રૂપે રચાયેલ પદોમાં ખંડકાવ્યના જેવા અંશોનું નિર્માણ છે. તેની અંતર્ગત કૃષ્ણનાં શૈશવ, કિશોરાવસ્થાથી માંડીને વિવિધ ક્રીડાઓ, ફાગ, હોળી, હિંડોળાના પ્રસંગો, બકાસુર, ચંદ્રચૂડ જેવા અસુરોનો સંહાર, કંસનો વધ, રાધા સાથે પ્રથમ મિલન, કાલિયદમનલીલા, દાણલીલા, માનલીલા, રાસલીલા વગેરેનું વર્ણન સમ્યક પ્રબંધનું રૂપ ધારણ કરે છે. તેમાં એક દ્વારા શ્રીકૃષ્ણનાં વિસ્મયકારી સંહારકાર્યોની અને બીજી દ્વારા શ્રીકૃષ્ણના શુદ્ધ પરમાનંદસ્વરૂપની અભિવ્યક્તિ થાય છે, જે વસ્તુત: સૂરસાગરની ઉત્કૃષ્ટ ભાવ-સંપત્તિ છે. આ ગીતિ-પ્રબંધને ‘મહાકાવ્ય’ કહી શકાય, જો શાસ્ત્રીય પરિભાષામાં દર્શાવેલ તેનાં બાહ્ય લક્ષણોનો વિચાર કરવામાં ન આવે તો તેમાંનાં નાયક, નાયિકા, પ્રતિનાયક, અનેક સખા-સખી, મુખ્ય કથા તથા અન્ય પ્રાસંગિક કથાઓ, કથાની એકસૂત્રતા, કથાનકનો આરંભ, વિકાસ, મધ્ય, ચરમસીમા અને તેનો નિર્ધારિત અંત, બાહ્ય પ્રકૃતિનું ચિત્રણ વગેરે બાબતો પ્રબંધકાવ્ય અથવા મહાકાવ્યના બરની છે.
આમ, આ પદ-પ્રસંગો દ્વારા સૂરદાસે સગુણભક્તિની શ્રેષ્ઠતા પ્રમાણિત કરી છે. સ્વાભાવિકતામાં અલૌકિકતાનો વિન્યાસ એ આ કવિનું મુખ્ય પ્રદાન છે. સૂરના શ્રીકૃષ્ણ પરમ બ્રહ્મરૂપ છે, પરંતુ તેમની પ્રેમની ક્રીડાઓ માનવોચિત છે. શ્રીકૃષ્ણલીલાનાં પદોમાં વચ્ચે કવિ શ્રીકૃષ્ણ પરબ્રહ્મસ્વરૂપ છે તેની ઝાંખી કરાવતા રહે છે.
આલોક ગુપ્તા